← ખૂનની કબૂલાત બંસરી
મારું ઘર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મારો વ્યાપાર →


મારું ઘર

નથી આ શોભિતા આરા
પુષ્પશય્યા ધરાવતા
નથી આ નિર્મળાં નીર
સખી હૈયે ધરાવતાં.
ન્હાનાલાલ

બંસરીનું ખૂન મેં કર્યું છે એવું મે કહ્યું એટલે જ્યોતીન્દ્ર હસ્યો. તેણે કહ્યું :

‘બસ, એટલું જ તારે કહેવાનું બાકી હતું. મેજિસ્ટ્રેટ આગળ જઈને કબૂલાત આપી આવજે.'

'પણ પછી મારું શું થશે તેની ખબર છે ?' મેં ચિડાઈને પૂછ્યું.

'તને ફાંસીની સજા મળશે ! આપણો બુદ્ધિહીન કાયદો જંગલી જાતો જેટલો જ સુધરેલો છે, તે જીવને સાટે જીવ માગે છે.'

'તને પોલીસ કંઈ પગાર આપે છે ?'

'ના.'

‘ત્યારે તું આ બધામાં કેમ પડ્યો છે ? તારા મિત્રનો જાન લેવાને જ ને?'

'તું નથી જાણતો કે મને ગુનાઓની શોધખોળનો શોખ છે ? બસ, મને આ કામમાં મજા પડી એટલે હું રોકાયો.'

‘મૈત્રી તો તેં સારી સાચવી. સહાય કરવાને બદલે તું મને જ હોમે છે. તું આવો મિત્રદ્રોહી હોઈશ એ મેં જાણેલું જ નહિ.’

‘જો ભાઈ ! બધા ગુનેગારો મારા મિત્ર છે. દરેક ગુનેગારને ગુનો કરવા માટે સબળ કારણ હોય છે, એટલે કોઈને પણ સજા થાય એથી હું તદ્દન વિરુદ્ધ છું. ગુનેગાર કાં તો માબાપનો અનિષ્ટ વારસો મેળવે છે, કાં તો ગુનાના સંજોગોમાં ઊછરે છે, અગર એવી સ્થિતિમાં મુકાય છે, કે તેને ગુનો કર્યા વગર ચાલતું જ નથી. એટલે એકેય વખતે ગુનેગાર પોતાના ગુના માટે જવાબદાર ગણી શકાય નહિ. પરંતુ આપણો જડ કાયદો અને કાયદાને ચેતન આપનાર પેલા જાદુગર વકીલો ક્યાં એમ માને છે ?’

‘ઠીક; એ બધું તું તારાં પુસ્તકોમાં લખજે. અને છપાવે ત્યારે તારા મૃત મિત્રને અર્પણ કરજે. પણ હવે મારે શું કરવું તે કાંઈ કહીશ ?’

‘ખાવું પીવું અને મોજ કરવી.' તેણે જવાબ આપ્યો. આ હૃદયહીન મિત્ર માટે મને એવો તિરસ્કાર આવી ગયો કે તેણે આપેલી પિસ્તોલ તરફ મારું ધ્યાન ગયું. શા માટે ચાલતી મોટરે તેના લમણામાં એક ગોળી ન મારું ? પરંતુ મને તત્કાળ વ્રજમંગળા યાદ આવ્યાં, તેમની ઘણી ઘણી મહેમાનગીરી અને ભાવ યાદ આવ્યાં. એટલામાં જ્યોતીન્દ્રે કહ્યું :

‘કેમ, પિસ્તોલ નથી મારવી ?’

હું ખરેખર ચમક્યો. મારું હૃદય ધડકધડક થવા લાગ્યું; વિચાર વાંચવાની શક્તિ પણ જ્યોતીન્દ્રમાં આવી જ્વલંત હતી, એવો કદી પણ મને ખ્યાલ નહોતો. પરંતુ મેં મારા વિચારો જણાવ્યા નહિ અને વધારે ખોટું લગાડવાનો ડોળ કરી મેં તેને પિસ્તોલ પાછી આપવા માંડી.

‘લે ભાઈ ! તારી પિસ્તોલને મારે શું કરવી છે ? તને વળી મારા ઉપર વહેમ આવ્યો ! એવું શા માટે ? એકને બદલે બે ખૂન તું મારે માથે ઓઢાડે એમ લાગે છે.' મેં પિસ્તોલ આપતાં કહ્યું.

‘જે વખતે મેં તને કહ્યું તે વખત પિસ્તોલ મારવાના વિચારમાં તું ન હોય તો તું કહે તેટલી રકમ હારી જાઉ, માત્ર બંસરીના સોગન ખાવા પડશે.' જ્યોતીન્દ્રે કહ્યું. પણ તેણે પિસ્તોલ લીધી નહિ.

મારું મકાન પાસે આવતું હતું. મેં કહ્યું : ‘મારે કશું કહેવું નથી, કોઈના સોગન ખાવા નથી અને શરત બકવી નથી. મને મારે ઘેર પહોંચાડ એટલે બસ.’

મારું ઘર આવતા મોટર ઊભી રહી. જ્યોતીન્દ્રે કહ્યું : ‘જો સુરેશ ! તારે અહીં ન ઊતરવું હોય તો મારે ત્યાં ચાલ, ત્યાં જમજે. એકલાં તને ગમશે નહિ. પણ પાછો તું કહીશ કે મારા પહેરામાં તને રાખવો છે માટે આગ્રહ નથી કરતો.'

‘મને એકલો જ રહેવા દે. તારી સોબત આજે હવે બહુ થઈ.’ એટલું કહી હું નીચે ઊતર્યો. મોટર ઝડપથી ચાલી ગઈ.

હું એકલો પડ્યો. ધીમે ધીમે મારા ઘરમાં મેં પ્રવેશ કર્યો. જે ઘરમાં લાખો રૂપિયાની લેવડદેવડ થતી હતી, તે ઘરમાં અનેક નોકરો અને મિત્રોની ગિરદી રહેતી, જે ઘરમાં આજે હું એકલો જ હતો. એક નોકર, એક રસોઇયો, થોડું ગીરો મૂકેલું ફર્નિચર અને ગીરો મૂકેલું મોટું મકાન, એટલું જ માત્ર મારી જાહોજલાલીના અવશેષ રૂપ હતું. બે-ચાર મિત્રો માટે શુભ લાગણી ધરાવતા હતા. તેઓ મારે ત્યાં વખત બેવખત આવતા. જ્યોતીન્દ્ર મારી સારી સ્થિતિ વખતે બહુ જણાતો નહિ; મારી દેવાદાર સ્થિતિમાં તે ઘણી વખત આવતો, એટલું જ નહિ પણ મને તેને ઘેર ઘણુંખરું બોલાવતો. ગરીબીમાં રહેલા એ થોડા મિત્રો પણ મારી ગુનેગારની સ્થિતિમાં ખસી જશે એમ મારી ખાતરી થઈ. તેમાંયે જ્યોતીન્દ્રના વલણની તો ખબર પડી જ ગઈ. આવા સમયમાં એક ખૂની તરીકે ગણાતા ગરીબ માણસની સહાયે કોણ ઊભું રહે ? આવા વિચારમાં મશગૂલ થઈ મેં મારી ઓરડીમાં પ્રવેશ કર્યો. સામે બંસરીની છબી હતી. એ છબી એટલી જીવંત હતી, અને બંસરીનું સૌંદર્ય એટલું આબેહૂબ રીતે વ્યક્ત કરતી હતી કે એક ક્ષણ તો તેનું ખૂન થયાની વાત હું ભૂલી જ ગયો. ‘હું તો આ રહી !’ એમ જાણે બંસરી જ કહેતી ન હોય, એવો ભાસ છબી આપતી હતી.

‘ભાઈ ! આજ તો ચા પણ પીધી નથી !’ પાછળથી અવાજ આવ્યો. મારો રસોઇયો મારી પાછળ ઊભો હતો. ગમે એટલા ધોતિયાં અને સાબુ પૂરો પાડવા છતાં અમુક ઢબની મેલાશ અને કાળાશ ધોતિયા ઉપર સતત રહી શકે છે એમ દુનિયાને પુરવાર કરનાર આ ઋષિમુનિના આ અર્વાચિન પ્રતિનિધિના કાળાશ પડતા દેહ ઉપર ધોતિયું અને જનોઈ એ જ બે સૂતરવણાટની કારીગરી દેખાતી હતી. ત્રિપુંડ તેમનું ધાર્મિકપણું સ્પષ્ટ કરતું હતું. પંચાવન વર્ષની ઉમરમાં ત્રણ વખત તેઓ લગ્ન કરી ચૂક્યા હતા; પાંચેક વર્ષ ઉપર થયેલું તેમનું છેલ્લું લગ્ન તો મને પણ યાદ છે. તેમના કાર્યમાં વેદાંતની છાપ પડી રહેલી હતી. તેમનો આનંદ પણ મર્યાદિત અને તેમનો શોખ પણ મર્યાદિત રહેતો. તે લાંબા વખતથી મારી પાસે રહેતા હતા, અને જ્યારે એક કરતાં વધારે રસોઇયા હું રાખતો ત્યારે તેઓ બીજા રસોઇયા તેમ જ નોકરો ઉપર મુકાદમી કરતા. બીજા બધા માણસો ચાલ્યા ગયા, પરંતુ તેઓ મને વળગી રહ્યા હતા, ને મારે માટે ખાસ કાળજી રાખી અડધો માતાનો અને અડધો પત્નીનો સંતોષ આપવા તેઓ તત્પર રહેતા.

‘જ્યોતિને ત્યાં ચા પી લીધી છે.' મેં જવાબ આપ્યો.

‘બીજી તૈયાર કરતાં વાર નહિ લાગે. પાણી તૈયાર છે.'

‘નહિ ભાઈ ! મારે તો જમવું પણ નથી.’

‘અરે, એ તે કંઈ ચાલે ? આજે તો તમને ભાવતું સરગવાની શિંગોનું શાક કર્યું છે.’

‘શાકને જહન્નમમાં નાખો. મને હમણાં બોલાવશો નહિ.’ માનવજાતને ભૂલ કરતી જોઈ જેમ કોઈ સર્વજ્ઞ દેવ હસે તેમ હસીને ગંગારામ બોલ્યા :

‘ભાઈ ! દુનિયામાં બધા વગર ચાલે પણ ખાધા વગર ચાલે જ નહિ ! ખોરાકની રુચિ રહે ત્યાં સુધી જીવ ટકે જો એ રુચિ ઘટી તો આવરદા ઘટવા માંડી સમજો.'

ગંગારામની આ ખોરાકમીમાંસા સાંભળવાની મારામાં ધીરજ નહોતી. મેં કહ્યું :

'બહુ થયું હવે, ગંગારામ ! જા મને એકલો પડી રહેવા દે. મને ભૂખ લાગશે એટલે તને બોલાવીશ.’

'પણ ભાઈ...’ ગંભીરતાથી વ્યાખ્યાન શરૂ રાખતાં ગંગારામ બોલ્યો.

‘પણ ને બણ કશું નહિ, હમણાં જા અહીંથી !’ મેં તેને તુચ્છકારથી કહ્યું. લાંબા સમયથી રહેતા નોકરો - અને ખાસ કરી વધતી જતી ઉમરવાળા નોકરો બહુ ઝડપથી આપણું મુરબ્બીપણું ધારણ કરી લે છે; અને તે આપણને ગમે કે ન ગમે, તેની સામે આપણે વાંધો લઈએ કે ન લઈએ, તોપણ પોતાના મુરબ્બીપણાના હક્ક ભોગવ્યે જ જાય છે. જૂના નોકરોને અને ઊછરતાં છોકરાંને ભાગ્યે જ બને છે.

'જુઓ માણસજાત છે એટલે દુઃખ તો થાય. હું તો આપના લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પણ ભાવિ આગળ આપણું શું ચાલે ? આ મારે બૈરાં ગયાં તે દુઃખ નહિ થયું હોય ? પણ કરવું શું ? એમની પાછળ કંઈ મરી જવાય ? જીવને ક્લેશ થાય, જનાર માણસ સાંભરે, પણ જરા ધીરજ રાખી તો આ ત્રીજી વાર પણ ઠેકાણું પડ્યું. એટલે આમ હારી જવાથી કાંઈ વળે નહિ. તમે તો હજી બાળક છો.’ ગંગારામે મને જીવનનું રહસ્ય સમજાવ્યું.

ગંગારામને હસી કાઢવાનો મારો ઈરાદો નથી. એની ફિલસૂફીમાં શું ખોટું હતું ? માનવીનું સામાન્ય જીવન શું એ ક્રમથી ગોઠવાતું નથી ? ગંગારામ કરતાં વધારે સંસ્કારી માનવો પણ જીવનને બીજી કઈ નીતિ ઉપર ઘડે છે ? છતાં મને જરા હસવું આવ્યું. મને ગંગારામ સાથે વાત કરવાની ઇચ્છા થઈ આવી. હું એકલો પડતો ત્યારે ઘણી વખત ગંગારામની વાતો સાંભળતો. કેટકેટલા મોટા માણસોને ત્યાં તેણે નોકરી કરી હતી. કેટકેટલી ‘બા’ઓને એણે પોતાની કળા વડે ખુશ કરી નાખી હતી. રસોઈસંબંધી ઝીણામાં ઝીણા કોયડા ઉકેલવામાં તેને કેવી બુદ્ધિ અને યુક્તિ વાપરવી પડી હતી; કેટલા સર્ટિફિકેટ તેણે મેળવ્યાં હતાં, અને હજી પણ કૃષ્ણ વગર જેમ ગોપકુટુંબો તલસતાં હતાં તેમ રસોઇયા ગંગારામ વગર કેટલાં કુટુંબો ઝૂરી મરે છે, તે સંબંધે ઘણી માહિતી ગંગારામ મને આપતો. જ્યોતીન્દ્રથી છૂટો પડ્યો ત્યારે મારા હૃદયમાં અસહ્ય વેદના થતી; આ ગંગારામની વાતે મારા હૃદયને ક્ષણભર હલકું કર્યું. મેં પૂછ્યું :

‘અલ્યા. ગંગારામ ! તું ત્રણ વાર પરણ્યો એ તો જાણે ઠીક; પણ પચાસ વર્ષે તું શી રીતે પરણી શક્યો ?’

‘કેમ ? એમાં શું ?' પચાસ વર્ષે શા માટે ન પરણી શકાય, તે ગંગારામની સમજમાં આવ્યું નહિ.

'પચાસ વર્ષ એ કાંઈ નાની ઉમર કહેવાય ?' મેં પૂછ્યું.

‘કેમ નહિ ! માંહ્યમાંહ્યથી લોકો સાઠ સાઠ અને સિત્તેર સિત્તેર વર્ષે પણ પરણે છે. આ લ્યો ! તમારા સુધારાવાળા કહેશે કે નાની ઉંમરે ન પરણશો અને મોટી ઉંમરે ના પરણશો. ત્યારે પરણવું ક્યારે ?’ ગંગારામને પચાસ વર્ષની ઉંમર મોટી કહેવાથી ખોટું લાગ્યું જણાયું. પચાસ વર્ષના થયા સિવાય એ અપમાનનું રહસ્ય સમજી શકાય એમ નથી.

મેં કહ્યું : ‘એ તારો પ્રશ્ન ભારે છે. પરણવું ક્યારે ? પ્રશ્નનો છેલ્લો જવાબ હજી મળ્યો નથી. મને ગૂંચવણ એટલી જ થાય છે કે તારી વહુ જેવી નાની ઉમરની પત્ની તને કેમ કરી મળી શકે.'

'ના ના ભાઈ ! એમાં જરાકે ગૂંચવણ જેવું નથી. મારી બ્રાહ્મણની ઊંચી જાત, તેમાંયે અમે કુળવાન, એટલે કન્યાનો તોટો નહિ. અને વળી બૈરાં વગરની એકલી દુ:ખી જાત જોઈને દયાયે આવે ને ?’ ગંગારામે કારણ જણાવ્યું.

લગ્નને માટે ઘણાં ઘણાં કારણો હોઈ શકે છે. જરૂરિયાત, જુલમ, પૈસો : એ બધાં કારણો માની પણ શકાય. તથાપિ દયાને ખાતર લગ્ન થઈ શકે એ મારા માનવામાં કદી આવ્યું નહોતું !

‘ત્યારે હવે જમવાનું તૈયાર કરું ?’ ગંગારામે પૂછ્યું.

'હા ભાઈ, હા ! જા, માથું ન ફોડ.' મેં કહ્યું.

'આપ ગયા તે વખતે ચંદ્રકાન્ત આપને મળવા આવ્યા હતા.’ જતાં જતાં ગંગારામે કહ્યું.

'અને કહ્યું કે બપોરે આવીને તમને બોલાવી જશે.’

'ઠીક.' ‘અને તમે બહુ ચિંતામાં ન પડશો એમ કહેતા ગયા છે.’

'વારુ.'

‘અને...’

‘હવે બસ કર. જા, તારું “અને અને” મારે સાંભળવું નથી; હું સમજી ગયો.’

ગંગારામ જરા પણ નાખુશ થયા વગર ચાલ્યો ગયો. મેજ ઉપર કેટલાક કાગળો પડ્યા હતા તે તરફ મારું ધ્યાન ગયું. આજની ટપાલ જોઈ જ નહોતી; ટપાલ જોવાની બહુ વૃત્તિ પણ નહોતી. ઘણુંખરું લેણદારોની ઉઘરાણીઓ અને સંબંધીઓના ઠપકા સિવાય કાગળોમાં હાલ કાંઈ વિશેષ આવતું નહિ. એટલે ઈંતેજારીથી કાગળો વાંચવાના હતા જ નહિ. તથાપિ બીજા કાર્યને અભાવે અને પડેલી ટેવને લીધે ટપાલના કાગળો જોવા માંડ્યા.પ્રથમ તો સિરનામાં વાંચવા માંડ્યાં. ત્રણ, ચાર કાગળો જોયા અને પાંચમો કાગળ જોતાં જ હું એકાએક ચમકી ગયો.