‘માનવું પડશે. હું મૃત્યુ પામી જ ન શકું. જુઓ, આ જામ અધૂરો છે... મારે તમારા મુખોચ્છ્વાસથી વિકમ્પિત થયેલ મધુ જોઈએ.... એ જામ, એ લબ અને એ બોસા...!’
‘હજી પણ એની એ જ વાત.....?.....?’
‘હા, હવે તો એ જરૂરિયાત અસહ્ય બને છે.’
ભળકડું થવા આવ્યું હતું પણ આકાશમાં વાદળાં એવાં તો ઘટાટોપ જામ્યાં હતાં કે પો ફાટવાનાં ચિહ્ન જણાતાં ન હતાં. ફક્ત ચિરજાગૃત કૂકડાઓ પોતાની સમયભાનની સમજથી પરોઢના નેકી–પોકાર પાડી રહ્યા હતા.
સુલેખાનું હૃદય ઉષાની તાજગી અનુભવી રહ્યું હતું છતાં હજી એને રિખવના અજરામર૫ણા અંગે ઊંડે ઊંડે થોડી શંકા હતી.
‘ખરેખર તમે જીવતા છો ?’
‘હું મૃત્યુ પામી જ કેમ શકું ?... મારો આત્મા હજી અહીં છે આ સ–કલંક મયંક જેવી મુખાકૃતિમાં, આ બાળા–યોગી જેવા બાળનાથમાં – આ સરૂપકુમારના ચિત્રમાં; આત્માને માર્યા વિના માણસનું મોત થાય કદી ? આ મકાન અને મેડીના પથ્થરેપથ્થરમાં મારો આત્મા છે, એ વચ્ચે હું ચિરકાળ ભમ્યા કરીશ.
સુલેખા આગળ વધી.
‘હાં !...હાં ! દૂર જ ઊભજો. આ આગના ભડકા સાથે બાથ ભીડવાની બેવકૂફી ન કરશો કદી... બળીને ખાખ થઈ જશો.’
‘ભલે પરવા નથી. એ આગમાં ખાખ થતાં પણ પરમાનંદ પામીશ.’
સુલેખાની આંખો સામે વર્ષો પૂર્વેનો પ્રસંગ રમતો હતો. એ જ કાન્તિ, એ જ લાવણ્ય, એ જ રેખામાધુર્ય અને સુન્દરતા ! એનું આલિંગન અને ચુંબન...કોઈક અણદીઠ બળથી પ્રેરાઈને