આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
વ્યાજનો વારસ
 


કુટુંબનું, આટલી અસ્કામતના વારસનું હિત સંડોવાયું હતું એમાં તો મુનિની આજ્ઞાનો અનાદર થઈ જ કેમ શકે ?

અપત્યપ્રેમ અને આજ્ઞાપાલનની દ્વિધા વચ્ચે આભાશા વિમાસણ અનુભવી રહ્યા. પણ એક પ્રસંગ એવો આવ્યો કે એણે અનિશ્ચિતપણાને તાંતણે ટિંગાતા આભાશાને મુક્તિ બક્ષી.

બન્યું એવું કે લાખિયારની એમી, લગન થઈ ગયા પછી થોડા દિવસને માટે માવતર આવી હતી. આભાશાના ઘરમાંથી બહુ માણસો એક ખેડૂત કળની વાડીએ પોંક ખાવા ગયાં હતાં. પાછળથી લાગ સાધીને ઓધિયો અને રિખવ આવી પહોંચ્યા. દલુ આવ્યો, ધમલો આવ્યો, અને એ ચોકડીએ મળીને આખો વ્યૂહ રચી કાઢ્યો. બધી યોજના લઈને ધમલો ડેલીની વંડી ઠેકીને પછવાડે લાખિયારની ઓશરી પાસે પડ્યો અને લાગ જોઈને એમીને બિલ્લીપગલે મેડી ઉપર રિખવના ઓરડામાં ઘુસાડી દીધી.

આભાશાની તિજોરી મેડી પર રિખવના એારડાની બાજુના ઓરડામાં રહેતી. પેઢીની બધી રોકડ, દસ્તાવેજો, અગત્યની જોખમદારી – બુકો, ખાનગી ખાતાવહીઓ, જૂનાં વર્ષોની હૂંડીનોંધો, સમાદસ્કતો અને વ્યાજવહીઓ પણ પટારા જેવડી આ તિજોરીમાં સાચવી રાખવામાં આવતી. એની ચાવી ચતરભજ પાસે રહેતી; છતાં ગીરો, સાન–ગીરો અને વેચાણ–સાનગીરો ઉપર આપેલાં મોંઘી કિંમતનાં કેટલાંક ઘરેણાં આભાશા એક જુદા ‘સંચર’ – ભંડકમાં રાખતા. ભંડકના એ સંચરમાં ઘરાકોની માત્ર માલમત્તા જ નહિ પણ એમની આબરૂ સોત સચવાઈ રહેતી. ઉજળે લૂગડે ઘરનો માનમોભો નિભાવ્યે જતાં કુટુંબને ઘણી વાર નાણાભીડ ટાણે આભાશાનો આશરો લેવો પડતો. આભાશા એ આશરો હસતે મોંએ આપતા એટલું જ નહિ પણ એમના તરફથી ગીરો પેટે મળેલી મત્તાની મુનીમને પણ જાણ ન થાય એ માટે આભાશા એ બધી ચીજવસ્તુઓની મેલ-મૂક પોતાને હસ્તક રાખતા. અત્યારે