આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનની કલાધરી
૧૭૯
 

 હોઉં તો તો કોણ જાણે શું કરે ! ના, ના, રિખવના વારસાને હું આમ ફનાફાતિયા નહિ થવા દઉ. કોઈ કાળે નહિ થવા દઉં. જરૂર પડશે તો માનવતાની રક્ષા કરવા માટે મારા અપરિગ્રહવ્રતનો ત્યાગ કરીને પણ દુષ્ટોના હાથ હેઠા પાડીશ.

‘બાપુજી !’ સુલેખા આવેશમાં આવીને બોલી : ‘મેં મારો નિર્ણય બદલ્યો છે. ભલે સસરાજી બધી મિલકત મારા નામ ઉપર ચડાવી દિયે. પણ એક શરત મૂકું છું હું એ મિલકત મન ફાવે તેમ વાપરીશ…’

‘બેટા જેવી તારી મરજી ! તને યોગ્ય લાગે એમ વાપરજે. પણ અત્યારે તો બેચાર માણસોની જિંદગીઓ બચાવવી એ તારા હાથમાં છે. તું તો શાણી અને સમજુ છે. અત્યારે તેં નિર્ણય કર્યો એ તારી ઊંડી સમજશક્તિનો સૂચક છે.’

‘પણ બાપુજી ! મારી લાંબા સમયની ઇચ્છા તો એમના સ્મારક તરીકે જસપરમાં અન્નક્ષેત્ર સ્થાપવાની છે. રોજ ઊઠીને આ સામે શેરીમાં ભીખ માગતાં ભિખારીઓ અને લૂલાં–લંગડાં અપંગોને જોઉં છું ને મને અન્નદેવની થઈ રહેલી અવહેલના સાલ્યા કરે છે. બાપુજી, આપણે અનેક ઉપાસના કરીએ છીએ પણ અન્નની ઉપાસના વિસરી ગયા છીએ. શાસ્ત્રી માધવાનંદજી હમણાં મારી પાસે ઉપનિષદો વાંચે છે એમાં અન્નને બ્રહ્મ તરીકે ગણાવ્યું છે : अन्न ब्रह्मति व्यजानात्…

‘બેટા, તારી યોજના ઘણી જ સુંદર છે. એવું એક આદર્શ અન્નક્ષેત્ર જ રિખવ શેઠનું સાચું સ્મારક બની શકે. એ વિચાર સૂઝવા બદલ તને ધન્યવાદ ઘટે છે. તારા હાથમાં વહીવટ આવે કે પહેલી જ તકે એ યોજના અમલમાં મૂકજે. બેટા, તેં તો ખરેખર બાળરંડાપો ઉજાળ્યો. વિમલસૂરીએ ખોટું નહોતું કહ્યું કે સુલેખા તો કલાધરી છે.’ લશ્કરી શેઠે ઊભા થતાં કહ્યું.