આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજર-અમર
૩૦૯
 

 પ્રમાણે વડલામાં ભરાઈ ગયો... એને લોચનિયેથી લોહી ઝરે... પણ પદ્માવંતીનો સાચો સ્નેહ જોઈને માંગડો વડલેથી નીચે ઊતરીને રોજ રાતે રંગમોલ રચતો. પણ ભળકડું થાતાં પાછો ભડકો થઈને વડલામાં ભરાઈ જતો. માંગડોય ગૌધણ વાળવા જાતાં વડલામાં શિરપેચ અટવાતાં કમોતે મરી ગયો તો...’

રઘી તો ફરી હુતાશન પેટવીને ઊંઘી ગઈ.

પણ સુલેખાને તો ચિત્રમાંની રિખવની મૂર્તિ સતાવે છે... રાત ભાંગતી જાય છે.

સુલેખા આ આભાસ અંગે વિચારે છે. વર્ષો પહેલાંની આવી જ એક ગડમથલ યાદ આવે છે : મૃત પતિની વ્યક્તિમત્તામાં શું અલ્પાંશ પણ ચિરંજીવી છે ? હા, હોય પણ ખરો. આવા વિલાસમૂર્તિ રિખવ શેઠમાંથી રસના ઉપાસક રસ–ભોગી રિખવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરો.

ફરી ચિત્ર સામે નજર કરે છે અને પોતાની આવી મુગ્ધ માન્યતા અંગે શ્રદ્ધા ઉપજે છે !

એ શ્રદ્ધાથી મત્ત બનતાં, સુલેખા જરા જંપી ગઈ.

એકાદ પ્રહર પછી એ જાગી ઊઠી.

દૂરદૂરથી સંભળાતા શરણાઈના સૂર વધારે ઘૂંટાયેલ આવતા હતા.

દૃશ્ય જોઈને સુલેખા હેબતાઈ ગઈ.

‘કોણ ?’

‘હું રિખવ ! મને ન ઓળખ્યો ? જીવતા માણસને શેં ભૂલી જાઓ છો ?’

બારી બહાર ઊભેલી વ્યક્તિના હાથમાં ખાલી જામનો પ્યાલો હતો.

‘રિખવ તો ઘણાં વર્ષ પહેલાં મૃત્યુ પામેલ...’

‘હા, એ પછી જ ખરું જીવન શરૂ થયું છે...’

‘હું ન માનું !’