આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ૧૭. ભીરુ : ૧૯૨૮. 'કાવર્ડ' નામક અંગ્રેજી ગીત પરથી ઉતારેલું. મૂળનો એક ભાવ 'હૅસ્ટ ધાઉં નૉટ ડૅશ્ડ ધ કપ ફ્રોમ પર્જર્ડ લીપ્સ?' ('Hast thou not dashed the cup from perjured lips ?) અનુવાદમાં સ્પષ્ટ નથી થયો : જૂઠડી જીભ પરથી અમીપાત્રને, તે નથી, મિત્ર, શું ધૂળ કીધાં?" પણ નવી આવૃત્તિમાં “જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને' આટલો સુધારો કર્યો છે. એમાંથી સત્ય બોલવાના સોગંદ લેતા ખ્રિસ્તી સાહેદને અદાલતમાં શપથ-કટોરી પિવરાવવામાં આવતો એ નિયમ કવાં ગોચર થાય છે ?

૧૮. વિદાય : ૧૯૩૦. કારાગૃહમાં એક સાથીએ ગુંજેલી 'હમ ભી ઘર રહ સકતે થે' જેવી કોઈ ઉર્દૂ ગીતની કડી પરથી સૂઝેલું.

૨૦. આગે કદમ: ૧૯૩૧. સ્વતંત્ર 'લાવા' શબ્દ અંગ્રેજી છે જવાળામુખીમાંથી ઝરતો અગ્નિરસ.

૨૨. ફૂલમાળ : ૧૯૩૧. સ્વતંત્ર. સ્વ૦ ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન. ત્રણ રૂખડાં = ત્રણ વૃક્ષોઃ ત્રણ જણાને ફાંસી આપી સતલજ નદીને કિનારે બાળેલા. 'ઈધણ તોય ઓછાં પડ્યાં...પિંજર પૂરાં નો બળ્યાં’ = ઘાસલેટ છાંટીને બાળ્યા છતાં તેમના મૃતદેહનું પૂરું દહન ન થયું હોવાની ફરિયાદ હતી.

૨૪. કોણ ગાશે : ૧૯૩૧. સ્વતંત્રતા સંગ્રામમાં બંધ પડેલા 'સૌરાષ્ટ્ર'ના પુનરારંભ માટે.

૨૭. શૌર્યવતીના વિલાપ : ૧૯૩૦. કારાવાસની કેટલીક નબળી પળોમાં સ. પત્નીના ઠપકાનું કલ્પનાચિત્ર સજીને રચેલું. સ્વતંત્ર.

૨૮. તરુણોનું મનોરાજ્ય : ૧૯૨૯. સ્વતંત્ર. છંદ ચારણી: 'કુંડળિયા' નામનો.

૩૦. શિવાજીનું હાલરડું : ૧૯૨૭. ભાવનગર મુકામે. સ્વ્૦ મિત્ર અમૃતલાલ દાણી. વગેરે સ્નેહીજનોની હૂંફમાં બાલકિશોરોને માટે ગીતો રચવાના ઊર્મિપ્રવાહમાં ભીંજાયેલો હતો ત્યારે. અમારા આંગણામાં ચૂનો કૂટતી મજૂરણો એક ગીત ગાતી હતી :

પરભાતે સૂરજ ઊગિયો રે
સીતા રામની જોવે વાટ :
શેરડીએ સંતો આવે
ભિક્ષા તેને કોઈ નો લાવે.

એ પરથી ઢાળ મૂક્યો. આ ઢાળ 'કાચબા-કાચબી'થી જુદો પડે છે. રચનામાં પણ એ ભજનની કડીથી એક મોટું ચરણ આમાં કમતી છે. દસમી કડીમાં ‘બંધૂકાં' એ 'બંદૂકો'નું ચારણી બહુવચન-રૂપ છે.

♣ યુગવંદના ♣
૧૬૬