આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
વ્યાજનો વારસ
 

 ‘અરે એવું તે બને બહેન ? આ નંદનના વેણ ઉપર વિશ્વાસ રાખો. આ ઘડીથી જ ચંપા દલુભાઈની થઈ ગઈ એમ સમજી લ્યો.’

‘સાચું કે’ છે ?’

‘હા. આ ભાદરવો મહિનો જાય છે. આસો, ને કારતક મહિને ચંપાના લગન કરાવી દઉં, પછી છે કાંઈ ? કારતક મહિને ચંપા તમારા કબજામાં.’

નંદને પોતાની નાની બહેનનો કાર્તકનો કબાલો કર્યો. સાટામાં અમરતે પોતાની મૌલિક યોજના નંદનના લાભાર્થે વેચવાનું કબૂલ કર્યું. એણે પોતાની વિલક્ષણ આંખે ઓરડાની ચારે દિશાએ ફેરવી લઈને ખાતરી કરી લીધી કે ભીંતોને કાન નથી. પછી અવાજને સાવ ધીમો કરી નાખીને નંદનના કાનમાં ફૂંક મારી :

‘તારે હવે એમ કહેવાનું કે મહિના છે. બે પૂરા થયા છે ને આ ત્રીજો જાય છે, પણ હજી નાવણ આવ્યું નથી, એમ વાત વહેતી મૂકી દે…’

‘વાત તો વહેતી મૂકી દઉં. પણ પછી શું કરવું ?’

‘એની ફિકર તારે કરવાની નથી. એની બધીય ચિંતા કરનારી તો હું બેઠી છું ને બાર વરસની !’

છેલ્લા બે શબ્દો બોલતાં અમરતે આંખો નચાવી — થોડા રોજ પહેલાંના ચતરભજ સાથેના પ્રેમપ્રલાપો દરમિયાન નચાવી હતી એવી રીતે જ.

‘પણ પછી... ?....’ નંદનને હજી અનેક આશંકાઓ થયા કરતી હતી.

‘પછી પછી શું કર્યા કરે છે ? પછી તારો બેડો પાર ! આ ઘરની ધણીરણી તું. સુલેખડી ને માનવંતી બેય જણીયું તારા ડાબાજમણા પગ દાબવા આવે. તારી પાસેથી રોટલો ભીખીને એ ખાય.’

‘ખરેખર ?’ આટલા બધા સુખનો ખ્યાલ હજી નંદનથી