આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાકર વહેચો !
 

 'હા, કીધું છે કે છોકરો ભારે નમણો છે...'

આભાશાના મોં ઉપર શરમના શેરડા પડ્યા.

ધમલાએ ચાલુ રાખ્યું : '... ને એના વાંસામાં રૂપિયા જેવડું ગોળ, લીલું લાખું છું.'

'અરે વાહ!' આભાશાના મોંમાંથી ઉદ્‌ગાર નીકળી ગયો. મુનીમને ઉદ્દેશીને કહ્યું : 'ચતરભજ, યાદ છે ને અમદાવાદવાળા વૃજભૂખણ પારી શેઠના કપાળમાં લીલું લાખું હતું... '

'જી હા, લાખાવાળા લખપતિ થાય એમ કહેવત છે. વૃજભૂખણ પારી તો ક્રોડપતિ આસામી કે'વાય.’

આ સાંભળીને આભાશા ખડખડાટ હસી પડ્યા. બોલ્યા : 'એવી કહેવતમાં હું માનતો જ નથી. લાખું ન હોય તો પણ માણસ લખપતિ થઈ શકે છે. મારે આખે ડિલે જોઈ વળો, પણ તલ સિવાય બીજા એકેય ડાઘ હોય તો બતાવો ! એ તો બધી નસીબની બલિહારી છે !'

રણકતા કલદારની નક્કર ગણતરીઓથી ટેવાયેલા આભાશાને , સામાન્યતઃ ઉર્મિલ બની જવાની આદત જ નહોતી. તેથી જ અત્યારે પુત્રને ડિલે લાખું હોવાથી એ લાખોપતિ થશે એવા મીઠા મનગમતા સૂચનથી પણ તેઓ જરાય ઉત્તેજાયા ન હોય એવો દેખાવ કર્યો. કોઈ દેણદાર એનાં ઘર-ઘરેણાં ગીરે મૂકવા આવ્યો હોય અને મુદ્દામાલનાં ભભકભર્યા છતાં સાચાં વર્ણન આપીને મૂળ વસ્તુની મોંઘી કિંમત આભાશાના મન ઉપર ઠસાવવા મથતો હોય, ત્યારે પણ આભાશા જરાય ઉત્તેજાયા વિના મોં ઉપર આવો જ સમકીત ભાવ ધારણ કરતા. હૈયાની વાત સહેલાઈથી હોઠે લાવવાની તેમને ટેવ જ નહોતી. રખેને મોંઘી કિંમતથી અંજાઈ જાઉં, ને સામો માણસ ગીરો પેટે વધારે રકમ માગે અથવા ઓછું વ્યાજ આપે તો? અત્યારે મુનીમે જ્યારે પુત્રના લખપતિ થવાની આગાહી કરી ત્યારે પણ આભાશા કાંઈક અજાણપણે