આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈયાહોળી
૪૫
 


પેઢી ઉપર એવા જ એક ઉજળિયાત કુળની આબરૂ સાચવવા આભાશાએ ઓચિંતું આ ભંડકિયું ઉઘાડવા આવવું પડ્યું હતું.

ધમલાને શેરીના ચોકિયાત તરીકે બહાર ઓટા પાસે ઊભો રાખવામાં આવ્યો હતો. દલુ દ્વારપાળ તરીકે ડેલીને દરવાજે બેઠો હતો. ઓધિયો જાણે કે રિખવનો અંગરક્ષક હોય એમ મેડીની પરસાળમાં આમથી તેમ પહેરો ભરતો હતો.

આભાશાને અત્યારે કટાણે ઘર તરફ આવતા જોઈને ધમલાને નવાઈ લાગી. દલુ પણ મામાને દેખીને ચોંક્યો. એણે ઓધિયાને ઇશારાથી કહ્યું અને ઓધિયાના પેટમાં ફાળ પડી. ઓધિયાની ‘ઊખડેલ’ તરીકેની શાખથી આભાશા સારી પેઠે પરિચિત હતા અને આ ઘરમાંથી એનો ટાંટિયો કાઢવાનું એમને ઘણી વાર, મન થઈ આવતું; પણ આ છોકરા ઉપર અમરતના ચાર હાથ હોવાથી પોતે કશું કરી શકતા નહિ. રખેને વિધવા બહેનને ઓછું આવી જાય !

આભાશા આવી રહ્યા છે એવી જાણ થતાં જ ઓધિયો મેડી ઉપરથી સડેડાટ નીચે ઊતરીને ખડ ભરવાની ગમાણમાં સંતાઈ ગયો. દલુ અને ધમાલને છોભીલા પડેલા જોઈને આભાશાને જરા નવાઈ તો લાગી; પણ અત્યારે પૂછગાછ કરવા રોકાશે તો પેઢીમાં વાટ જોઈને બેઠેલું ઘરાક ખોટી થાશે, એમ વિચારીને તેઓ ઉપર જ ચડી ગયા.

ભંડકિયાના છૂપા ચોરખાનામાંથી ડોકમાં પહેરવાનો ગંઠો અને બાવડા–સાંકળી કાઢી, ફરી બધું ઠીકઠાક કરી, પેઢીમાં બેઠેલું ઘરાક ખોટી ન થાય એ માટે તેઓ ઝટઝટ બહાર નીકળી, ભંડકિયું વાસીને નીચે ઉતરી ગયા.

પેઢી ઉપર ઘરાક ખોટી થાય છે એ યાદ એટલી તો સતેજ હતી કે ધમલાને અત્યારે કામ વગર અહીં ઓટે બેસવાનું પૂછવાનુંય આભાશાને વાજબી ન લાગ્યું. એમણે તો ઘરાકને પતાવવાની