← વાણિયો ખેડે વેર બાપુનાં પારણાં
લાડકડો વર
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
ધૂણી બળે →



લાડકડો વર

બહુ કોડ કુમાર જુવાન થયા,
નહિ ઘંટી છોડાવણહાર થયા,
હવે હાલી શકે નહિ હાયડીઆ;
ગ્રહી માતની વાત વિચાર કરી,
વરરાજ હજાર તૈયાર થયા;

સૂણી માંડવડાની જ્યાં સામગરી,
લગનો લખીઆ પછી નાશી ગયા. ૫

વરવા તણાં ભીષમ નીમ ગ્રહ્માં,
એણે માતહિતે બહુ દુઃખ સહ્યાં,
એનાં હાડ ને ચામ ઘસાઈ રહ્યાં;
બળતી દળતી જોઈ માવડલી,
એના આતમને સળગાવી રહ્યાં;
જણનારીના માનને કારણીએ,
ન સહાય એવાં અપમાન સહ્યાં. ૧૦

વર તેત્રીશ ક્રોડનો તારક છે,
ભુવભાર અપાર ઉતારક છે,
સતધારક પાપસંહારક છે;
નિજ શીશનું શ્રીફળ હાથ લીધું;
શરણાઈ ને ઢોલના શોર થયા;
પતિતો તણો પાવન આ નવશા,
પછી પીઠીનાં કેશરીયાં કરીઆં. ૧૫

એને પોંખણ કાળ તણા ગણ છે,
એનો માંડવડો તો મહારણ છે,
તલવાર તણાં એને તોરણ છે;

જાનીવાસ તણા એ ઉતારા તણી
મહેમાનીમાં જેલ તણાં ઘર છે;
લલકારો એનાં સહુ ગીતડીઆં,
હિંદમાતનો લાડકડો વર છે. ૨૦

દિન રાત ધખેલ હતી તપતી,
જેણે કૈંક નમાવી લીધા નૃપતિ,
એવી નાળ જંજાળ કરાળ હતી:
ભયંકાર મુખે વિકરાળ હતી,
ઝગતી જમઆાંખ શી જામગરી;
એવી તોપને મોઢડે બાથ ભરી,
પછી હાકલ દાગવવાની કરી. ૨૫

સળગે એવી દારૂની શેરી હતી,
એમાં આગ લગારેક જેરી હતી,
ભેળી વાયુના કોપની લે'રી હતી;
વર કૈંક થયા પણ ભાગી ગયા,
નભમડળમાં એની ઝાળ ગઈ;
નિરખી મન મોહન મૂરતિયો,
ઉત્તપાત્તની આગ ઓલાઈ ગઈ. ૩૦

એક કાળનો થાળ ત્યાં પીરસીઓ
વિષવાળો કંસાર એ ખાઈ ગિયો,
પછી પેટડિયામાં પચાવી ગિયો;
સુખકારી હતી ને કુમારી હતી,
હતી નામ સ્વતંતરતા સુંદરી;
એને મોહિની મોહનની પ્રગટી,
વરમાળ હસી કંઠમાંય ધરી. ૩૫