આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
વ્યાજનો વારસ
 

 વિકર્ષન્તી ફેનં…!

...નાસી જતી ઉવર્શી આ પોતે તો નહિ હોય ? હા, આણે પણ તરંગ જેવાં જ ભવાં ચઢાવ્યાં છે. ખળભળી ઊઠેલાં પક્ષીઓની ૫ંક્તિ રૂપી મેખલા છે... અને ફીણ રૂપી ઉતાવળમાં ખસી ગયેલું વસ્ત્ર ખેંચી રહી છે...

રિખવના હૃદયમાં ઘડીભર તો જાણે કે પુરુરવાનું લાગણીતંત્ર આવીને અકબંધ ગોઠવાઈ ગયું. સુલેખાના ઉરપ્રદેશ ઉપરથી પણ ઉતાવળમાં ખસી ગયેલો સાળુ પવનના એકધારા ઝપાટામાં એવો તો વંટોળે ચડ્યો હતો કે સુલેખા એને ગોઠવવા મથતી હતી તેમ તેમ તો જાણે કે એ હઠપૂર્વક હાથમાંથી સરકી જતો હતો, આમ તો રિખવ અને સુલેખા છેક બાળપણનાં સ્નેહી હતાં. પણ આવા સ્વરૂપમાં રિખવે સુલેખાને કદી જોઈ નહોતી. સુલેખા આટલી બધી સુંદર અને કમનીય છે એ આટલું સ્પષ્ટપણે આજે જ જાણ્યું. બેએક વર્ષ પહેલાં રિખવે વીસપુરમાં જોયેલી સુલેખામાં અને અત્યારે નજર સામે ઊભેલી રસમૂર્તિમાં એને આકાશપાતાળ જેટલો ફેર લાગ્યો.

વિચારમાં ને વિચારમાં સારી વાર વીતી ગઈ ત્યારે રિખવને થયું કે પોતે છૂપી રીતે સુલેખાને ટીકીટીકીને જોઈ રહ્યો છે એ યોગ્ય નથી. પોતાની જાતને પ્રકટ કરવાનું એને મન થઈ આવ્યું. પણ એવી સીધી ને સાદી પદ્ધતિએ પોતે પ્રકટ થાય એ રિખવ જેવા રસિક જીવને શું રુચે ? પોતાના પ્રાકટ્યમાં પણ કશીક યુક્તિપ્રયુક્તિ કે મૌલિક નુસખો ન લાવે તો તો આટલાં વર્ષો સુધી શાસ્ત્રી માધવાનંદને ચરણે બેસીને કાલિદાસ જેવા કવિનો રસછલકતા સુધાકુંભ પીધો ન પીધો બધું સરખું જ ને ? આ પ્રસંગે પણ, રિખવ બાળપણની આદતને જ વફાદાર રહીને અને બિલ્લીપગલે ચાલીને પોતાના બન્ને હાથ વડે, વાંસો વાળીને સામેની શિલ્પકૃતિઓ નીરખતી સુલેખાની આંખો દાબી દીધી.