આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રાતાં ફૂલડાં

,

[ઢાળઃ 'સોનલા ઈંઢોણી રૂપા બેડલું રે પાલવ છોડો' – એ લગ્નગીતનો]


વનરા તે વન કેરી કાંટ્યમાં રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

અરધી રાતલડીનો ચાંદલો રે રાતાં ફૂલડાં,
હાં રે નીચે મલકે છે મા-મેલ્યાં બાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

હસ મા એવલડું, હો લાડકા રે રાતાં ફૂલડાં,
હાં રે મારાં કળીએ કાળજડાં કપાય —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

જમણે હાથે મીંચી આંખડી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ ડાબે હાથે દબવેલી ડોક —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

બાર માસ બાળ-કુંવારી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈનાં તેર માસે લખિયાં લગન —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

એકા રે દશીની ઉપવાસણી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈ તો હરિ-મંદિર પૂજવાને જાય —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

હસતાં ને રમતાં હિંડોળલે રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ નીરખ્યા છે બાળગોપાળ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

♣ યુગવંદના ♣
૧૧૫