આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તોલા અફીણનું ખર્ચ
૧૬૫
 


બીજાનીય જરૂર પડે એમ છે.’

‘કોની જરૂર ? મારી ?’

'હા.'

‘હું એમાં શું કરી શકું ?’

‘તમે ધારો તો ઘણુંય કરી શકો એમ છો. આ બધી રામાયણ તમે જ ઊભી કરી છે ને ? તમે ધારો તો દલુને ઘડીના છઠ્ઠા ભાગમાં લખપતિ બનાવી શકો એમ છો.’

‘પણ હું શું કરું તો એમ થાય, એટલું તો કહે !’ અમરતે અર્ધી અર્ધી થઈને પૂછ્યું.

‘એમાં કાંઈ અઘરું નથી. ઝાઝું ખરચેય નથી. તોલો અફીણ વાપરશો તો બેડો પાર !’

‘હેં ?’ અમરતનો સાદ તરડાઈ ગયો.

‘હા, તોલો અફીણની જ જરૂર છે. દવા ગણીને પાઈ દિયો.’

‘એલા, પણ સગી બેનને હાથે જ ભાઈને…’

‘ભાઈનું બવ પેટમાં બળતું હોય તો રે'વા દિયો. મારે કાંઈ ગરજ નથી. હાથ હલાવ્યા વિના લાખુંની મિલકત એમ ક્યાં રેઢી પડી છે ?’

‘પણ સગા માના – જણ્યાને હું…’

‘તો પડ્યા રિયો ! તમારું ગજું નથી. ભલે દલિયો વાંઢો ને વાંઢો અવતાર પૂરો કરે…’

‘એમ તે હોય ? મારા દલુને વરાવી – પરણાવીને મારે તો એને પેઢીમાં ભાઈના તકિયા ઉપર બેઠેલો જોવો છે.’

‘એટલા સારુ થઈને તો ઉપાય બતાવું છું…’

‘સાચેસાચ ? ભાઈને ઘૂંટડો ગળાવી દઉં, તો સંધુંય દલુના હાથમાં આવી જાય ?’

‘હા.’

‘ને ઓલી ચોટલાવાળી જોગમાયાનું શું ?’