આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



શૌર્યવતીના વિલાપ
[ઢાળ : 'ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ' – એ લાવણીનો]


કંથનાં કોમલ દિલ ક્યમ કર્યાં !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !

મહા જ્વાલામુખી જ્યમ બુઝાય,
સિંધુજળ ઠરી ઠરી થીજી જાય;
આભથી તારક-મંડળ ખરે,
હિમગિરિ-શૃંગો ઊથલી પડે,
નિહાળી ગગનપતિની આંખ
ગરુડ સંકેલી બેસે પાંખ :
ગાઢ એહવાં હૈડાં પિયુનાં આજે ડગમગ થાય;
ગગન લગી ગજવેલાં એનાં શૌર્યગાન શોષાય.
કંથનાં કોમળ દિલ ક્યમ કર્યા !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !

રાખતો સદા રાતૂડાં નેન,
લાગણી ભર્યા ભરપૂર કલ્પનાઘેન;
વીંઝતો જહીં વાણ-સમશેર,
ઊમટતા રણરસિયાના ઘેર;
મનાયો મહા શૌર્યચકચૂર,
મદોન્મત મેંગળ ગાંડોતૂર :
તારાં તપ ડોલાવણ પાપી કોણ હૃદયમાં જાગે !
રોમ રોમ મુજ લજ્જિત દેહે ઝળઝાળ ઝાળો લાગે.
પિયુનાં પોચાં દિલ કાં કર્યા !
પ્રભુ ! ક્યમ કાયર ભાવો ભર્યા !

લલિત લાગણીઓના લલકાર
છોડ : ખંજરી બજાવે કાળ;

♣ યુગવંદના ♣
૨૭