આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત


કે સમી સાંજના તારલિયા !
સો સો બહેનીના વીર —
સાંજલ તારા ! ગુણિયલ તારા !

કે તુજ ઊગ્યે પંખીડલાં
લપછપતાં તરુવર-ડાળ —
સાંજલ તારા ! ઝગમગ તારા !

કે તુજ ઊગ્યે ધણગાવડી
વળી જાતી વાછરુ પાસ —
સાંજલ તારા ! ટમ ટમ તારા !

કે તુજ ઊગ્યે ફૂલડાં તજી
મધપૂડે પોઢ માખ –
સાંજલ તારા ! રૂમઝૂમ તારા !

કે તુજ ઊગ્યે ઘર આવતા
મજૂરોના લથબથ ઘેર —
સાંજ તારા ! નિર્મળ તારા !

કે તુજ ઊગ્યે પનિયારી
પિયુ-શું માંડે મદભર મીટ —
સાંજલ તારા ! ઝલમલ તારા !

કે તુજ ઊગ્યે વનિતા ઢળે
વાલમના ખોળામાંય —
સાંજલ તારા ! શ્રમહર તારા !

કે તુજ ઊગ્યે વિખૂટાં સહુને
ફરી મળ્યાની આશ —
સાંજલ તારા ! રાજલ તારા !

♣ યુગવંદના ♣
૫૫