આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનની કલાધરી
૧૭૫
 

 ગયા હોત તો પણ હું એના મોંની રેખાઓ જોઈને આ ચિત્ર પૂરું કરી નાખત.’

‘એ બાળક નથી, એની જ તો આ બધી ઉપાધિ ઊભી થઈ છે ને !’ લશ્કરી શેઠે કહ્યું : ‘આભાશાએ એટલા માટે તો તને સમજાવવા મને અહીં મોકલ્યો છે.’

‘સસરાજી પણ માંદગીને બિછાનેથીય મારી ચિંતા કર્યા જ કરે છે ! મને હજી શું સમજાવવાનું બાકી છે ?’ સુલેખાએ પૂછ્યું.

‘બેટા, તું તો બધું જ જાણે જ છે. આભાશા બધી જ મિલકત તારા નામ પર કરી જવા માગે છે.’

‘પણ મારે એ મિલકતની જરૂર નથી; ઉપયોગ પણ નથી.’

‘એ તો તારા હૃદયની ઉદારતા છે, આત્માનો ગુણ છે. પણ તારે થોડી વ્યવહારદક્ષતા પણ કેળવવી જોઈએ.’

‘વ્યવહારદક્ષ બનીને મારે વ્યાજવટાવનો ધંધો નથી કરવો, બાપુજી !’ સુલેખાએ હસી પડતાં કહ્યું.

મજાક સાંભળીને લશ્કરી શેઠ પણ હસી પડ્યા. બોલ્યા : ‘વ્યાજવટાવ કરવા જવાનું તને કોણ કહે છે ? જોકે તું સ્ત્રી હોવા છતાં વેપાર કરે એમાં કાંઈ નવીનવાઈ જેવું મને ન લાગે. આભાશાની ચોથી પેઢીનાં દાદીમા હરકોર શેઠાણીએ તો તેમના ધણીના મૃત્યુ પછી આખી પેઢીનો કારભાર દસ વરસ સુધી ધમધોકાર ચલાવ્યો હતો. એના હાથની લખેલી હૂંડીઓ પણ હજી મોજુદ છે. દેશાવરભરમાં એ હૂંડીઓ ‘હરકોરની હૂંડી’ તરીકે ખ્યાત થઈ હતી. આ ખોરડે સ્ત્રીઓનો કારભાર કાંઈ નવીનવાઈનો નથી !’

છેલ્લું વાક્ય મર્મમાં કહીને લશ્કરી શેઠ હસી પડ્યા.

સુલેખા થોડી વાર મૂંગી રહી. પછી નિસાસાભર્યા સ્વરે બોલી :