આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્યાજનો વારસ
 


અનુભવી રહ્યા કે જો હું હા ભણીશ તો મુનીમ સાથે આ 'સોદો' સીધો નહિ ઊતરે !

'ઠીક લે, ચતરભજ,' તેમણે મુનીમને ઉદ્દેશીને કહ્યું: 'હું હવે ઘર આગળ થાતો આવું – કાંઈ કામકાજ હોય તો પૂછતો આવું...' આભાશા ઊભા થઈ ગયા. તેમને ઓચિંતી જ એક અતિ અગત્યની વાત યાદ આવી હતી. બાળકને જમણે હાથને કાંડે એક મંતરેલ દોરો બાંધવા અંગે, પોતે ઘેરથી નીકળ્યા ત્યારે મોટીબહેન અમરતને ખાસ સૂચના અને સમજૂતી આપવાનું ભૂલી ગયા હતા. હજી પોતે બહુ મોડા ન પડે એટલા માટે તેમણે પગમાં પગરખાં ઘાલવાનું પણ માંડી વાળ્યું અને સીધી ઘર તરફ દોટ મૂકી.

પેઢીના સૌ વાણોતરો નવા જન્મેલા લખપતિ બાળા-શેઠ માટે ઉધાડે પગે દોટ મૂકીને દોડતા આ મોટા શેઠની પીઠ પાછળ સાનંદાશ્ચર્ય જોઈ રહ્યા.

*