આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
વ્યાજનો વારસ
 


વિદાય ભેગી ખડકાઈ ગઈ હોત તો આ દિવસો તો જોવા ન પડત ! રિખવ જાતાં તો ઘરનો મોભ તૂટી પડ્યો. ગયો અને મારું જીવતર ઝેર જેવું કરતો ગયો. આટઆટલી કમાણી પછી મારે તો દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવા જેવું થયું.

પૂર્વ ભવે પાપ કરવામાં જરાક પાછું વળીને જોયું હશે, તે આ ભવે આટઆટલાં દુ:ખ છતાં સુલેખા જેવી પુણ્યશાળી પુત્રવધૂ આ ઘરમાં આવી. લક્ષ્મી તો ચંચળ છે એમ વિમલસૂરીજી વારંવાર કહે છે. ભાગ્યશાળી માણસોના હાથમાં જ પૈસો ટકે. પવિત્ર વાતાવરણમાં લક્ષ્મીનો વાસ હોઈ શકે. સુપાત્રને ઘરે જ એ શોભે. એટલા માટે તો હું સુલેખાને આ વારસો સોંપતો જાઉં છું નહિતર મારે અમરતનો દલુ સગો ભાણેજ નથી શું ? દલુને ખોળે લેવાનું કહીકહીને તો અમરતે અને ગામ આખાએ જીભના કૂચા વાળી નાખ્યા. પણ હું એમ ભોળો થોડો છું તે ભોળવાઈ જાઉં ? સૂરજીની સલાહ લેવા ગયો તો દલિયા માટે સોઈઝાટકીને ના પાડી. બોલ્યા : ‘જોઈએ તો માલમિલકત પાંજરાપોળને સોંપી દેજો, પણ દલુને આ વંશનો વારસ ન બનાવશો. એનામાં લાયકાત નથી, અધિકાર નથી. એના સંસ્કાર વર્ણસંકર જેવા છે. એ સંકરતા તમારી સાત પેઢીનું નામ બોળશે.’

સગા ભાણેજ માટે સૂરીજીએ ઉચ્ચારેલાં આવાં અણગમતાં વચનો યાદ આવતાં આભાશા ખિન્ન થઈ ગયા. સંકરતાના સંસ્કારો ! છિ: છિ: સંસ્કારો શાના ? કુસંસ્કાર જ કહો ને… પણ અરે ! દલુ એ તો મારું પોતાનું જ તન, માની જણી બહેનનો દીકરો. એનામાં આવી કુસંસ્કારિતા આવે જ શી રીતે ? ‘કર્મની ગતિ પણ ન્યારી છે !’ કહીને આભાશાએ નિસાસો નાખ્યો. સૂરીજીનાં બધાં જ વચનો સાચા પડ્યા છે તો આ પણ સાચું જ પડે તો ! તો મારી સાત પેઢીની સ્વર્ગમાં પણ દુર્ગતિ થાય…

‘પણ ના, ના, એમ હું દુર્ગતિ થવા નહિ દઉં. સૂરીજીનાં