આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવેલા પ્રગટ્યા આત્મ-ઉજાસ
જાણિયા જન્મભૂમિના ત્રાસ.
પતિ પડન્તે કેદ, સતિ ! તેં સૂનાં પૂર્યાં સ્થાન;
જગત નારીનાં જુગજુગ-જૂનાં એ છે જીવનગાન.
— શ્રાવણી૦

*


‘અભય'નો મંત્ર પી થઈ શૂર,
બની ગઈ રણચંડી ચકચૂર;
ધન્ય તુજ દેશભક્તિનાં પૂર,
ચડાવ્યાં હું પામરને નૂર.
આઠ વરસના રૂંધાયા'તા પ્રચંડ શક્તિપ્રવાહ;
બંધ તૂટતાં ધોધ વછૂટ્યા, જનો ઉચારે 'વાહ' !
— શ્રાવણી૦

*


દેશની સ્વતંત્રતાને જંગ,
સાળુડે સજી કેસરી રંગ;
નારી-ગણ દેતી ઘોર છલંગ,
ધોતી નર કેરાં કાળ-કલંક.
યુદ્ધઘેલડી ! હું નીરખું, તું ચડે એહ સંગ્રામ,
આજ ધન્ય થાયે મુજ તેત્રીસ વત્સર તણો વિરામ.
ધન્ય મુજ ગૃહલક્ષ્મી ! સુખધામ !
ધન્ય મુજ કામધેનું ! વિશ્રામ !

♣ યુગવંદના ♣
૧૩૨