આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
વ્યાજનો વારસ
 


એવો ડોળ કર્યા વિના સુલેખાને ચેન પડતું નહોતું. આ કુટેવથી પ્રેરાઈને જ એ વચ્ચે વચ્ચે રિખવને ટોણાં માર્યા કરતી હતી. બોલી :

‘જોજે, આભાશાની સમરકંદ–બુખારા જેટલી ઇસ્કામત કોઈના ગાલના તલ પાછળ ડૂલ કરી નાખતો નહિ !’

રિખવની આંખ સામે આકાશ–વીજળી ઝબૂકી ગઈ. અને એ વીજળીથીય વધારે ચમકીલું અને ગાલ ઉપર બે ઝીણા તલવાળું એમીનું મોં આંખ આગળ આવી ગયું. અને રિખવ ઝીણી નજરે સુલેખાના ગૌર, ઘાટીલા ને ઠસ્સાભર્યા મોંનું નિરીક્ષણ કરી રહ્યો. આવું બધી રીતે મોહક મોં હોવા છતાં એમાં માત્ર એક તલની જ ખામી છે એ રિખવને અત્યારે સમજાયું. એ ઉપરાંત સુલેખાનો અહંકારી સ્વભાવજન્ય ઠસ્સો પણ રિખવના સાચા સૌન્દર્યની પારખુ આંખમાં ખૂંચી રહ્યો. એમીની મુખાકૃતિમાં જે અજબ સરલતા અને નિખાલસતા હતી એનો સુલેખાના અદકા રૂપાળા ચહેરામાં પણ સંપૂર્ણ અભાવ જોઈને રિખવને સુલેખાના, સૌન્દર્યથી ચૂઈ પડતા ચહેરા પ્રત્યે પણ એક જાતનો અણગમો ઊપજ્યો. એમાં સહેજ, એક તલ જેટલી પણ કાળાશ હોત તો એ અધિક સુંદર દેખાત એમ એને લાગ્યું. સુંદર દેખાવા માટે પણ જરાક કદરૂપાપણું તો આવશ્યક હોય એમ લાગે છે ! ધવલોજ્જવલ ચાંદની નિતારતો ચન્દ્ર ૫ણ કલંકને લઈને જ વધારે સુંદર સોહે છે ને !… વિચાર કરીને એણે જવાબ આપ્યો :

‘પણ એ સમરકંદ–બુખારા તારા ભાગ્યમાં તો નથી જ માંડ્યા લાગતાં, કારણ કે તારા ગાલ ઉપર એક્કેય તલ નથી.’

સાંભળીને સુલેખાનું મોં પડી ગયું. તેનો ગર્વ પણ જરા ઘવાયો. પૂછ્યું.

‘શું હું રૂપાળી નથી ? મારું મોં સુંદર નથી ?’

‘એમ મેં ક્યારે કહ્યું ? તું રૂપાળી તો છે જ. સુંદર છે.