આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
વ્યાજનો વારસ
 

 તીર્થંકરોની દેશના સાંભળીને ચાંડાલો પણ દેવલોક પામ્યા હોવાના દાખલા છે. તો સુલેખા જેવા પુણ્યશાળી આત્માના સમાગમથી રિખવ પણ.....’

‘હા, હું પણ ક્યારનો એ જ શક્યતા વિચારી રહ્યો છું.' વિમલસૂરીએ વચ્ચે કહ્યું : ‘જૂનાં કર્મો પણ માણસ ધારે તો યોગ્ય પુરુષાર્થ અને તપ વડે ખપાવી શકે છે.....’

‘ભગવન્ત, તો તો રિખવ અને સુલેખાના સંબંધને આ૫ અનુમતિ આપશો જ !’

વિમલસૂરી છજાના નીરવ વાતાવરણમાં ખડખડાટ હસી પડ્યા. બોલ્યા :

‘શેઠ, પુણ્યશાળી આત્માના સહવાસથી કર્મ ખપાવવાની વાત કરીને હું જ કર્મ બાંધી રહ્યો છું. અમારે સાધુઓએ સંસારની આવી બાબતોમાં લગીરે રસ ન લેવો જોઈએ, તો પછી બે વ્યક્તિઓના લગ્નની બાબતમાં અનુમતિ આપવાની રાવઈ તો અમારાથી શેં વહોરાય ?’

‘પ્રભુ, જનકલ્યાણ વડે પુણ્યનો જે મહાન રાશિ બાંધી રહ્યા છો એની સામે આવી અતિ સામાન્ય રાવઈનું પાપ તો કશી જ વિસાતમાં નથી.’ આભાશાએ કહ્યું. અને પછી લાંબા સમયના રૂએ લાડ કરતા હોય એ અવાજે ઉમેર્યું :

‘અને આ અનુમતિ આપવાની રાવઈ પણ જનહિતાર્થે નથી શું?’

‘હિત-અહિતની ચર્ચા પણ અટપટી છે. હિત કોને કહેવું અને અહિત કોને કહેવું એ સમજવું બહુ મુશ્કેલ છે. આદિતીર્થંકર ઋષભદેવના જીવનનો પ્રસંગ તો તમે જાણો છો. એ વેળા માનવજીવનનો હજી ઉષ:કાળ હતો. લોકો ખેતી તેમ જ અન્ય કળાઓ જાણતા નહોતા. અનાજના દાણા ખેતરમાં વેરી દેતા અને એમાંથી અનાજ ઉગતું. ઋષભદેવે એમને હળ વાપરતાં શીખવ્યું