આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
વ્યાજનો વારસ
 


જ ધૂનમાં ડેલીમાંથી બહાર નીકળવા એક પગ બહાર મૂક્યો… અને… બીજો પગ પણ બહાર મૂકતા જ હતા, પણ ત્યાં તો ઉપરની પરસાળના ઓરડાની સાંકળ ખખડવાનો અવાજ આવ્યો અને તેઓ ચોંક્યા. અનાયાસે જ અવાજની દિશા તરફ એમની આંખ વળી ગઈ અને એ આંખે જે દૃશ્ય જોયું એથી તો આભાશાને થયું કે એ સાંકળ ખખડવાનો અવાજ કાને ન પડ્યો હોત તો સારું હતું. ઓરડામાંથી એમી કપડાં સંકોરતી બહાર આવી હતી અને એની પાછળ રિખવ આવતો હતો. બેમાંથી એકેયને, ડેલોને ઉંબરે ખચકાઈને ઊભા રહી ગયેલા આભાશાની હાજરીની જાણ ન થઈ શકી. પહેલાં તો આભાશાની આંખ આ દૃશ્ય સાચું માનવા તૈયાર જ ન લાગી. તેમને પોતાની જ આંખ ઉપર અવિશ્વાસ આવ્યો. પણ પછી તરત તેમની દક્ષ વણિકબુદ્ધિએ વાતને ગળી જવાનું સૂચવ્યું. અને આ દૃશ્ય જાણે કે જોયું જ નથી એમ કરી, કોઈને પણ વહેમ સરખો આવે એ પહેલાં તેમણે ડેલીના ઉંબરામાંથી બીજો પગ પણ બહાર કાઢી લઈને પેઢી તરફ ચાલવા માંડ્યું.

આખે રસ્તે આભાશા બે-ધ્યાન બની ગયા હતા. પોતે જે દૃશ્ય જોયું હતું એ કલ્પનાતીત હતું. અને છતાં ભયંકર રીતે સાચું હતું, એ કલ્પના અને અત્યારની વાસ્તવિકતાનો મેળ બેસાડતાં તો તેમણે પારાવાર કષ્ટ અનુભવ્યું. સાન-ગીરોના ઘરાકને ઝટઝટ પતાવીને તેમણે આજના બનાવ ઉપર વિચાર કરવા માંડ્યો.

ફરી એક વખત પેઢીના વાણોતરોને નવાઈ લાગી. સામાન્ય રીતે પેઢીમાં બેઠા હોય ત્યારે આભાશા ભાગ્યે જ શોગિયું મોં કરીને બેસતા. તેમના હમેશના હસમુખા મોં ઉપર ઊંડી ચિંતા પણ ક્વચિત જ જોવામાં આવતી. ચતરભજ તેમ જ જૂના વાણોતરોને વીસેક વર્ષ પહેલાંનો એક પ્રસંગ યાદ આવી ગયો, જ્યારે આભાશા પેઢીના ઉંબરાને પગે લાગીને અંદર આવ્યા કે