← નિવેદન પ્રભુ પધાર્યા
તઘુલાનો ઉત્સવ
ઝવેરચંદ મેઘાણી
'ઢો ભમા!' →


1
તઘુલાનો ઉત્સવ

ડૉ. નૌતમ પોતાના ઘરની પરસાળ પરથી ઉલ્લાસભરી નજરે એ શહેરની રોનક નિહાળી રહ્યા હતા. એણે ઘરમાં હળવો સાદ કર્યો "હાથણી ! જલદી અહીં આવ !"

જવાબમાં અંદરનું દ્વાર ઉઘાડીને જે હાજર થઈ તે સાચે જ માનવ-હાથણી હતી. એ એની પત્ની હેમકુંવર હતી. એનો દેહ ભરાવદાર હતો. એના હાથ બે સૂંઢની શોભા આપતા હતા. પતિએ એને બાજુએ ઉભાડીને નીચેના માર્ગો-ગલીઓનું દૃશ્ય દેખાડ્યું. પાણી, રેલમછેલ નિર્મળ પાણી, સુગંધવતી પૃથ્વી, અને ત્રીજી આનંદપ્રેમી માનવ-પ્રજા. એ ત્રણેયની ત્યાં સહક્રીડા મચી ગઈ હતી.

આખા બ્રહ્મદેશમાં આજે 'તઘુલા'નો ઉત્સવ હતો. તઘુલા એટલે બેસતા વર્ષના પ્રથમ માસ ચૈત્રમાં વરુણદેવનું આવાહન-પર્વ. એ પર્વની જબાન છે પાણી. પ્રજા જળરૂપે પોકારી જળદેવને તેડાં કરે, 'ચ્વાબા, ફયા ! ચ્વાબા !' 'પધારો, દેવ ! પધારો.'

ગઈ કાલની સાંજ સુધી બિલકુલ ખાલી, ફૂલો વગર અડવાં લાગતાં પઢાઉ વૃક્ષો એકાએક જાણે રાતમાં કોઈ વનદેવતાએ મઢી દીધાં હોય તેમ પીળાં, નાનાં સુવાસિત પુષ્પોએ લૂંબઝૂંબ બની ગયાં હતાં. બે કરોડ મનુષ્યોએ નક્કી કરેલા એ ઉત્સવના જ પ્રભાતે પઢાઉ[] ફૂલો કોણે મહેરાવ્યાં હતાં, તે અકળ વાત હતી. વર્ષોવર્ષ માનવી અને પ્રકૃતિ વચ્ચે મેળ લેતો આ અગમ્ય સહકાર એ દેશનો સદાનો સંસ્કાર બની જતો.

ઘરઘરને આંગણે પાણીના દેગડા ગોઠવાયા છે. મ્યુનિસિપાલિટીની મગદૂર નહોતી કે ચૈત્ર માસની પાણીની તાણ વખતે પણ આ પર્વણીને માટે પાણી પૂરું પાડવાની ના પાડી શકે. ઘરની અંદરના નળોને બહારની દેગો સાથે નળીઓ જોડી દીધી છે. બાલદીઓ ભરી ભરીને બ્રહ્મી રમણીઓ વાટ જોતી ઊભી છે. પગનાં કાંડાંથી કમ્મર લગી લપેટેલી એક પણ કરચલી વગરની તસોતસ રંગબેરંગી રેશમી લુંગીઓ (આપણી કાઠિયાણી-આહીરાણીઓ પહેરે છે તે જીમી જેવી) તેમના સાગના સોટા સરખા દેહને દીપાવી રહી છે. મલમલની એંજી (આંગડી) નીચે તેમની સપાટ છાતીઓ ધબકે છે. લમણા અને કપાળ પરથી ઊંંચા ઓળેલા વાળના સઢોંઉ (અંબોડા)ને તેમણે માથાની ટોચ પર છત્રી કે ટોપી આકારે વાળી લીધેલ છે. અને તેના ઉપર ગૂંથેલ છે નાનાં પીળાં પઢાઉનાં પુષ્પો. એવી છટા બ્રહ્મી સ્ત્રીઓ સિવાય કોઈએ કેળવી જાણી નથી. કોઈના હાથમાં કેળનાં પાંદમાંથી વાળેલી લાંબી લાંબી ચિરૂટો સળગે છે.

ઘેરૈયાનાં વૃંદો પર વૃંદો વહ્યાં આવે છે અને હાકલા પાડે છે -

"નંગો પ્યેબા ! નંગો પ્યેબા!" "મને પાણી નાખો, મને પાણી છાંટો !"

છેટે છેટેથી પાણીની ઝાલકોના પછડાટ સંભળાય છે, અને સામેથી આવતા દેખાય છે - ઘર ઘર જેવડા વિરાટ ઢાંઉ (મોરલા) બબે માળની આગબોટો, અને એવા તો કંઈ કંઈ આકારો.

મોટરો અને મોટરના ખટારાઓ માથે કરેલી આ લાકડકામની કરામતો હતી, અને અંદર ઊભા હતા યુવાન બ્રહ્મી પુરુષો. ઢાંઉ અને આગબોટોની અંદરથી તંતુવાદ્યોનું સમૂહ સંગીત વાગતું હતું. મર્દો ભરપૂર કંઠે ગાતા હતા - ઇન્દ્રનાં કીર્તિગીતો. તેમના લેબાસ એક જ સરખા ગણવેશી હતા. ગલીએ ગલીએ અને ઘેરેઘેરેથી છંટાતી ચોખ્ખાં રંગવિહોણાં પાણીની ઝાલકોએ તેમને તરબોળ કર્યા હતા. કોરાં હતાં કેવળ તેમનાં ઓળેલાં માથાં, કારણકે માથાં ઉપર તેમણે રબ્બરની ટોપીઓ ચડાવી હતી.

એક પછી એક વાહન પસાર થતું હતું અને બેઉ બાજુનું પ્રત્યેક નારીમંડળ આ ઘેરૈયાઓને ચોખ્ખાં મીઠાં જળે રોળતું હતું. કોઈ કોઈ ઘેરૈયાને શૂરાતન ચડી જતું તો તે નીચે કૂદકો મારી, યુવતીના હાથમાંથી બાલદી ખૂંચવી, પાણીની ઝાલક એ સ્ત્રીઓ પર નાખી "ઇરાપો!" બોલતો, પાછો ઝડપભેર વાહનમાં છલાંગી જતો. પગપાળાઓનો ત્યાં પાર નહોતો.

વધુ વાર થઈ નહીં ત્યાં તો રાજમાર્ગો પર નદીઓનાં સજીવન વહેન બંધાયાં. રાષ્ટ્રનો તહેવાર હતો, બજારો બંધ હતાં, પાણીની જ એ શહેર ઉપર પ્રભુતા હતી. શાસન હતાં - સરકારનાં નહીં પણ ઇન્દ્રદેવનાં, ફક્ત એકલા બ્રહ્મદેશને જ વનશ્રીએ આપેલ પઢાઉ પુષ્પોનાં, લયમધુર કોમળ સંગીતનાં, સ્ત્રીઓનાં, સ્નેહનાં, સ્વરોનાં - "નંગો પ્યેબા ! નંગો પ્યેબા! ઉરાપો ! ઇરાપો!"

એ કોઇ એક જાતિનો કે કોમનો તહેવાર નહોતો. કોઈ એક વર્ગનો નહોતો, કારણ કે બ્રહ્મી પ્રજા વર્ગોમાં વહેંચાણી નથી. એ ઉત્સવ રાષ્ટ્રનો હતો, રાષ્ટ્રવાસી દેશી-પરદેશી તમામનો હતો. બ્રહ્મીઓની ગાડીઓ નીકળી, ચીનાઓના ઘેરૈયા-ઘેર પણ નીકળ્યા, સિંહાલીઓ ને જાપાનીઓ પણ જુદા ન રહ્યા. વ્યાજખાઉ ધીરધારિયા કાળા સીસમ ચેટ્ટીઓ પાણી ખાવા ચાલ્યા, મુસ્લિમ અને બર્મી વચ્ચેનાં લગ્નમાંથી નીપજેલી નૂતન ઝેરબાદી ઓલાદે પણ લાંબા કાળનાં કટ્ટર વૈરને ખોપરીઓના એક ખૂણામાં સંઘરી મૂકી, પોતાનાં ખુન્નસ છોડી, ટોળે ટોળે બહાર નીકળીને આ રાષ્ટ્રોત્સવમાં સાદ પુરાવ્યો : "નંગો પ્યેબા, નંગો પ્યેબા : પાણી છાંટો, અમે પણ પાણી ખાનારા છીએ, અમને છંટકોરો, અમને રોળો."

"એ...એ...એ, જો પેલી બ્રહ્મીને દે...દે...દે -" એમ બોલતા ડૉ. નૌતમે પોતાની પત્ની હેમકુંવર હાથણીને રોળવાની ચેષ્ટા રૂપે એને ખંભે હાથ મૂકી દીધો. અને જોયું તો એક માર્ગેથી બીજે માર્ગે જતી એક બ્રહ્મી નારી, શાંતિથી શિર નમાવીને પુરુષોની સામટી પાંચદસ બાલદીઓના ધોધમાં વરુણ-સ્નાન કરતી હતી. પોતાનાં અંગ પરનાં નકોર રેશમ લદબદ થયાં તેનો એ સ્ત્રીને અફસોસ નહોતો. એ હસતી હતી, અને વીખરાયેલ અંબોડામાંથી હીરાજડાઉ 'ભીં' (કાંચકી) કાઢીને ઊભી ઊભી લાંબા વાળ સમારતી હતી.

"શું તમે પણ ઘેલા થયા છો !" હેમકુંવરે દેહને હળવેથી હલાવી ડોક્ટરનો હાથ પોતાના ખંભા પરથી લસરાવી નાખ્યો ને કહ્યું, "નાનપણમાં કદી હોળી રમ્યા નથી કે શું?"

એને જોતી રાખી ડૉક્ટર ચોરીચૂપકીદીથી ખસી ગયા, અને થોડી વારે બારીમાં ઊભેલી પત્નીએ "ઓય મા!" પોકાર્યું.

પોતે પણ નખશિખ તરબોળ બની ગઈ હતી. ડૉ. નૌતમે અંદરથી ડોલ ભરી લાવીને એના ઉપર ઠબકારી દીધી હતી.

"મને શું નાખો છો ? શૂરા હો તો ઊતરોને હેઠા ! જાવને આ બ્રહ્મીઓની ઝાલકો ખાવા."

આ શબ્દો પત્ની બોલતી હતી અને તે સાથે જ રસ્તા ઉપર ચોમેર પાણીની થપાટો સંભળાતી હતી. પાણી ખાનારા મરદો આ જળ-તમાચાથી ચમચમી જતા હતા.

"જાઉં ને?"

"હા, હા, એ ડૉક્ટર !" બાજુએથી બીજા ગુજરાતીઓ નાચી ઊઠ્યા. "આંહીં તો રિવાજ છે. હિંદીવાનો પણ નીકળે છે, અમે તો ગામડાંમાં હોઈએ ત્યારે અચૂક જોડાઈ જઈએ. કાઢોને મોટર ! આખા નગરમાં ચક્કર લગાવીએ."

"ના, ભૈ ! મોટર તો બગડે."

"ભલે બગડે, અવતાર તો સુધારો !" હેમકુંવરે હસીને કહ્યું.

"પણ આ લોકોનાં પાણી ખાઈ નહીં શકો હો, દાક્તર !" પાડોશી જુવાને કહ્યું.

"બસ ! બાઇડિયુંના હાથનું પાણી નહીં ખાઈ શકો એવા જ પાણિયાળા છોને, કાઠિયાવાડીઓ ?" હેમકુંવરે પાનો ચડાવ્યો.

"અરે, વાત છે કાંઈ ? કાઢો મારી મોટર !" ડૉ. નૌતમને ચાનક ચડી.

"ચગ્યા ! ચગ્યાને શું?" હેમકુંવરે તાળીઓ પાડી. બંગડીઓ રણઝણી.

ટપોટપ કછોટા ભિડાયા. ઠેકાણે ઠેકાણે ટેલિફોન થયા. કેટલીક ગુજરાતી પેઢીઓમાંથી મોટર અને મોટરટ્રકો નીકળી પડી. ગુજરાતીઓએ રાષ્ટ્રોત્સવના સમૂહનાદમાં સૂર પુરાવ્યો : "નંગો પ્યેબા ! નંગો પ્યેબા ! નંગો પ્યેબા !"

ગુજરાતી યુવાનોને પણ બ્રહ્મી યુવતીઓએ રૂડી રીતે રોળ્યા. બપોર સુધી આ રાષ્ટ્રોત્સવમાં ઘૂમતા ડૉ. નૌતમને યાદ જ ન રહ્યું કે પોતે પારકા પરદેશમાંથી અહીં નવોસવો આવેલ છે. સાંજ નમવા લાગી. બ્રહ્મીઓને આંગણે આંગણે બુઢ્ઢાં સ્ત્રીપુરુષો ચટાઈ બિછાવી અને કેળનાં પાંદની વાળેલી હાથ હાથ લાંબી ચિરૂટો ચૂસતાં આ રાષ્ટ્રોત્સવ નિહાળતાં બેઠાં. તેમની આંખોમાં અમી ભર્યું હતું. પરદેશવાસીઓ અને પોતાની કુમારી યુવતીઓ પર્વ ખેલે છે તેનો કોઈ અવળો ભાવ એમના અંતરમાં નહોતો, અને ડૉ. નૌતમ વગેરે ગુજરાતીઓની ગાડી નીકળતી ત્યારે તેઓ સવિશેષ આનંદ પામીને બોલતાં :"ફ્યા લારે ! બાબુ લારે !" (દેવ આવ્યા, ગુજરાતી બાબુ લોકો આવ્યા!) "ચ્વાબા બાબુ! લાબરો બાબુલે!" (પધારો ગુજરાતી જન, પધારો લાડકવાયા બાબુ) બાબુ એટલે ગુજરાતી માટેનું માનભર્યું સંબોધન, અને એમાં 'લે'નું મુલાયમ મિશ્રણ થાય ત્યારે સમજવું કે બોલનારનાં અંતર લાડ વરસાવે છે.

બીજાં સર્વ હિંદીવાનોને આ બ્રહ્મીજનો 'કલારે' અર્થાત્ સાગરને સામે પારથી આવેલા એવા સહેજ તુચ્છકાર દાખવતા શબ્દે નિર્દેશે છે. 'બાબુ' 'બાબુલે' જેવા શબ્દે તેઓ વધાવે છે એક માત્ર ગુર્જરને.

એક્ ઘર આગળ નવોઢાઓ અને કુમારિકાઓનું ઝૂમખું હતું અને અંદર પરસાળમાં એક પ્રૌઢા સ્ત્રી ઊભી હતી. એણે ડૉ. નૌતમને પહેલે જ દર્શને હૃદયમાં એક ઊંડો ધબકાર અનુભવ્યો અને એ મોટર પાસે ઊપડતે પગલી આવી. એણે પૂછ્યું, "તમે કોણ છો? તમે આંહી નવા આવ્યા છો?"

ડૉ નૌતમ બર્મી ભાષા જાણતા નહોતા. રતુભાઈ નામના એનાએ સાથી કહ્યું, 'હા, ઢો-સ્વે! નવા આવ્યા છે. ડૉક્ટર છે."

બાઈ બોલી : "તમે...! તમે હજુ આવડા ને આવડા જ રહ્યા છો?"

એ ઉદ્ગારો અકળ અને અગમ હતા. રતુભાઈ જેવો છેલ્લા એક વર્ષથી બર્મી ભાષાનો અનુભવી પણ આ શબ્દોનો અર્થ તારવી શક્યો નહીં. પેલી બાઈને એ પિછાનતો હતો. એણે કહ્યું, "ઢો-સ્વે, તમે શું કહેવા માગો છો?"

ઢો-સ્વે નામની પ્રૌઢાએ પોતાના મનને કાબૂમાં લઈને ધીમેથી પૂછ્યું: "તમારા પિતા અહીં કદી હતા?"

"હા, મારા જન્મ પહેલાં." ડૉ. નૌતમે રતુભાઈ દ્વારા જવાબ દેતાં દેતાં ઢો-સ્વેને કૌતુકભેર નિહાળી.

"તું એનો જ પુત્ર ! બાબુલે, આબેહૂબ એની જ મૂર્તિ ! એ ક્યાં છે?'

"ગુજરી ગયા છે."

"સૌઉં ત્વારે ! ગુજરી ગયા ! હો... હો ! છોકરીઓ !" એણે પાણી ભરીને થંભી ગયેલ યુવતીઓને કહ્યું, "એને ધીરે ધીરે રોળજો. એ ફૂલ સમાન છે. નહીં સહી શકે."

પોતે એક બાલદીમાંથી ખોબો ભરીને નૌતમના શિરપર અભિષેક કર્યો ને પછી કહ્યું: "તારા પિતા મારે માની દુકાને હતા. તું ક્યાં રહે છે?"

ડૉ. નૌતમનું સરનામું લઈ, એક વારે એને શિરે હાથ ફેરવીને ઢો-સ્વેએ ગાડીને જવા દીધી.

"રહો રહો!' તુરત એણે ફરી એક વાર થોભવાનું કહી ઘરમાં દોડી, નેતરની ટોપલી ભરી ફૂલો આણ્યાં અને મોટર ઉપર ઢોળ્યાં.

વિદાય લેતી મોટરમાં ડૉ. નૌતમ તો સડક બની બેઠો રહ્યો. આ બર્મી બાઈના પ્રત્યેક શબ્દમાંથી એને કોઈક નિગૂઢ માતૃત્વના કુમાશભર્યા સાદ સંભળાતા હતા. પોતે દસેક વર્ષનો હતો ત્યારે દેશના ઘરમાં પિતા આવું કંઈક ગાતા હતા તે એને યાદ આવ્યું -

બાબુજી ! લાબા લાબા !
ચમા તયાઉઠે મનેં નાઇબુ
ખીમ્યા બાબુજી લાબા લાબા !

[હે બાબુજી ! તું આવ આવ ! હું એકલી રહી શકતી નથી.]

પણ એ ગીતના અર્થો પિતાએ કદી કરી બતાવ્યા નહોતા.

"આ ઢો-સ્વે આંહી એક સોનાચાંદીની દુકાન ચલાવતી હતી. આજે તો બાપડી ખલાસ થઈ ગઈ છે. એના ભાઈનું નામ સયાસાન થારાવાડીવાળો." રતુભાઈએ કહ્યું.

"એ કોણ?"

"એણે 1929-30માં થારવાડી ડિસ્ટ્રીક્ટમાં સરકાર સામે બુલંદ બળવો જગાવ્યો હતો. સરકારી તંત્રને ખોરવી નાખ્યું હતું. એના બળવાને તોડવા તો મોટી મિલિટરી પણ અશક્ત બની હતી."

"આજે ક્યાં છે?"

"આજે તો કહે છે કે ચીનની સરહદ પર ગોળીએ આવીને ખલાસ થયો છે."

"આ બાઈ શું કરે છે?"

"એને રંગૂનવાળા આપણા શાંતિદાસ શેઠે ફોલી ખાધી. એનાં સોનાચાંદી કુલઝપટ સાફ થઈ ગયાં. હવે તો માર્કિટમાં એક નાનકડી દુકાન રાખી છે. તે ઉપરાંત પોતાની જમીનનો વહીવટ કરે છે. તમારા પિતા આંહી કઈ સાલમાં હતા?"

"૧૯૦૮-૧૦માં."

"બસ ત્યારે, તે દિવસે એની માતાનો ધંધો ધીકતો હશે. સંભવ છે કે તમારા પિતા એને ત્યાં નોકરી કરતા હશે."

"મારો ને પિતાજીનો ચહેરો એકદમ સરખા છે. આજે પણ પિતાની જુવાનીની તસવીર જોઈને ઘણા ભૂલ ખાઈ જાય છે."

"ત્યારે તો તમને પણ એણે સાચા પિછાની લીધા."

ઘેર જઈને ડૉ. નૌતમ ગંભીર બની ગયો. એના અંતરમાં પિતાનું બ્રહ્મદેશ ખાતેનું યૌવન કલ્પનારંગે ઘોળાવા લાગ્યું.


  1. 'તાંઝઉ' પણ કહે છે