આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્યાજનો વારસ
 


એ જ્ઞાન વાપરે નહિ, એટલું જ.'

'છતાં આપણે માટે એમણે એ જ્ઞાન વાપર્યું ખરું. આપણાં એટલાં અહોભાગ્ય...'

'ભાઈ, તમારી પંચ–પરમેષ્ટીની આસ્થા ફળી. પાકી અવસ્થાએ તમારે ઘેરે ઘોડિયું બંધાણું... તમારું ને આપણી સાત પેઢીનું નામલેણું રિયું...'

બહેન આડી વાતે ઊતર્યાં એ વાતનું ભાન થતાં, અને પોતાના આગમનનો ઉદ્દેશ યાદ આવતાં આભાશાએ પૂછ્યું :

'પછી ઓલી વાતનું શું થયું ?'

'કઈ વાત ?'

'કેમ ? એટલી વારમાં ભુલાઈ ગઈ ?'

'હં, હં, ઠીક ! એની ફકર કરશો મા. બધું બરાબર કર્યું છે.'

'વિમલસુરજીએ કીધું 'તું એ પ્રમાણે જ કર્યું છે ને બધુંય ?'

'હા રે ભાઈ હા, એમાં કે'વું ન પડે. આટલા મહિના લગી આવી આકરી કળી પળાવી, ને હવે છેલ્લી ઘડીએ હાથી પૂછડે થોડો અટકશે !'

'દોરો બરાબર બાંધ્યો છે ને ? આભાશાએ અવાજ જરા ધીમો કર્યો.

'એમાં જરાય ફેર ન પડે. તો તો આ અમરતનાં આટલાં વરસ પાણીમાં જ ગયાં...'

'તો ઠીક !' આભાશાએ સંતોષ વ્યક્ત કર્યો : 'તમારું કામ તો બધું ય બેવડે દોરે જ હોય... પણ મારો વલોપાતિયો જીવ હાથ ન રિયો એટલે હું તે ધોડતો જ આવ્યો. મનમાં થયું કે કદાચ તમારું ઓસાણ ઊતરી જાય તો એવી વાત ભુલાઈ જાય...'

'શું કામ વાત ભુલાઈ જાય ભલા ?' ફરી અમરતનો અહમ્ ઘવાયો : 'દીકરો આવ્યો છે ઈ અમને દવલો લાગતો હશે તી એના હિતની વાત અમે ભૂલી જાઈએ ?'