આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઓ લયલા, શિરી; સોહિણ, રાધિકા, જાનકીઓ !
મહાકાળનાં શૃંગ પર સર્વ માયાવિનીઓ !
સ્મશાને ઊભો હું પુકારું: ગ્રહો હાથ મારો !
નહિ હા ! નહિ હા !

કદાપિ નહિ આપણે ક્યાં મળીશું :
દિલદિલ ઉઘાડી ખુલાસા કરીશું;
નહોતી કદી તું – નહોતી ક્યહીં તું :
હવાની હતી સ્વપ્નમય પૂતળી તું.

હતા વાદળાંના મિનારા :
હતા ઝાંઝવાં-નીર-આરા !
હતાં વ્યોમ-પુષ્પો રૂપાળાં :

હતો એક દીપક – નિરર્થક જલ્યો : તેલ ખૂટ્યાં, અનામી !
હતા સિંધુને નીર છાંયા: ભલે સૌ ભૂંસાયા, અનામી !

♣ યુગવંદના ♣
૧૫૯