આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દૂધવાળો આવે


દૂધવાળો આવે :
ઘંટડી બજાવે :
દૂધ મીઠાં લાવે :
જોઈ સિનેમા માંડ સૂતાં'તાંઃ ઊઠવું કેમ ભાવે !
હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે !

પાછલી પરોડ :
અંઘકાર ઘોરઃ
હુંફે ભરી સોડ :
મીઠી મીઠી નીંદર મૂકી બા'ર કોઈ ના'વે —
હાય રે રોયો દૂધવાળો ઘંટડી બજાવે !

બાપુ કહે – બા જા :
આપ તો મોટા રાજા !
નાકમાં વાગે વાજાં !
ગોદડું ઓઢી ઊઠતી બાને હાલતે ઝોલાં આવે. — હાય રે૦

સૂતાં લોક જાગો !'
જાગો રે, ભાઈ, જાગો !
રહું છું હું બહુ આઘો !
એમ બોલીને બારણે બેઠો રાગ પ્રભાતી ગાવે. — હાય રે૦

બોરીવલી સ્ટેશન :
ત્રણ બજે ટનટન :
ભેંસો દોહી ભમભમ :
રેલગાડી મોત-ફૂંફાડે દોટમદોટ આવે –
પાઘડી વિખાય, તાંબડી ઢોળાય, તોયે વે'લો આવે.— હાય રે૦

♣ યુગવંદના ♣
૮૩