બંસરી/મિત્રોની વચમાં
← પત્ર | બંસરી મિત્રોની વચમાં રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
અણધાર્યો અકસ્માત → |
મુજ સુખદુઃખ હિંડોળે અથવા
ઊતરતો એ કેવલ રોના
રોઈ રોઈ હળવું કરતો એ દિલ.
ઓ મારા કોકીલ!
બળવંતરાય
મને સુધાકરે મોકલેલો પત્ર કોરો હતો. કોરો હોય કે લખેલો, પરંતુ જ્યોતીન્દ્રે શા માટે મારા કાગળને અડકવું જોઈએ ? કોઈના પણ પત્રને તેની રજા વગર લેવો એ તેને ભારે અપમાન આપવા બરોબર છે. સુધાકરે જ્યોતીન્દ્રને બોલાવ્યો. બંને વચ્ચે એક પ્રકારનો તિરસ્કાર નહિ તો ઉદાસીનતા તો હતી જ. સુધાકરને જ્યોતીન્દ્ર ગમતો નહિ અને જ્યોતીન્દ્રને સુધાકર ગમતો નહિ, છતાં મારે લીધે બંને વચ્ચે આછો મૈત્રીનો ભાસ ટકી રહ્યો હતો. જ્યોતીન્દ્ર પોલીસનો માણસ છે, સરકાર તેને પૈસા આપી પોતાના જ દેશી ભાઈઓને ગરદન મારવામાં તેનો ઉપયોગ કરે છે. તેનો ક્ષણ પણ ભરોંસો રાખી શકાય નહિ, એવી માન્યતા સુધાકર વારંવાર મારી આગળ રજૂ કરતો. જ્યોતીન્દ્ર સુધાકરની વિરુદ્ધ કાંઈ કહેતો નહિ, પરંતુ વખતોવખત તેના ઉદ્ગારો ઉપરથી સુધાકર માટે તેનો અભિપ્રાય સારો નહોતો એટલું તો સ્પષ્ટ જણાતું. અત્યારે તો જેને મેં દુશ્મન માન્યો હતો એ જ સુધાકર મારી કુમકે ઊભો હતો, જ્યારે મારો પરમ મિત્ર જ્યોતીન્દ્ર મારા દુશ્મનોના ટોળામાં ભળી ગયેલો લાગતો હતો. જ્યોતીન્દ્રને માટે સુધાકરે દર્શાવેલા અભિપ્રાયો ખરા પડતા હતા.
‘તું ક્યાંથી ? બેસ.' સુધાકરે જ્યોતીન્દ્રને બેસાડ્યો.
‘મારે કામધંધો શો ? આમથી આમ ફર્યા કરવું !' જ્યોતીન્દ્રે પેલો કાગળ હાથમાં ફેરવતાં કહ્યું.
‘તારો ધંધો તો જાણીતો છે.' સહજ તિરસ્કારથી સુધાકરે કહ્યું.
‘સવારનો મને તેના પહેરામાં રાખીને ફરે છે.' મેં કહ્યું. ‘અત્યારે તો જરા એકલો મૂકવો હતો !’
‘તને એકલો મુકાય એવી સ્થિતિ જ નથી ને !’ જ્યોતીન્દ્ર બોલ્યો. ‘આ તારો કાગળ તે વાંચ્યો ?’
‘મારો કાગળ મેં વાંચ્યો કે નહિ તેની તારે દરકાર શા માટે કરવી પડે?’ મેં સામો પ્રશ્ન પૂછ્યો.
‘દરકાર કરવા જેવો કાગળ છે માટે.’
કાગળ કોરો જ હતો એમ મારી ખાતરી હતી. પછી એમાં જ્યોતીન્દ્ર શા માટે દરકાર રાખવી જોઈએ, એમ વિચાર કરી મેં કાગળ પાછો માગ્યો:
‘મારો કાગળ મને આપી દે.'
મારી તેમ જ સુધાકરની સામે જોઈ, જરા હસી, તેણે પરબીડિયાની અંદરથી કાગળ છૂટો કરી વાળેલી ગડી ઉકેલી પરબીડિયું તેમ જ કાગળ મારા હાથમાં મૂક્યાં.
‘લે, તારો કાગળ. વાંચ્યો ન હોય તો ફરી વાંચી જો.' કાગળ કોરો હોવાને બદલે તેમાં અક્ષરો લખેલા મેં દીઠા, હું આશ્વર્યમાં ગરકાવ બની ગયો. પરબીડિયું એનું એ જ હતું. કાગળ પણ એ જ હતો. માત્ર મેં ખોલ્યો તે વખતે તે કોરો હતો. અને જ્યોતીન્દ્રે મને આપ્યો ત્યારે તેમાં અક્ષરો જોયા !
‘આ જ કાગળ તું મારે ત્યાંથી લાવ્યો ?' મેં જ્યોતીન્દ્રને પૂછ્યું.
‘એ જ, એ જ કાગળ ! મને લાગ્યું કે ઉતાવળમાં તારાથી તે પૂરો વંચાયો નહોતો એટલે હું તેને લેતો આવ્યો. મારે સુધાકરને મળવું હતું.’ જ્યોતીન્દ્રે જવાબ આપ્યો.
‘મને શા માટે મળવું હતું ?’ સુધાકરે જ્યોતીન્દ્રને પૂછ્યું.
‘તારી સલાહ લેવી હતી. સુરેશનો કેસ નવીનચન્દ્રને સોંપીશું કે બીજા કોઈને ?’ જ્યોતીન્દ્રે સલાહ લીધી. કદાચ તે જાણતો તો નહિ હોય એમ મને શક પડ્યો.
‘તારા કહેતાં પહેલાં મેં એ તજવીજ કરી દીધી છે, અને નવીનચન્દ્રને જ મેં રોકી લીધા છે. એવા સારા વકીલ વગર કશું બને નહિ.’ સુધાકરે કહ્યું.
‘શાબાશ ! ખરે વખતે જો કામ ન લાગે તો દોસ્તીનો અર્થ શો ?’ જ્યોતીન્દ્રે જણાવ્યું. તેમાં ગુપ્ત ઢબની ટીકા સમાઈ હોય એમ મને લાગ્યું. પરંતુ એની બોલવાની ઢબ ઘણુંખરું કટાક્ષમય જ રહેતી, એટલે તે તરફ મેં વિશેષ ધ્યાન આપ્યું નહિ.
'તેં મારી વિરુદ્ધ સુરેશને ભંભેરવામાં બાકી નથી રાખી હોં ?’ સુધાકરે કહ્યું.
'તને એવું લાગ્યું હશે; બાકી એમ મેં કદી કર્યું નથી. પૂછી જો સુરેશને ! નવીનચંદ્રની ફી વિષે કાંઈ ઠરાવ્યું કે નહિ ?’ વાત બદલતાં જ્યોતીન્દ્રે પૂછ્યું.
‘તેનો તને શો ઊંચો જીવ ? તારે ફી આપવાની છે ?’ સુધાકરે પૂછ્યું.
‘થોડો ભાગ આપું પણ ખરો.'
જ્યોતીન્દ્રની સાથે થતી વાતચીત અટકાવી સુધાકરે મારી સાથે બીજી વાત શરૂ કરી. જ્યોતીન્દ્રની જરૂર આ સ્થળે બિલકુલ નથી એમ દેખાડવા મેં તેમ જ સુધાકરે બનતો પ્રયત્ન કર્યો. અમે ન છૂટકે જ તેના તરફ સહજ લક્ષ આપતા. પરંતુ જ્યોતીન્દ્રે ઊઠવાનો જરા પણ વિચાર કર્યો નહિ, તેણે તો એક મોટું પુસ્તક હાથમાં લઈ હીંચકા ઉપર બેસી વાંચવા માંડ્યું. જાણે અમારી વાતચીતની પરવા જ ન હોય તેમ પુસ્તકમાંથી તે આંખ ખસેડતો જ નહિ. એને ચાલ્યા જવા કહેવું એ તો અમારા બંનેમાં કોઈથી બને એમ નહોતું.
વાતમાં ને વાતમાં મારાથી કાગળ તરફ જોવાયું નહોતું. બપોર થઈ ગયા હતા; ચારેક વાગ્યાનો શુમાર થયો હશે. સુધાકર ચાની તજવીજ કરવા માટે ઊઠ્યો, એટલે મેં કાગળ વાંચ્યો :
'સુધાકર !
“આજે ગમે તેમ કરી રાતના નવ વાગે એને સાથે લઈને આવજે. તેમ નહિ બને તો બધી વાત મારી જશે. મેં તને પહેલાં કહ્યું હતું તે જ પ્રમાણે કરવાનું છે, એ હું આ ચિઠ્ઠીથી તને જણાવું છું.”
હીંચકા ઉપર બેઠેબેઠે જ્યોતીન્દ્ર પુસ્તકમાંથી મારા તરફ જોતો હતો. આ પત્રનો લખનાર કોણ હતો તે જણાતું નહોતું. શાહી પણ કાંઈ લાલ રંગની વિચિત્ર પ્રકારની હતી.
જ્યોતીન્દ્ર હીંચકેથી ઊઠી ધીમે રહી મારા તરફ આવ્યો, અને બોલ્યો:
‘કેમ ? કાગળ તો કોરો હતો ને ?’
‘હા, મારા ઉપર આવેલો આ કાગળ ન હોય !’ મેં કહ્યું.
એ જ છે, એ જ શાહી પરખાતી નથી ? કોરો કાગળ હતો ત્યારે જરા એટલું તો સમજવું હતું કે એને તાપમાં ધરીએ ? દેવતા સામે ધરતાં આ લખાણ ઊઘડી આવ્યું છે. લાવ હું મૂકી દઉં.’
વિસ્મય પામી બીજો કશો જ વિચાર કર્યા વગર મેં કાગળ જ્યોતીન્દ્રના હાથમાં મૂકી દીધો. તેણે સુધાકરના મેજ ઉપર એક સ્થળે એ કાગળ ગોઠવી દીધો. મેજ આગળથી ખસતા બરોબર સુધાકરે ઓરડામાં પ્રવેશ કર્યો. તેને લાગ્યું કે જ્યોતીન્દ્રે મેજ ઉપર કાંઈ ગરબડ કરી હશે, જ્યોતીન્દ્રના તરફ શકભરી નજરે તેણે જોયું. તત્કાળ જ્યોતીન્દ્રે કહ્યું.
‘ચાલો, હવે હું જઈશ. તમારી વચમાં હું આવતો હોઉં એમ લાગે છે.'
'ચા પીને જા.'
ચા પીતે પીતે થોડી વાર તો કોઈ કાંઈ બોલ્યું નહિ. જ્યોતીન્દ્ર સુધાકરના મુખ તરફ જોયા કરતો હતો. તે એકાએક બોલી ઊઠ્યો :
‘સુધાકર ! સુરેશને માટે એકદમ આવો ભાવ તને ક્યાંથી આવી ગયો ?'
‘એના તરફનો મારો ભાવ આજનો નથી; તારે પૂછવું પડે એ જ નવાઈની વાત છે.' સુધાકરે કહ્યું.
‘તારે લીધે એને ખોટ આવી; એની મિલકતનું તારે લીધે લિલામ થયું; ને આજે જ એને માટે વકીલ રોકવા જેવી ઉદારતા તારામાં ક્યાંથી ઊભરાઈ આવી ?’
'મારે લીધે એને ખોટ ગઈ, મારે લીધે એણે મિલકત ગુમાવી, એ બધું ખરું, પરંતુ એ તો બોલની લડાઈ હતી. મર્દોની લડાઈ હતી. મિત્રોની આજુબાજુએ ફરી તેમનાં કાર્યોની ચાડી પોલીસને ખાવા જેવું એ કામ નહોતું. લડ્યા છતાં અમારી લાગણી ઓછી થતી નથી.' ઉશ્કેરાઈને સુધાકર બોલ્યો. જ્યોતીન્દ્રને ઉદ્દેશીને તેણે જે બોલ કહ્યા હતા તેની અસર જ્યોતીન્દ્રના ઉપર કેવી થાય છે તે મેં જોવા માંડ્યું. જ્યોતીન્દ્રના મુખ ઉપરની એક રેખા પણ બગડી નહિ. તેણે ચા પીતે પીતે સુધાકરના કથનને સંમતિ આપી.
‘એ તેં ઠીક કહ્યું. પોલીસ આગળ ચુગલી ખાનાર બદમાશોને સજા થવી જોઈએ.’
થોડી વારે તે ઊઠીને ચાલતો થયો. મેં પણ સુધાકરને જણાવ્યું કે ચંદ્રકાંતને મળવા માટે મારે જવાનું છે. સુધાકરે સાથે આવવા ઇચ્છા દર્શાવી.
'મેં પણ એને બહુ દિવસથી જોયા નથી, અને આપણે આજથી જ નવીનચન્દ્રને મળી લઈએ.’
‘નહિ; ચંદ્રકાંતને ત્યાં હું એકલો જઈશ. આપણે વકીલને ત્યાં ભેગા થઈશું.' મેં કહ્યું.
મને પેલા કાગળની સમજ પડી નહોતી એટલે આજે બધા જ તરફ મને અણગમો આવ્યો હતો. સુધાકરે કાંઈ વાંધો બતાવ્યો નહિ અને હું એકલો ચાલી નીકળ્યો. ચંદ્રકાંતને ઘેર જતાં ચંદ્રકાંત ઘરમાં નહોતો એવી ખબર મળી. તે ક્યાં ગયો હતો તેની પૂછપરછ કરતાં તે મારે ઘેર ગયો હતો. એવા સમાચાર મળ્યા. ટેલિફોનથી મેં પુછાવ્યું તો તે મારે ઘેરથી હમણાં જ ચાલી નીકળ્યો હતો એવી બાતમી મળી. વકીલને ત્યાં રાત્રે જવાનું હતું. નવીનચંદ્ર ફોજદારી કામમાં એક્કા ગણાતા હતા; તેમની ફી અતિશય ભારે હોવા છતાં તેમને ત્યાં એટલા બધા કેસો આવતા કે તેમને દિવસરાત જરા પણ ફુરસદ મળતી નહિ. તેઓ કામથી ઘણા કંટાળેલા હોવાને લીધે સાંજે એક કલાક્ ફરવા જતા. મારે હવે કાંઈ કામ નહોતું. સગાંવહાલાંમાં મારે માત્ર એક બહેન હતી, તે પરગામ રહેતી હતી. તેને બોલાવવા માટે મેં તાર કરી દીધો. કારણ,આ સ્થિતિમાં એકલા રહેવું મને અતિશય ભારે લાગવા માંડ્યું. કઈ ક્ષણે પોલીસ મને પકડશે તેનો ભરોસો નહોતો. સંધ્યાકાળ પડવા આવી હતી. શહેર બહારના એક એકાંત રસ્તા ઉપર મેં ચાલવા માંડ્યું. લોકોની અવરજવર આ સ્થળે ઘણી જ ઓછી હતી, તથાપિ મને ઓળખી ઓળખાવનાર માણસો નીકળી આવતા હતા એમ મને લાગ્યા કરતું. મારા તરફ ફરતી દૃષ્ટિ અને આંગળીની સંખ્યા ગણતાં હું હવે ગામમાં જાણીતો થઈ ચૂક્યો હતો જ એમ મારી ખાતરી થઈ.
વર્તમાનપત્રોની ભૂખ ખૂનના સમાચાર વગર હોલવાતી નથી, એવા ઉત્તેજક સમાચારને વધારનાર રોજિંદા છાપાએ ખબર બહાર પાડી દીધી હતી. અને રોજિંદા નહિ હોય એવાં પત્રોએ ખાસ વધારો છાપી બંસરીના ખૂનની હકીકત જગજાહેર કરવામાં પૂરતી સહાય આપી હતી. ફેરિયાઓ બૂમ મારતા હતા:
‘ખૂન ! ભેદી ખૂન ! એક જાણીતી બાઈનું ગુમ થવું ! ભેદનો પત્તો ! પકડાવાની અણિ ઉપર આવેલો ખૂની ! પોલીસની ધરપકડ ! એક આગેવાન શહેરી ઉપર શક !’
આમ જાતજાતની ઉત્તેજક વાણી વડે આ સમાચાર સર્વશ્રુત બનતા મેં એક ફેરિયાને બોલાવ્યો. તે આવ્યો અને તેની ઊંચા સ્વરની ભાષામાં જ બોલ્યો :
'લ્યો સાહેબ ! બંસરીનું ખૂન ! બબ્બે દોઢિયાં !’
મેં બે દોઢિયાં આપીને ‘બંસરીનું ખૂન’ લીધું. ખૂનમાં સંડોવાયેલ એક આગેવાન શહેરી !’ એમ બૂમ પાડી ફેરિયો આગળ વધ્યો. હું અહીંનો શહેરી તો હતો જ; પરંતુ હું આગેવાન છું એમ મેં આજે જ જાણ્યું. બહુ રસભરી ભાષાના સૂચન ઉપરથી મારો દોષ જણાઈ આવે. પરંતુ ખુલ્લી ભાષામાં કશું બંધન ન નડે એવી શૈલીમાં ખૂન સંબંધી વિગતવાર માહિતી આપી હતી. રસ્તાની જ બાજુએ એક મેદાન લોકોને ફરવા માટે ખુલ્લું હતું. ત્યાંની એક બેઠક ઉપર બેસી મેં વર્તમાનપત્ર વાંચવા માંડ્યું.
'...લોકવાયકા અને સગાંવહાલાંની માન્યતા એવી છે કે પ્રથમ ધુરંધર વ્યાપારી પરંતુ હાલ લગભગ નાદાર સ્થિતિમાં આવી ગયેલા સુરેશનો આ ખૂનમાં કાંઈ ન સમજાય એવો હાથ છે. તેમનું લગ્ન બંસરી સાથે થવાનું હતું પરંતુ સટ્ટા વગેરેમાં પૈસા ગુમાવનાર અવિચારી યુવાનની સાથે થતો સંબંધ અટકાવવા બંસરીનાં હિતસ્વીઓએ લીધેલાં પગલાં વાસ્તવિક નહોતાં એમ કહેવું મુશ્કેલ છે. તેમણે બંસરીનું લગ્ન બીજે કરવાનો નિશ્ચય કર્યો. એટલામાં અકસ્માત ગઈ રાતે તેનું ખૂન થયાના સમાચાર પોલીસને મળ્યા. બંસરીનું લગ્ન બીજે થવાનું સાંભળી સુરેશે ખૂન કરવાની ધમકી આપી હતી એવો પુરાવો પોલીસને મળ્યાનું કહેવાય છે. એમાં કેટલું સત્ય છે એ તો મુકદ્દમો ચાલ્યે જણાઈ આવશે. તથાપિ સંજોગો જોતાં આ સાહસિક યુવાન ઉપર સહુનો શક જાય છે, એમાં સંશય નથી. એક બાહોશ ડિટેક્ટિવની પણ પોલીસે સહાય લીધી છે. પરંતુ તેને ફોડી નાખ્યાની વાત પણ લોકોમાં ઊડી છે. પ્રસંગ ઘણો ભેદભર્યો છે. પ્રેમ અને ખૂનનું આ નાટક કેવી રીતે ભજવાયું તેનો પડદો હજી ખૂલ્યો કહેવાય નહિ...'
વાંચતાં વાંચતાં મારો ગુસ્સો હાથમાં રહ્યો નહિ. દાંત કચકચાવી મેં આ પત્રને ચૂંથી નાખી જમીન પર પટક્યું. બેઠક પર બેઠેલા એક ગૃહસ્થે પૂછ્યું:
‘સુરેશ તમે જ; ખરું ને ?’