આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓશિયાળી અમરત
૨૦૩
 

 જીરવાય ? પોતે સુલેખાનો દીધો રોટલો ખાઈ રહી છે એમ જ્યારે અમરતને લાગ્યું ત્યારે એ રોટલો જાણે કે કડવો ઝેર થઈ પડ્યો. એનો સ્વભાવ જ એવો હતો કે આ ઘરમાં જ્યાં સુધી ધણી–રણી તરીકેની જોહુકમી ન ચલાવે ત્યાં સુધી એને ચેન ન પડે.

અમરત વિચારે ચડી ગઈ. ચતરભજે મને સોંપેલું કામ મેં શા માટે કર્યું ? અને કર્યું તો પછી વીલ થઈ ચૂક્યા પછી કર્યું એ શા ખપનું ? ફક્ત વીલ ન થયું હોત તો આજે ચતરભજ પેઢીનો ધણી થઈ બેઠો હોત અને મારો દલુ પણ માણસની હારમાં આવત, કોક સારા કુટુંબની દીકરી પામત અને એનું ઘર બંધાત, પણ નખોદિયા લશ્કરી શેઠે પોતાની છોકરીના નામનું વીલ લખાવી લઈને મારા દલુના પેટ ઉપર પાટું મરાવ્યું. ભાઈને પણ સગા ભાણેજ કરતાં ઓલી પારકી જણી વધારે વહાલી લાગી ત્યારે આવા દિવસો જોવાના આવ્યા ને ? અને નૂગરો ચતરભજ ! એણે પણ મને વૃદ્ધાવસ્થામાં તરછોડી ! અને આ વેંત–એકની સુલેખડી ઘરની ધણિયાણી થઈને બેઠી છે. એ તો હજી સારું છે કે હું હાકેમ જેવી બેઠી છું તે દલુને બે ટંક રોટલો જડે છે; પણ કાલે સવારે મારી આંખ મીંચાય તો પછી દલુને પાછળથી કોઈ આ ઘરમાં ઊભવા પણ શાના દિયે ? બિચારાને વાંઢો ગણીને ઘરમાંથી તગડી મેલે. પણ ના, ના, એમ હજી આ અમરત મરી પરવારી નથી. આ ભર્યુંભાદર્યું ઘર હાથ કરી લેવું એ કાંઈ હથેળીનો ગોળ નથી. ભલેને ભાઈ બધી મિલકત સુલેખાને નામે ચડાવી ગયા; એ તો જ્યારે કુટુંબમાં કોઈ પુરુષ વારસ ન હોય ત્યારે જ એનો હક લાગે, પણ, હું ખરી તો હજીય એક પુરુષ વારસ ઊભો કરું, તો જ મારું નામ અમરત !

અને અમરતમાં રહેલો સત્તાવાંચ્છુ શાસનકર્તા અત્યારે બહાર આવીને એના મોંની પ્રૌઢ રેખાઓની નીકો વચ્ચે પણ ભરજુવાનીની જોહુકમી અને જોમનાં દીપ્તિ–પૂર રેલી ગયો.

*