આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
વ્યાજનો વારસ
 

 સુલેખાએ આગળ વિચાર્યું : રિખવના આ બે ભિન્ન ભિન્ન સ્વરૂપો વચ્ચે ફરક ક્યાં પડે છે ? એણે બહુ બહુ વિચાર કર્યો પણ કશો ઉત્તર ન મળ્યો. છેવટે એની કુશાગ્ર બુદ્ધિએ અત્યંત સહેલો અને સુભગ ઉત્તર રચી કાઢ્યો : કૌમારવયમાં પોતે જેને હૃદયદાન દઈ ચૂકી હતી એ વ્યક્તિ તે રિખવ; અને જેની સાથે પોતે ચાર ફેરા ફરી, એ રિખવ શેઠ. આ રિખવ શેઠ તે બાપદાદાઓએ રહેલી અઢળક લક્ષ્મી સંપત્તિનો હકદાર, ભોગવટો કરનાર. માબાપ તરફથી જે કાંઈ પણ મળી શકે તેનો વારસદાર – વ્યાજનો તેમ જ વિકૃતિઓનો – રિખવ તો સુલેખાના પૂજન અર્ચન અને ન્યોચ્છાવરીનું પાત્ર હતું. રિખવ શેઠ એ તિરસ્કાર ઘૃણા અને સૂગનું પાત્ર બની રહ્યું.

અને છતાં સુલેખાને લાગ્યું કે કૌમારવયમાં પોતે પૂજેલા રિખવની મૂર્તિ હજીય મનોપ્રદેશમાં ઊંંડી જડ ઘાલીને પડી રહી છે. કેમે કરી એ ત્યાંથી ખસતી જ નથી. મૃત પતિની વ્યક્તિમત્તામાં શું અલ્પાંશ પણ ચિરંજીવી છે ? હા, હોય પણ ખરો કદાચ. આખા રિખવ શેઠમાંથી રસના ઉપાસક રિખવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરો.

એ રસાત્મા રિખવના યશદેહને જરા કે મરણ પણ કશી અસર નહિ કરી શકે. સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી. આ રસોપાસના દ્વારા જ વૈધવ્ય જીવનની વિષમતાને સહ્ય બનાવી શકાશે એમ એને લાગ્યું. છતાં ચિત્રને પરિપૂર્ણ કરવામાં હજી મુશ્કેલી પડતી હતી. રિખવના મોંની હૂબહૂ રેખાઓના આલેખન માટે અવલંબન તરીકે – ઓઠા તરીકે – એને હજી કોઈ મુખાકૃતિ નહોતી મળી શકતી. આજ દિવસ સુધીમાં અનેક મુખાકૃતિઓ સુલેખા જોઈ વળી હતી: શેરીમાં રમતાં જુદી જુદી કોમનાં અને જુદી જુદી ઉંમરનાં બાળકો, ફૂટડાં અને ફૂલ જેવાં