સમજાવતી કે લશ્કરી શેઠની સુલેખા સાથે રિખવનું કરી નાખો; પણ આભાશા હજી સુધી તેમના નિશ્ચયમાંથી ડગ્યા નહોતા.
નિશ્ચયમાંથી ન ડગવાનું કારણ વર્ષોથી વિમલસૂરીએ બાંધી રાખેલી આણ હતી. પણ આજે સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરતાં આભાશા એટલા તો વ્યગ્ર થઈ ગયા કે તેમને લાગ્યું કે એ દૃઢ નિશ્ચય હવે ફેરવો જ પડશે. એ નિશ્ચયમાંથી ચ્યુત થવા માટે અથવા એ નિર્ણય ફેરવવામાં અનુમતિ લેવા માટે તેમણે છેક દૂરને ગામ ચાતુર્માસ વિહરી રહેલ મુનિશ્રીને વંદના કરવા જવાનું નક્કી કર્યું.
ફરી એક વખત પેઢીના વાણોતરોને તેમ જ કેટલાક વિચક્ષણ ગામલોકોને નવાઈ લાગી. મોસમી પાકની હેરફેર ટાણે તો હૂંડીઓનો એટલો બધો ભરાવો રહેતો કે મોસમના દિવસોમાં આભાશા ઘણી વાર દહેરાનાં દર્શન સુધ્ધાં જવા દેતા અને સંજોસાંજ પેઢીને ગાદીતકિયે જ પડ્યા રહેતા. એ આજે આમ ઓચિંતા ઠેઠ વીસ ગાઉ ઉપર વિહાર કરી રહેલા વિમલસૂરીને વાંદવા જાય એમાં જરૂર કાંઈક ભેદ છે, એક પંથમાં દો કાજ જેવું છે એમ વાણોતરો કહેવા લાગ્યા. એટલું વળી સારું હતું કે સોનાચાંદીની તેજીમંદી કે રૂની રૂખ જોઈ આપવા માટે વિમલસૂરી જાણીતા નહોતા; નહિતર આભાશાના આ ભેદી પ્રવાસ સાથે કલ્પનાશીલ ગામલોકોએ જરૂર એવું કોઈ પ્રયોજન જોડી કાઢ્યું હોત.
જતી વેળા આભાશાએ અમરત તેમ જ માનવંતીને પોતાના મનની વાતનો સહેજ ઈશારો કર્યો હતો. ચતુર નણંદ–ભોજાઈ અર્ધી વાત સાંભળતાં આખી સમજી ગયાં. આભાશાએ માત્ર એટલું જ પૂછ્યું :
‘લશ્કરી શેઠની સુલેખાનો રૂપિયો સાચો ને ?’
‘હા, સાચો, સાચો, સાચો.’ નણંદ–ભોજાઈ બન્નેએ એક જ સ્વરમાં ભારપૂર્વક જણાવ્યું : ‘સોળ વાલ ને માથે એક રેતી સાચો.’