આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિર્ભય
[છંદઃ ઝૂલણા]


આજ ઊડ ઊડ થવા તલખતી પાંખ તુજ
પ્રથમ જાગરણના નવપ્રભાતે;

પક્ષીનો બાળ માળા મહીં સૂઈ રહે —
ક્યમ બને વ્હાણલાં વ્યોમ વાતે !

ગગન-ઉડ્ડયનના મસ્ત આવેગમાં
વીંઝશે પાંખ તારી ફફડતી;

વાયુમંડલ તણા હૃદય વેધતી
ઘોર ઝંકાર જાશે ગજવતી

ઉદિત આદિત્યના તેજ-સાગર વિષે
ભીંજતી પાંખ રમશે ફુવારા;

પીંછડે પીંછડે નીતરતા રંગની
જૂજવી ઝાંય કરશે ઝગારા.

ઘોર સાહસ તણા મસ્ત આકર્ષણે
લઈ જશે પાંખ તુજને રઝળવા;

કો' અજાણ્યા વિકટ ધામની સફરમાં
પંથીહીન પંથની મોજ રળવા.

ઉદયગિરિશૃંગની કારમી ભેખડો
સાથ વસવા તને સાદ પાડે;

ક્ષુદ્ર માળા મહીં નીંદ ના'વે હવે,
પંખીનો બાળ પાંખો પછાડે.

♣ યુગવંદના ♣
૧૩૭