આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૬૭
 

 ‘અમરતની હૂંડી’ પણ ઓળખાતી થશે કે શું ?

કદાચ આવી જ કોઈક દૂરદૂરની દહેશતથી ચેતી જઈને ચતરભજે ‘મને હવે આંખે સૂઝતું નથી’ એવા બહાના તળે પેઢીમાંથી કામગીરી ઓછી કરી નાખી અને પોતાની જગ્યાએ ઓધિયાને પલોટવા માંડ્યો. અમરતને એમ કહી દીધુ કે, ‘હવે મને મીંડાની જગ્યાએ એકડો સૂઝે છે ને નવડાનો આઠડો વંચાય છે; કોક દિવસ આંધળો માણસ, હિસાબ-કિતાબમાં કાંઈક ઊંધું-ચતું કરી બેસીશ. આવી સ્વૈછિક નિવૃત્તિ લેવા પાછળ ચતરભજની નેમ તો એ હતી કે મારી હયાતી દરમિયાન જ ઓધિયાનાં મૂળિયાં આ પેઢીમાં ઊંડાં ઉતારવાં, જેથી મારી હયાતી બાદ કોઈ એને ઉખેડી ન શકે,

પણ ઓધિયો જડમૂળમાંથી ઊખડી જવાનો અનુભવ ચતરભજને પોતાના જીવનકાળ દરમિયાન જ સાંપડી રહ્યો.

પેઢીના મુનીમ તરીકે ઓધિયાનું આગમન મૂળથી જ અમરતને અણગમતું હતું. પણ ચતરભજને મોંએ ડૂચો દેવાના જુગારમાં પોતે મુનીમપદ તો હોડમાં મૂકી ચૂકી હતી, એટલે એ અણગમતા મુનીમને પણ આવકાર્યા વિના છૂટકો નહોતો. શરૂઆતમાં થોડાં વર્ષ તો ગાડું ઠીક ગબડ્યું પણ પછી ધીમે ધીમે દલુ અને ઓધિયા વચ્ચે અણબનાવ વધવા માંડ્યો. પેઢીના સહુ નાના વાણોતરોને મન દલુ એ માત્ર દલુ નહિ પણ અમરતના વહીવટને કારણે ‘દલુ શેઠ’ હતો, પણ ઓધિયા માટે તો દલુ નાનપણમાં નદીની રેતીમાં પોતાની પગચંપી પણ કરી આપનાર ‘દલિયા’ કરતાં જરાય વિશેષ નહોતો. ઓધિયાને ચતરભજે સઘળો વારસો આપ્યો હોવા છતાં, માન – અપમાન ગળી જઈ ઝીણી સોય બનીને ફોલી ખાવાનો કસબ પુત્રને નહોતો શીખવ્યો. પરિણામે, દલુ અને ઓધિયા વચ્ચે વખતોવખત ચકમક ઝરી જતી. દલુનો જરા સરખો તુંકારો ઓધિયો ખમી શકતો નહિ અને બંને વચ્ચે વાતવાતમાં