આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની દુઆ
૧૯
 

 આવતી પણ ખરી. અને વળતા વિવેકમાં માનવંતી જ્યારે લાખિયારનાં ઘરવાળાઓને બહુ જ આગ્રહ કરે ત્યારે એ લોકો અત્યંત સંકોચ સાથે આ હવેલીની ઓશરીની કોર સુધી આવીને કલાકેક બેસી જતાં. આ અવરજવર જ્યારથી અમરત દ્વારા આભાશાના જાણવામાં આવી હતી ત્યારથી આભાશા પડોશમાંની આ કાંટિયા વરણની વસાહત અંગે ચિન્તા સેવી રહ્યા હતા. તેમની ઇચ્છા એવી હતી કે લાખિયારના લેણા પટે એનાં મકાન ગીરોમાં ખાંડી લેવાં અને પડોશમાંથી કાંટિયા વરણનો ભય દૂર કરવો. આજે તો આ સંધી કુટુંબ સાથે પેઢી દર પેઢી મીઠાશભર્યા સંબંધો ચાલ્યા આવે છે, પણ કોને ખબર છે કાલની ? નવી પેઢીને એની સાથે ભળ્યું ન ભળ્યું – લાખિયારની નવી પેઢી કોણ જાણે કેવી પાકે ! આ જમાનો પલટાઈ ગયો છે. એમાં સગા પેટના દીકરાનોય વિશ્વાસ કરવા જેવો આ સમો નથી. આ વિચાર આવતાં આભાશાએ ફરી મૂળ વાતનો તાંતણો સાંધ્યો :

'ચતરભજે. પૂછ્યું એનો જવાબ આપ્યો લાખિયાર?'

'શેનો જવાબ, બાપા?'

'ચોપડામાંથી તારું ખાતું હવે કે દી ચોખું કરે છ ?'

'ભાઈશા'બ, આ માઠે વરહે સામેથી પાંચ પૈસા ધીરવાનું કેતા નથી ને ખાતું ચોખું કરવાનું કિયો છો ! કોઠી અરધી ઝાઝેરી તો ઉલેચાઈ ગઈ છે ને દિવાળી મોર તળિયું દેખાઈ જાય એમ લાગે છે...'

'પણ આંયાકણે ખાતામાં મીંડાં ઉપર મીંડાં ચડતાં જાય છે એનું શું ? ચોપડો તારો સગલો થોડો થાય છે?' ચતરભજે કહ્યું.

'ભાઈશાબ, મેં તો કાળા અકશરને કુવાડે માર્યા છે. પણ ચોપડો તો સાચું જ બોલે, લખમી પૂજા ટાણે ગોરદેવતાની સામે એની પૂજા કરો છો એટલે એમાં એક અકશરેય ખોટો થોડો લખતા હશો ?'