આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
વ્યાજનો વારસ
 

 ‘હા. સાવ સાચું. નાકના ટેરવા સામે જ ઊભું છે. જોતાં આવડવું જોઈએ.’ અમરતે આંખો નચાવી.

નંદન થોડી વાર તો વિચારમાં પડી ગઈ. પણ કશું ન સૂઝતાં પૂછ્યું :

‘કોણ ? નામ કહો તો ખબર પડે...’

‘અરે રામ ! એટલીય ખબર નથી પડતી હજી ? તારી નાની બહેન ચંપા હવે મોટી થઈ રહી છે ને ?’

‘હા આ બે વરસમાં ભારે ગજું કરી ગઈ છે.’

‘તે એને મોટી કરીને ભ્રામણને ભદ્રાસણમાં દેવી છે ?’

‘એવું તે હોય ! કોક મુરતિયો જડે એટલે...’

‘તું તો સાવ આંધળી જ રહી !’ અમરતે ફરી અવાજને ઊંચો કર્યો : ‘આ તારી નજર સામે મુરતિયો ફર્યા કરે છે તોય…’

નંદન બધું સમજી ગઈ. નણંદની નજર પોતાની નાની બહેન ચંપા ઉપર છે તે જાણીને નંદનને આશ્ચર્ય તેમ જ ભય બન્ને ઊપજ્યાં. પોતાનો ભવ સુધારી આપવાના બદલામાં નણંદ ચંપાનું સાટું કરવા માગે છે એ જાણીને તેને અમરત પ્રત્યે ઘૃણા ઊ૫જી; પણ તરત તેને પોતાના વર્તમાન નિરાધાર૫ણાનો ખ્યાલ આવ્યો અને અમરત સિવાય બીજું કોઈ આ નિરાધારપણામાંથી ઉગારનાર નથી એની પ્રતીતિ પણ થઈ. અત્યારે નંદનને અમરત અધમોદ્ધારક જેવી લાગી. અને એ ઉદ્ધાર કરવા બદલ એની કિંમત તરીકે ચંપાને ચૂકવવી પડે તો એ કિંમત પણ નંદનને સાવ મામૂલી લાગી.

‘અરેરે બહેન ! હું કેવી સાવ અક્કલમઠી છું, કે આ સામે માણસ ઊભું હોય તોય મને યાદ ન આવે ! દલુભાઈ ને ચંપાની તો જુગતે જોડી જામે ! પણ મને આંધળીને આજ દી લગણ સૂઝ્યું જ નહિ !’

‘પણ હજીય કાંઈ મોડું નથી થઈ ગયું. સારાં કામ તો ગમે ત્યારે કરી શકાય.’ અમરતે ઉદારતાથી છૂટછાટ આપી.