આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૬૫
 

 વાતોના સેલારા મારતી, સુલેખા ને પણ એકાકી જીવનમાં આવું બોલકું પ્રાણી બહુ ગમી ગયું.

‘રઘી, તારું ગામ કયું ?’ એક વાર સુલેખાએ કુતૂહલતાથી પૂછ્યું.

‘બેન, અમે તો જ્યાં રહીએ ત્યાં અમારું ગામ.’

‘રઘી, તારો વર ખરેખર મરી ગયો છે કે એને જીવતો મૂકીને ભાગી આવી છો ?’

‘અમારામાં તો જીવતાં–મૂવાં સંધુય સરખું જ હોય.’

અજબ છે આ સ્ત્રી ! સુલેખા વિચારતી : પતિ જીવતો હોય કે મૂએલો એ બધુંય આ સ્ત્રીને મન સરખું જ છે ! રઘી પણ શું મારી જેમ પ્રિયપાત્રના અમરત્વમાં માને છે ? મૃતાત્માના વ્યક્તિત્વનો અલ્પાંશ પણ અજર–અમર હોઈ શકે એવી મારી ઘેલી માન્યતા આ સ્ત્રી પણ સેવી રહી છે કે શું ?

દિવસે દિવસે સુલેખાને રઘીનું જીવન વધારે ને વધારે વિચિત્ર અને અગમ્ય લાગતું ગયું. અને સાથોસાથ આ નવા આગંતુક પ્રત્યેની મમતા અને સમભાવ પણ વધતાં ચાલ્યાં.

આ બે સમદુ:ખિયારીઓનો સહવાસ થોડા જ સમયમાં અમરતની આંખે ચડી ગયો.

એક દિવસ અમરતે રઘીને પોતાના ઓરડામાં બોલાવી.

રઘી થરથર કમ્પતી ઓરડામાં દાખલ થઈ એટલે અમરતે ઊઠીને પહેલાં તો ઓરડાની સાંકળ વાસી દીધી. પછી પોતાની ખાનગી મજૂસ પાસે ગઈ અને અગાઉ જે ખાનામાં ચતરભજને મારવા માટે ગુપ્તી કાઢી હતી એ જ ખાનામાંથી લાંબો ચાબુક કાઢ્યો.

રઘી વધારે કમ્પી ઊઠી.

અમરતે એને ઊગ્ર અવાજે ધાકધમકીઓ આપવા માંડી. સુલેખા સાથે આટલા બધા સહવાસ બદલ, સબાક, સબાક, સબાક, ત્રણ ચાબુક ૨ઘીની પીઠ ઉપર સબોડ્યા.