પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નરસિંહ મહેતા



પદ ૧૦૮ રાગ પ્રભાતિયું.

પ્રાણ થકી મને વૈષ્ણવ વાહાલા, હરનિશ એને ગાઉં રે,
તપતીરથ વૈકુંઠ પદ મૂકી, મારા ભક્ત બોલાવે ત્યાં જાઉં રે— પ્રા. ૧.

અંબરીષ રાજા મુને અતિઘણો વહાલો, દુવાર્સાએ મન ભંગ કીધું રે,
મેં મારૂં ભિમાન તજીને, ચક્ર દર્શન લીધો રે— પ્રા. ૨.

ગજને કારણ પાળો રે ધાયો, સંતોની કરવા સાર રે.
ઊંચનીચ હું તો કાંઈ નવ જાણું, મને ભજે તે મારા રે.— પ્રા. ૩.

લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા સંતની દાસીરે;
અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા કોટિ કાશીરે. .— પ્રા. ૪.


સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, ને સંત સૂએ તો હું જાગું રે;
મારા સંતની નિંદા કરે તેની, જીહ્‌વા સદ્યજ કાપું રે. — પ્રા. ૫

મારારે બંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવે માંધ્યા મે નવ છૂટે રે,
એકવાર વૈષ્ણવ મને બાંધે તો, તે બંધન મેં નવ તૂટે રે.— પ્રા. ૬.

બેસી ગાય ત્યાં હું ઊભો સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રે
હુંતો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈંયો સાચું રે.— પ્રા. ૭.

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધાવું રે,
તપ તીરથ વૈકુંઠ તજીને,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી

અંબરીષ મુજને અતિઘણા વ્હાલા,
દુર્વાસાએ મન ભંગ કીધા,
મેં મારું અભિમાન તજીને,
દશવાર અવતાર લીધો રે ... પ્રાણ થકી

ગજ તજી વહારે તમે પાદે ધાયા,
સેવકની સુધ લેવા,
ઊંચનીચ કુલ હું નવ જાણું,
મને ભજે સો મમ જેવા ... પ્રાણ થકી

મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,
ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે,
તો ફિર ઉત્તર નવ સુઝે ... પ્રાણ થકી

બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં નાચું,
વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો,
માન નરસૈયા સાચું ... પ્રાણ થકી


નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)