આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૮]
રસ–ભોગી અને અર્થ–ભોગી

નંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા.

નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ને પરાજિતો હમણાં હમણાં એક થઈ ગયાં હતાં અને હજી પણ પેઢીમાંથી સુલેખાનો વહીવટ ઉથલાવી પાડીને પોતાનો પગદંડો જમાવવાનાં સપનાં સેવતાં હતાં. પણ નંદન સગર્ભા છે એવી જાહેરાતે એમના સપનાં પાર પડવાની શક્યતા નહિવત્ બનાવી દીધી તેથી તેઓ નિરાશ થયાં.

સ્વાભાવિક નિરાશા તો સુલેખાને થવી જોઈતી હતી, પણ એ તો આ સમાચાર સાંભળીને નાચી ઊઠી. આ અણગમતા વારસાનું પોતાને ન–છૂટકે વારસ બનવું પડ્યું હતું એમાંથી આપમેળે જ મુક્તિ મળતી હોવાથી એના આનંદનો પાર ન રહ્યો.

સુલેખાના હાથમાં વહીવટ આવ્યા પછી પેઢીની નીતિરીતિમાં એણે ફેરફાર કરાવ્યો હતો. હવે પછી નવી ધીરધારો વધારવાને બદલે જૂની ધીરધારોની પતાવટ તરફ વધારે ધ્યાન અપાતું હતું. વ્યાજના દરોમાં તો સુલેખાએ બેહદ ઘટાડો કરાવી નાખ્યો હતો અને ઘરાકોને માત્ર નામનું જ વ્યાજ ચૂકવવું પડતું. પરિણામે જીવણશા જેવા હરીક શરાફોની ઘરાકી ઉપર અસર થવા પામી તેથી જીવણશાએ આભાશાની પેઢી સાથેનું જૂનું વેર તાજું કર્યું.