આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૨]
જીવનની કલાધરી

સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈને પહેલાં તો પિતૃહૃદયને સ્વાભાવિક આઘાત થયો. પણ તરત લશ્કરી શેઠ જોઈ શક્યા કે આ સાદાઈમાં પણ ઠેકઠેકાણે સુલેખાની સુરુચિ તરી આવે છે. ગૌછાણના લીંપણવાળી ભીંત ઉપર પણ સુલેખાએ અહીંતહીં પોતાની પીંછીના લસરકા લગાવ્યા છે. ગેરુનાં એ ચિતરામણો આગળ રંગબેરંગી તખ્તાઓ અને છબીઓ પણ ઝાંખાં લાગે એમ હતાં. સુલેખાએ જીવનની કલા દ્વારા વાતાવરણને એવી તો ભવ્ય સાદાઈ અર્પી હતી કે લશ્કરી શેઠની છાતી ગજગજ ફૂલી ઊઠી અને પુત્રીના વૈધવ્યનો હૃદયને કોરી ખાતો ઘા પણ ઘડીભરી વિસારે પડ્યો. બોલ્યા :

‘દીકરા, તેં તો તારુ વૈધવ્યજીવન ઉજાળ્યું….’

‘બાપુજી, એ તો મારો ધર્મ…’

‘હિન્દુ સંસારમાં ધર્મ તો ગણવો જ પડે છે, પણ તેં તો એને માત્ર ધર્મ ન રહેવા દેતાં જીવનની કલા કરી બતાવી છે. વિમલસૂરીને વર્ષો પહેલાં તું ગોચરી વહોરાવતી ત્યારે ઘણી વખત તેઓ કહેતા કે, સુલેખા તો કલાધરી છે. એ વખતે હું એ બધું હસી કાઢતો. આજે સૂરીજીનાં એ વચનો સાચાં લાગે છે.…’