આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કેદીનું કલ્પાંત


ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ !
ઊંચી ઊંચી ડાળના, હો લીંબડા !
મારે તું વિના ન કોઈની સગાઈ રે. —
જેલનાં જીવન એવાં.

લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ !
લાખ લાખ પાંદ તારી આંખડી,
મારા ગામ તણી સીમડી કળાય રે ? — જેલનાં૦

મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ !
મહીસાગર તીર મારાં ખોરડાં,
એની ઓસરીએ ચાંદની ચળાય રે. — જેલનાંo

ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ !
ઘરની ધણિયાણી બીબી ફાતમા;
જોજે, ખેતર ગૈ છે કે કૂબામાંય રે. — જેલનાં૦

કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ !
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો;
મને એક વાર હળીમળી જાય રે. — જેલનાં૦

ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે હો ભાઈ !
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે. — જેલનાં૦

કે'જે સિવડાવે નવાં પગરખાં, હો ભાઈ !
કે'જે સિવડાવે નવાં પગરખાં,
એના તળિયામાં રૂપિયા રખાય રે. — જેલનાં૦

♣ યુગવંદના ♣
૬૦