આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નાયક વિનાની નવલકથા


ઉમાશંકર જોશી


આભાશાએ વ્યાજવટાવથી પાંચ પૈસા ભેગા કર્યા છે, પણ વારસની મોટી ખોટ છે. ત્યાં મોટી ઉંમરે દીકરો જન્મે છે. પણ રિખવ મોટો થતાં વિલાસિતાને ભોગે ચઢી જાય છે અને સિંધી બાઈ એમી - જેનાથી એને ગુલુ કરીને દીકરો પેદા થયો છે તે - ના ગામથી પાછા વળતાં કપાઈ મરે છે. આભાશાને વારસ માટે એમની પત્ની માનવંતી પોતાની બહેન નંદન સાથે પરણાવે છે. પણ તે બિનવારસી જ, પોતાના દીકરાને વારસો આપવાની લોભિયણ બહેન અમરતના હાથના તોલો અફીણથી, મૃત્યુશરણ થાય છે. અમરત સત્તાનાં સૂત્રેા હાથ કરવા નંદનને પેટે 'ત્રણ ત્રાંસળી' બંધાવવાની યોજના કરી, એને બાળક છે એમ જાહેર કરી, કૂબાના વગડાઉ લોકો પાસેથી ખરીદી લાવીને વારસની સ્થાપના કરે છે. આ પદમશેઠ પણ પાંચ વરસનો થઈ વિરોધીને હાથે કમોતે મરે છે. અમરત ગાંડી થઈ જાય છે. અમરતનો મિત્ર અને આભાશાનો મુનીમ ચતરભજ ભીખ માગતો થઈ જાય છે. આખો વારસો રિખવની પત્ની - મિલનની કહેલી રાતે જ પતિના મદ્યશોખને વશ ન થવાથી એની સાથે આંટી પડતાં તરછોડાયેલી અને આજીવન ધર્મ અને કલામાં રમમાણ રહેનારી સાધ્વી – સુલેખાના હાથમાં જ પડે છે. એમી અને એનો બાપ – આભાશાનો પાડોશી – દુખિયારો લાખિયાર સુલેખાને આશ્રયે પડ્યાં છે, ત્યાં ખોવાઈ ગયેલો એમીનો ગુલુ મોટો મહંત બનીને આવી પહોંચે છે. સુલેખા વારસના ધનમાંથી ઊભા કરેલા અન્નક્ષેત્રનો ભાર એને સોંપે છે, સાચા 'અધિકારી'ને ચરણે બધું નિવેદિત થતું જોઈ