આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસ–ભોગી અને અર્થ-ભોગી
૨૧૫
 

 અને લશ્કરી શેઠના વાણોતરોના હાથમાંથી વહીવટ ઝૂંટવી લેવાના ત્રાગડા રચવા માંડ્યા.

કોઈ કોઈ જાણભેદુઓ વાત કરતા કે નંદન સગર્ભા હોવાની જાહેરાત કરાવવા પાછળ અમરત ઉપરાંત જીવણશાનું ભેજું પણ કામ કરી રહ્યું છે.

વહીવટ હાથમાં લેવો પડ્યો ત્યારે તો સુલેખાનો વિચાર એવો હતો કે બહુ બહુ તો દસ વર્ષની અંદર પેઢીનાં લેણદેણ પતાવી નાખવાં અને વહીવટ સંકેલીને રિખવનું એક સુંદર સ્મારક કરવું. જે પેઢીને નામે ચતરભજ જેવા શોષકે ગરીબોનાં ગળાં લોહ્યાં હતાં એ પેઢી તરફથી વિશાળ અન્નક્ષેત્ર ખોલીને એ ‘કર્મો’નું યત્કિંચિત્ પ્રાયશ્ચિત્ત કરવું.

છેલ્લાં વર્ષો દરમિયાનની મોટામાં મોટી ધીરધારો મીંગોળાની હતી. મીંગોળા યાદ આવતાં સુલેખાને રિખવની એ ગામ તરફની અવરજવર યાદ આવી જતી. રિખવ જેને ‘સ-કલંક મયંક’ ગણતો એ એમીનું મોં યાદ આવી જતું, એમીનો ઓચિંતો ગુમ થયેલો છોકરો ગુલુ તરત યાદ આવી જતો. અને એ બધાને અંતે મીંગોળાના એ મેળામાંથી પાછાં ફરતાં થયેલું રિખવનું મૃત્યુ યાદ આવતાં સુલેખા ચોધાર આંસુએ રડી પડતી.

રિખવના મૃત્યુ પછી એમી અંગેની સઘળી વાતો આ ઘરમાં ઇરાદાપૂર્વક દાટી દેવામાં આવી હતી. કેવળ માનવતાથી પ્રેરાઈને સુલેખાએ એમીની તપાસ કરાવી હતી, પણ માત્ર એટલું જ જાણવા મળી શક્યું હતું કે એમીને તો એના સાસરિયાંએ મરણતોલ માર મારીને કાઢી મૂકી છે. પણ હાલ એ ક્યાં છે એની ચોક્કસ માહિતી સુલેખાને મળી શકી નહોતી. કોઈ કહેતું કે એણે તો ક્યારનોય વાવકૂવો પૂર્યો છે; કોઈ બાતમી લાવતું કે એને તો મવાલી લોકોએ ઉપાડી જઈને મુંબઈના વેશ્યાબજારમાં વેચી મારી છે. તો કોઈ વળી એમ પણ વાત કરી જતું કે એમીને તો એના સાસરિયાંવાળાઓ