આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલેખા
૫૩
 

 ભાભી દ્વારા ભાઈને અને ભાઈઓ દ્વારા માતાપિતાને સુલેખાના આ ઇચ્છાવરની વાત પહોંચી ગઈ હતી અને સહુએ ઉમળકાભેર એ વાતને વધાવી લીધી હતી. લશ્કરી શેઠે ઘણી વખત આભાશા સમક્ષ વેપારની વાતો આડે આ વાતનો દાણો દાબી જોયો હતો; પણ આભાશાએ એ અંગે હજી જરાય ઉત્સાહ બતાવ્યો નહોતો.

*

રિખવ માટે લશ્કરી શેઠની સુલેખાનું કહેણ આવ્યું છે એમ જ્યારે આભાશાએ ઘરમાં વાત કરી ત્યારે સહુને આનંદ થયો. માનવંતીને તો સુલેખા જેવી પાતળી–પૂતળી છોકરીને પુત્રવધૂ બનાવવાનું મન થાય જ, પણ અમરતને પણ રિખવ ઝટઝટ પરણી જાય એ જોવાની તાલાવેલી લાગી. સહુસહુની આતુરતાનાં કારણો જુદાં જુદાં હતાં. માનવંતીને પુત્રવધૂ પાસે પગ દબાવવાના કોડ હતા તો અમરતને લોભ હતો કે રિખવના લગનનું પતી જાય તો પછી પોતાના દલુનો વિચાર થઈ શકે. બન્યું હતું એવું કે દલુના કેટલાંક પરાક્રમોની સુવાસ ગામના સીમાડાઓ વળોટીને પરગામો સુધી પહોંચી ગઈ હતી અને તેથી, રિખવ કરતાં દલુ સારી પેઠે મોટો હોવા છતાં હજી સુધી એ અવિવાહિત રહી ગયો હતો. આભાશા જેવા જોરૂકા મામાના ભાણેજ તરીકે પણ દલુને કોઈ કન્યા આપવા તૈયાર નહોતું થતું એ હકીકતથી અમરતને ભારે નીચાજોણું લાગતું હતું. સ્ત્રીસહજ સ્વાર્થની દૃષ્ટિએ એને એમ પણ લાગતું હતું કે રિખવ હજી સુધી કુંવારો છે, તેને કારણે જ પુત્રીઓનાં માગાં લઈને આવનાર પિતાઓની નજરમાં દલુ નથી વસી શકતો. આથી જો રિખવનું ઝટ પતી જાય તો દલુ માટે માર્ગ ચોખ્ખો બને એમ અમરત માનતી હતી.

ઘણી વખત માનવંતીની સહાય લઈને અમરત મોટા ભાઈને