બાપજી પાપ મેં
નરસિંહ મહેતા


બાપજી પાપ મેં, કવણ કીધાં હશે, નામ લેતાં તારૂં નિદ્રા આવે;
ઉંઘ આલસ્ય, આહાર મેં આદર્યો, લાભવિના લવ કરવી ભાવે. બાપ.
દિન પુંઠે દિન તો વહી જાય છે, દુરમતિનાં મેં ભર્યાં રે ડાલાં;
ભક્તિ ભૂતલ વિષે નવ કરી તાહરી, ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં બાપ.
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં, ભીડભંજન તારૂં નામ સાચું;
ફરિ ફરી વરણવું, શ્રીહરિ તૂજને, પતિતપાવન તારું નામ જાચું. બાપ.
તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા, કળ અને વિકળનું બળ ન ફાવે;
નરસૈંયા રંકને, ઝંખના તાહરી, હેડ બેડી ભાગો શરણ આવે બાપ.