૨૧

ભાભીનાં તોફાન

"તમારે માટે આંહીં ઘરાકી ફાટી નીકળે તેમ છે. માલ લઈને વેળાસર આવો. વળી રોટલીનો ગોળાકાર પણ હવે તો તમે કદી ન ધારો એવો સંપૂર્ણ નીકળવા લાગ્યો છે."

આવું નિમંત્રણ શિવે રતુભાઈને પીમના મોકલ્યું. રતુભાઈ ખનાન-ટો આવ્યો અને મા-હ્‌લાને નમન કરી કહ્યું : "કેમ અમા ! પૈસાનો જબરો સંઘરો કર્યો લાગે છે?" 'અમા' એટલે મોટી બહેન.

"અકો એ....! ચુનૌરો પઈસારો ના મલેબુ." (પૈસાને તો ભાઈ સંગ્રહવાનું અમે જાણતા જ નથી.) એ બ્રહ્મી જીવનના મંત્ર સરીખું પ્રચલિત મીઠું વાક્ય બોલીને મા-હ્‌લાએ પોતાના એકના એક પ્રશંસક ગરવા ગુજરાતીને સત્કાર્યો. પછી રતુભાઈ પાસેની સોનાની ને ઇમિટેશન હીરાની પેટી ખુલ્લી થઈ.

શારદા તો ક્યારની અંદર રસોડાના કમરામાં ભરાઈ બેઠી હતી. નણંદ-ભોજાઈ વચ્ચે ત્યાં રકઝક ચાલતી હતી. ભાભી બહેનને હાથ ઝાલીને બહાર ખેંચી લાવવા વ્યર્થ યત્ન કરતી હતી. શારદા શરીરથી સાચી સોરઠિયાણી હતી. એનું શરીર ભર્યું ભર્યું તો મૂળથી જ હતું. એમાં પાછું ઇરાવદી જેવી ભાભીએ કાયામાં સે પૂરી હતી.

"મેં કાંડું પકડ્યું છે, તેમાં શેનું લાલચોળ થઈ જાય છે, બહિન" એવા શબ્દો ભાભી નણંદને હિંદીમાં કહેતી હતી.

"નહીં, હિંદી નહીં; એનું એ બર્મીમાં બોલો." એમ કહેતી શારદુ ભાભીને મીઠી બર્મી ભાષામાં બોલવાની ફરજ પાડતી હતી.

"નહીં બોલુંગી."

"તો નહીં આવુંગી. કાયદો તે કાયદો."

કાયદો તો શારદુએ પોતે આવી તેના વળતા દિવસથી જ એવો દાખલ કર્યો હતો, કે ભાભી જે કાંઈ કહે તે તેણે પ્રથમ બર્મીમાં બોલીને પછી હિંદીમાં બોલવું.

"હ-પિછે-હમારી છૂપી બાત સમજનેકો મંગતી હૈ, સચ્ચ?"

"હં-હં-મનકી બાત જાણ ગઈ કે!" શારદુએ મર્મ કરેલો.

આ નિયમે શારદુને થોડા જ મહિનામાં બર્મી બોલીમાં પાવરધી કરી હતી. એને કાઠિયાવાડી બોલી બર્મી પાસે છોતાં જેવી લાગતી હતી. બર્મી તો જાણે શેરડીનાં પતીકાં !

"બહાર આવો, તો પછી બર્મી બોલીનાં કેટલાંય રહસ્યો શીખવીશ હો! એક એક શબ્દના આઠ આઠ અર્થો થાય છે. માટે કહું છું કે બહાર આવો."

"પણ શું કામ છે?"

"મારે તમને શણગારવાં છે." "જા રે જા, મીં નાદાન! મીં ધુતારી!" એમ કહીને મીં (તું) શબ્દનો તુંકારો કરી શારદુ ભાભીને ચીડવવા લાગી.

"એ 'મીં; તો તમારા મોંમાં વધુ મીઠો લાગે છે, પણ બોલો, શણગારનો શો વાંધો છે?"

"મારે નથી શણગારાવું. મારે વળી શણગાર શા?"

"કેમ?"

"હું તો બુઢ્ઢી થઈ ગઈ છું."

"બુઢ્ઢી ! ગાલ તો ફૂલ્યા છે, ને બુઢ્ઢી ! બુઢ્ઢી હો તો પણ શું થઈ ગયું? શું શણગાર એકલી યૌવનાનો જ ઈજારો છે?"

"કોઈ જુએ!"

"કોઈ એટલે કોણ? શું કોઈને સારુ શણગાર પહેરાય છે? હશે તમારે ત્યાં. અહીં અમે તો અમારા એકના દિલને રીઝવવા માટે પહેરીએ છીએ. ચાલો, ઊઠો, ઊઠો છો કે નહીં?

"પણ-"

"પણ બણ કાંઈ નહીં, ઊઠો"

"તમને મેં બધી વાત કરી દીધી છે."

"હા હા, ને મેં એ સાંભળી લીધી છે. તે બધી વાતોને આંહીં શી નિસ્બત છે? એ તો તમે ત્યાં મૂકીને આવ્યાં છો. અમે તો ગઈ કાલની શું, ગયા કલાકની વાતોનેયે ન સંભારીએ. ઊઠો, અમારાં ઘરેણાં તો જુઓ!"

"ના, ના"

"તો હું મારી બા ને ઘેર રહેવા ચાલી જઈશ, હો ! ને દુકાને તમને આવવા જ નહીં દઉં."

"દુકાને તો હું આવ્યા વગર જ ન રહું."

દુકાનની તો શારદુને રઢ લાગી હતી. દેશમાં દીઠી હતી, કેવળ ખોજણોને અથવા બકાલણોને દુકાનો ચલાવતી. પણ એકસામટી આલેશાન બજારો ચલાવતી પ્રભાવશાળી બરમણો તો આંહી જ આવીને દીઠી હતી. તેમની અદબ પાળતા પુરુષો પણ અહીં જ નજરે પડેલા દુકાનદારી એ દીનતા નથી તેમ આછકલાઈ નથી એ એણે આંહી જ દીઠું. ત્રિયારાજની સાંભળેલી વાતો અહીં જ પ્રત્યક્ષ નીરખી. અને ભાઈએ પણ ભાભીના ધંધામાં મદદ કરવા જવાની બહેનને અનુમતિ આપી હતી. વળી બર્મી સ્ત્રીઓ તો ઠીક, પુરુષો પણ પોતાને એકલી શારદુને બદલે મા-શારદા કહી બોલાવતા. કોઈ મશ્કરી નહોતું કરતું. કોઈ તાકી નહોતું રહેતું. કોઈ કામ વગર પૂછગાછ નહોતું કરતું. પોતાના ને બર્મી સ્ત્રીના દેહના ઘાટઘૂટ વચ્ચે જબરદસ્ત અને આપોઆપ આગળ ધસી આવે તેવો અનેક અંગોપાંગોનો ભેદ છતાં કોઈ તેની ચેષ્ટા પણ કરતું નહોતું. ઉપરાંત, ભાભીએ તો ધંધામાં થોડો ભાગ પણ કરી આપેલો! એવી બજારમાં જવાનું બંધ થાય તો શું થાય ? જીવવું કેમ ગમે?

ટપ દઈને શારદુ ઊભી થઈ, બહાર આવી. મા-હ્‌લાએ રતુભાઈને કહ્યું કે "આમને મારે પેટ ભરીને શણગારવાં છે. બોલો છે એમના માપની ચીજો ? કે નવી ઘડાવવી પડશે?

ઘડીક તો રતુભાઈ હેબતાઈ ગયો. કોઈ બર્મી બહેનપણીને તો આ પોતાનો ગુજરાતી પોષાક પહેરાવીને નથી લઈ આવીને?

પણ એ તો અશક્ય હતું. કાયા જ પોકારી ઊઠતી હતી કે હું આંહીંની નથી. એ કાયા પરથી દૃષ્ટિ ચમકીને દોડી અને શિવા સામે ફરી.

શિવાએ કહ્યું : "મારી બહેન છે, થોડા મહિનાથી આવી છે, એનું નામ શારદા. નણંદને માંડ ભાભી મળી છે, ભાભીને માંડ નણંદ મળી છે; અને શ્રીમતીને ધંધામાં થોડા પૈસાની કમાઈ થઈ છે, તે હવે જીરવી શકતાં નથી. શારદાનું શરીર મઢવાની રઢ લીધી છે."

રતુભાઈએ શારદુના હાથ જોયાં. કાંડે કે ભુજા પર એક ચૂડી ઉપરાંત કોઈ પણ વસ્તુ પહેરાતી હોવાનું ઝાંખું આછુંયે ચિહ્‌ન નહોતું. વિધવા હશે!

ના, તો તો આ એક ચૂડી છે તે ન હોત, ને ચાંદલો ન કરતી હોત. ખેર ! જે હશે તે હશે. મારે શી પંચાત !

ઘણાં અંત:કરણો 'મારે શી પંચાત' એવું જ્યારે જ્યારે બોલ્યાં છે ત્યારે હડહડતું અસત્ય જ બોલ્યાં છે, એવી પારકી પંચાત કોણ જાણે ક્યારથી પણ પોતાની જ પંચાત બની જતી હોય છે !

શિવની સ્ત્રીએ તે દિવસે સાચેસાચ શારદુને દાગીને મઢી દીધી. રતુભાઈને એ પોતાનાં સ્નેહીસંબંધી બર્મી કુટુંબોમાં અવારનવાર માલ લઈને તેડાવતી, ત્યારે રતુભાઈ માલનું વેચાણ કરવામાં પોતાની વાક્છટાનું અદ્‍ભૂત આકર્ષણ ઊભું કરતો, અને પાંચસોનું લેવા ઈચ્છનારને બે હજાર ખરચાવતો. પણ આ વખતે એની જીભ કોઈ અકળ કારણસર સિવાઈ ગઈ હતી. શિવની સ્ત્રીએ વારંવાર ટકોર કરી કે, "માલ વેચવાની કળા કેમ આ વખતે પીમના ભૂલીને આવ્યા છો?"

"ઘરનાં માણસ પાસે કળા શી વાપરવી?" એવો જવાબ વાળનાર રતુભાઈ અસત્ય વદ્યો હતો. એની કળા મનમાં થનગનતી હતી, પણ એનું મન શારદુના રહસ્યનું વાચન કરવામાં પરોવાઈ ગયું હતું. આવી દેહભરપૂર સ્ત્રી ગમગીનીમાં કેમ બેઠી હતી ! આ ચહેરો તો અફસોસના ઘરડિયા બતાવતો નથી. જેને નિર્મળ કહીએ તેવું આ લાવણ્ય છે. આંહીં ઉદાસીના ઘુવડનો માળો હોઈ જ કેમ શકે ? આંહીં કોઈકની કંઈક ભૂલ થઈ ભાસે છે.

પોતે ને શિવ બહાર ગયા ત્યારે શિવે આપોઆપ બહેનનો ઇતિહાસ કહ્યો.

"તેર વર્ષે પરણાવેલી. સોળ વર્ષની થઈ ત્યારથી પતિ જામનગરની એક ધનવાન વિધવાની સાથે ચાલ્યો ગયો છે. આજે દસ વર્ષ પૂરાં થયાં. એક પણ કાગળ લખ્યો નથી. ખરચી કદી મોકલી નથી. બેઉ ક્યાંક દરિયાપાર ચાલ્યાં ગયાં છે. શારદુને એના સસરાએ થોડું ભણાવી શિક્ષિકા કરી. તે પછી સસરો પણ મરી ગયો ને ઘરમાં કાંઈ હતું નહીં. ઘર પણ સગાંવહાલાંએ લઈ લીધું. પોતે નોકરી કરતી, પણ આ શરીર આવું ને આવું રહ્યું એટલે કોઈ ઠેકાણે નિંદાયા વગર જીવી ન શકી. ભાગ્ય જ એવું કે દુ:ખ એના દેહને ભાંગી ન શક્યું. સ્વભાવ જ એવો કે વિપત્તિના ઝાઝા લિસોટા ન પડવા આપે. લોકોને ચિંતા એ જ વાતની થઈ પડી કે આટલી દુ:ખી હોવા છતાં આવી માતેલી રહી જ કેમ શકે છે! એ જ ફિકર એના ઉપરી અધિકારીઓને થઈ પડી. ઘેર બેઠી. ઘણાં વ્રતોપવાસ કર્યાં, ભૂખ્યાં રહેવામાં બાકી ન રાખી, પણ પાણી પીએ તેયે લોહી બની જાય ! લોકો અપકીર્તિ કરે તેનો તો કોઈ ઘા જ ફૂટે. અમે પોતે પણ એના દેહની આ હઠીલાઈથી એવા ત્રાહિ પોકારી ગયા કે પછી તો કુશંકાઓ જ કરવા લાગ્યા. મા પણ તેડાવે નહીં. મહિને બે-ત્રણ રૂપિયામાં જીવી કાઢતી; તેટલું હું અહીંથી મોકલતો. પણ મેં અહીં પરણી કાઢ્યું છે એવા ઊડતા સમાચારથી મા એને લઈ અહીં આવવા નીકળતી હતી. એ તો આને ઘેર જ મરી ગઈ, ને આ એકલી અહીં પહોંચી."

"નણંદ-ભોજાઈ બેઉને ફાવી ગયું લાગે છે."

"અરે વાત પૂછો મા. પરસ્પર પાગલ બન્યાં છે. પોતાના જીવનની તલેતલ વાત એણે એની ભાભીને કહી નાખી છે, ને ભોજાઈને હવે એક ઉધામો ઉપડ્યો છે."

"શું વળી?"

"શારદુને ફરી પરણાવવાનો."

સાંભળતાં જ રતુભાઈને કલેજે એક શેરડો પડ્યો - ટાઢો કે ઊનો તે તો પોતે પણ નક્કી ન કરી શક્યો. શિવાએ વાત પૂરી કરી -

"એ તો મારી સાથે પણ ટંટો કરીને પણ મને રંગૂનના બંગાળી વકીલ પાસે લઈ ગઈ, આપણા હિંદી કાયદાના પોથાંથોથાં ઉથલાવરાવ્યાં, ને આ લગ્ન થઈ શકે કેમ તે નક્કી કરાવ્યું. વધુ ખાતરી માટે કલકત્તાના નામાંકિત વકીલની સલાહ પણ આ બર્મી વકીલ દ્વારા મંગાવરાવી. લગ્ન થઈ શકે તેમ છે, કારણકે પતિએ ત્યાગ કર્યા પછી સતત સાત વરસ ઉપરની મુદ્દત વીતી ગઈ છે. હવે હઠ લીધી છે કે કોઈક હિંદી ઉમેદવાર શોધી કાઢો."

રતુભાઈ કાંઈ બોલી ન શક્યો. શિવે એને ચમકાવતો વધુ પ્રશ્ન કર્યો: "એવો કોઈ મળે ખરો?"

"જોખમ ઉઠાવનાર જોઈએ. છેવટે નિકાલ ગમે તે થાય, પણ જો ચાલ્યો ગયેલો ધણી આવીને ખોટાસાચા પુરાવા ઊભા કરી કાયદાનો આશરો લે, તો વચગાળાની કમબખ્તી વેઠવા તો માણસે તૈયાર રહેવું જોઈએ."

"એવો તો આંહીં કોણ મળે?" શિવે સૂચક ટકોર કરી.

બેઉ ઘેર પાછા ફર્યા. પછી રતુભાઈએ બેગ ઉપાડી.

"કેમ ?" મા-હ્‍લાએ ચમકીને પૂછ્યું.

"રંગૂન જઈને રાત રહીશ."

"અહીં શા માટે નહીં?"

"ત્યાં કામ છે."

એ અસત્ય હતું.

એની આંખો શારદુને શોધતી હતી. માણસ જેમ ફોટોગ્રાફને ફ્રેમમાં મઢીને જોવા ઇચ્છે છે તેમ રતુભાઈ પણ શારદુને પોતે સાંભળેલા એના ઇતિહાસના ચોકઠા વચ્ચે એક વાર જોવા ઉત્સુક હતો. પોતે જોયેલી તે તો તવારીખ વગરની મનુષ્યાકૃતિ હતી. હવે જોવી હતી જીવનકથાની નકશી વચ્ચે જડેલી છબી. આકૃતિ ભલે એ-ની એ જ હોય, નિરીક્ષકની નજરમાં એનાં નોખનોખાં સ્વરૂપો સરજાય છે. આકૃતિ પોતે તો કશું જ નથી, જે છે તે નર્યું વાસ્તવ છે. ને વાસ્તવ તો હાડપિંજર જેવું છે; એમાં રુધિરમાંસ પૂરનાર તો જીવનનાં વીતકો, જીવનસંસ્કારો અને જોનારની દૃષ્ટિ હોય છે.

શારદુ અંદર બેઠી બેઠી ભાઈના છોકરાને પંપાળી રહી હતી. બહાર એ આવી ન શકી. પણ એ જેને અઢેલીને બેઠી હતી એ ભીંત પણ, એના શરીરની વીજળીનો સંચાર અનુભવી રહી હતી. શારદુને ભય લાગ્યો કે ભીંત ઓગળી રહી છે કે શું!