આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો
૨૫૭
 


મોટાઈ બતાવે છે.’

ચતરભજ જાળમાં પૂરેપૂરો ફસાયો હતો.

અમરતે લાગ જોઈને એને બાંધી લીધો. બોલી :

‘તેં તો જિંદગી આખી આ પેઢી સારુ લોહીનાં પાણી કર્યા છે, તારા ઉપકાર તો ભુલ્યા ભુલાય એમ નથી. આટલા ઉપકાર ભેગો હવે એક વધારે ઉપકાર કરતો જા એટલે તારું સદાયનું સંભારણું રહે.’

‘તમ જેવા માણસ ઉપર ઉપકાર કરનાર હું કોણ ? મારી ગુંજાશ શી ?’ ચતરભજ આજે ભયંકર નમ્રતા ધારણ કરી રહ્યો હતો.

‘તારે એમાં બીજું કાંઈ નથી કરવાનું. તારી પાકી ઉંમરે હવે તારી પાસે કાંઈ મહેનત કે દાખડો નથી કરાવવા. બહુ દિવસ લગણ તારી પાસે ગોલાપાં કરાવ્યાં. હવે તો તારે બેસવાનું ટાણું છે. આ કામમાંય તારે કાંઈ દાખડો કરવાનો નથી.’

‘દાખડો ન કરવાનો, તો શું જીભ હલવવાની છે ?’

‘ના; જીભને કાબૂમાં રાખવાની છે, તું મૂગો રહે એટલે તારી માથે ઘીના ઘડા. તારી લૂલીબાઈને મોંમાં સીવી રાખજે. આ વાતમાં તું કાંઈ જાણતો જ નથી એમ સમજજે, કૂબાવાળી વાત ત્રીજે કાને ન જાય એટલે ગંગા નાહ્યાં.’

સાંભળીને ચતરભજ પહેલી જ વાર સહેજ હસ્યો. એણે ખાતરી આપી :

‘ત્રીજે કાને ન જાય; હાઉં ?’

‘હાઉં ; જીભને બે ઓઠ વચ્ચાળે બેવડે બખિયે સીવી લેજે. તો, ઓધિયો તારા કરતાંય સવાયાં માનપાન પામશે, પણ તારી જીભ...’

‘એમાં હવે વધારે કેવાપણું ન હોય.’ ચતરભજે વધારે ખાતરી આપી; ‘નંદનને મેં સગી બહેન કરતાંય વધારે ગણી છે. માનવંતીની બહેન એ મારી જ બહેન ને એનો દીકરો તો મારો ભાણેજ થયો ને ? ભાણેજનું અહિત મામાની જીભેથી થાય ખરું ? સાસ્તરમાં સો