આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આજા૨ આભાશા
૧૬૯
 

 પણ ત્યાગ કરવા માંડ્યો અને અત્યંત સાદાં વસ્ત્રો ધારણ કરવા માંડ્યાં. એ જોઈને નંદન અને અમરત આનંદી ઊઠ્યાં, પણ આભાશાના શોકગ્રસ્ત આત્માને તો વધારે શોક ઊપજ્યો.

રિખવની હયાતી દરમિયાન સુલેખાની તહેનાતમાં જે નોકરચાકર હતા એ સહુને આભાશાએ હજી ચાલુ રાખ્યા હતા. પણ લાખિયારના મકાનમાં રહેવા ગયા પછી સુલેખાએ એ નોકરોની સેવા સ્વીકારવાની પણ ના કહી. પોતાનું લગભગ બધું જ કામ એ હાથે કરવા લાગી હતી. આથી તો ગામલોકોમાં આભાશાનાં ઘરની હલકી વાતો થવા લાગી; રિખવની હયાતી દરમિયાન સુલેખાના આવાસમાંની શૃંગારનીતરતી ગીતપંક્તિઓ સંભળાતી એને બદલે હવે જીવનના ક્ષણભંગુર૫ણા અંગેનાં સંતભક્તોનાં પદો સંભળાતાં. ભરયુવાન વયમાં જ પુત્રવધૂને મોંએથી વૈરાગ્યવાણી સાંભળીને વયોવૃદ્ધ આભાશા ખિન્ન બની જતા.

સુલેખાએ પોતાનું ખાલી પડેલું જીવન ચિત્રકલાના વ્યાસંગથી ભરી દીધું. જ્યારે જ્યારે નવરી પડે ત્યારે એ ‘સુરૂપકુમાર’ના ચિત્ર ઉપર કામે લાગી પડતી અને એના કલ્પનાવિધાનની મસ્તીમાં પોતાનું વૈધવ્યદુ:ખ વિસારે પાડી દેતી. પતિ તરફથી પોતે પ્રથમ મિલને જ તરછોડાયેલી છે એ હકીકતની આજ દિવસ સુધી એણે કોઈને જાણ થવા દીધી નથી. જીવનના સઘળા જ કડવા ઘૂંટડા ગળે ઉતારીને પોતાની ચિત્રકલામાં તો એ અમૃત જ રેડી રહી હતી. વર્ષોની મહેનત પછી પણ ‘સુરૂપકુમાર’ના ચિત્રની મુખાકૃતિનો પૂરેપૂરો સ્પષ્ટ અને સંતોષકારક ઉઠાવ હજી નહોતો આવી શકતો. સુલેખાને એ અસંતોષ સાલતો હતો અને પોતાની કલાની અપૂર્ણતાનો વસવસો પણ રહેતો હતો. પણ એ મુખાકૃતિની સ્પષ્ટતા તો રિખવ પોતે જ જીવતોજાગતો હાજર થાય તો જ થઈ શકે અને એમ બનવું તો હવે અશક્ય છે, એ હકીકતનું ભાન થતાં સુલેખા ઊંડા ઊંડા નિસાસા મૂકતી હતી. આ બધા નિસાસાના ધ્વનિઓ