બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ખુમારીના પાઠ

← ગાંધીજીના આશીર્વાદ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ખુમારીના પાઠ
મહાદેવભાઈ દેસાઈ
લૂલા બચાવ →



ખુમારીના પાઠ

“તમારી શાહુકારી જ તમને નડી છે, તમારી આંખમાં ખુમારી આવવા દો ને ન્યાયને ખાતર અને અન્યાયની સામે લડતાં શીખો.”

‘તંત્રરચના’વાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે શ્રી. વલ્લભભાઈ લશ્કરી છાવણીઓ રચવાની સૂચના રામબાણ છૂટ્યા પછીના પોતાના પહેલા જ ભાષણમાં કરી ચૂક્યા હતા. બીજા ભાષણોમાં આ સૂચનામાં વધારે વીગતો તેઓ પૂરતા જતા હતા. મહિનાની આખરે તો આ સૂચનાનો અમલ સરસ થઈ રહ્યો હતો એમ સૌ કોઈ જોઈ શકતું હતું. બામણી વિભાગનો કિલ્લો દરબારસાહેબ પાસે હતો એ આપણે જોઈ ગયા. એ વિભાગનાં ૧૫ ગામના લોકો એકઠા થયા હતા. ભાઈ ગોરધનદાસ ચોખાવાળાએ તે વખતે વાંચેલું નિવેદન, બીજા બધા વિભાગમાં પણ એ જ પ્રકારની તાલીમ અને શિસ્ત કેવી રીતે જળવાતી હતી, અને સરદારને માટે કેવી રીતે ખબરો તૈયાર રખાતી હતી એ બતાવવાને માટે, કંઈક ટુંકાવીને, અહીં આપું છું. તંત્રરચના કેટલી સફળ થઈ હતી, સરદારને કેવા સેવાનિષ્ઠ સૈનિકો મળી રહ્યા હતા એ પણ એમાં જોઈ શકાય છે :

“અમારા વિભાગમાં કુલ સત્તર ગામો છે. તેમાં બે ગામો મિયાવાડી અને કલસાડ ઊજડ છે, એટલે વસ્તીવાળાં પંદર ગામ છે. આજ આપની સમક્ષ એ પંદરે ગામના લોકો ભેગા થયા છે. એ પંદર ગામો નીચે પ્રમાણે છે :

બામણી, કડોદ, અકોટી, સિંગોદ, હરિપરા, મંગરોળિયા, રાજપરા, મોરી, ભામૈયા, ઓરગામ, મસાડ, નસૂરા, સમથાણ, જુનવાણી અને નાની ભટલાવ. છેલ્લાં બે જુનવાણી અને નાની ભટલાવ રાનીપરજનાં ગામો છે.

આ વિભાગમાં કડોદ સિવાય બાકીનાં બધાં ગામોમાં ક્યારની પ્રતિજ્ઞાપત્ર પર સહી થઈ ગઈ છે. બેત્રણ ગામ સિવાય બીજે કોઈ પણ ઠેકાણે પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ થવામાં વિલંબ થયો નથી અને મુશ્કેલી આવી નથી. અત્યારે તો કડોદ સિવાય બધાં ગામો સરકાર સામે ગમે તેવી સખત લડત લડવા તૈયાર છે.

બામણી ગામે સત્યાગ્રહનો પ્રથમ પડકાર આ તાલુકામાં કરેલો અને તે આ લડતને અંત સુધી શોભાવશે. બીજાં બધાં ગામો પણ ખુવાર થઈને ટેક પાળે એવાં છે. અમારા સુંદર વિભાગમાં કોઈ કાળો ડાઘ હોય તો તે કડોદ છે. કડોદના કેટલાક લોકો મોળા જ નહિ પણ ઊલટી સલાહ આપી લડતને નુકસાન પહોંચાડે એવા છે. પણ ત્યાં પણ ચાર જણને ચોથાઈ દંડની નોટિસ મળી છે અને તેઓ તો તાળાં મારીને બેઠા છે.

સ્વયંસેવકોનું કાર્ય મુખ્ય થાણાએ નિવેદન લાવવાનું તેમજ પત્રિકા-ખબરપત્રો લઈ જઈ પોતાનાં ગામોમાં વહેંચવાનું છે. હવે તો તેમને ભાગે અતિ રસવાળું કામ આવી પડ્યું છે. સરકારે હવે કેટલાક ભાગમાં જપ્તીઓ શરૂ કરી છે. લોકોએ પણ સરકારને તેમના આ કાર્યમાં નહિ ફાવવા દેવા બધા ચાંપતા ઉપાયો લીધા છે. બધી અગવડ વેઠીને પણ આખો દિવસ ઘેરઘેર તાળાં લગાવી રાખે છે. સ્વયંસેવકો નાકાંઓ ઉપર બેસી અમલદાર આવ્યાની ખબર નગારું વગાડી અથવા શંખ ફૂંકી આપે છે. આમ સ્વયંસેવક ભાઈઓ પણ પોતાનો ભાગ અતિ ઉત્સાહથી અને સુંદર રીતે ભજવી રહ્યા છે.”

આ તો એક મહિનાને અંતે તાલુકો કેવી રીતે તૈયાર થઈ રહ્યો હતો તે જણાવી દીધું. દરમ્યાન મહિનામાં શું શું બન્યું તે જોઈએ.

સરકારની સાથે સત્યાગ્રહની લડતમાં પહેલો હુમલો તો સરકારનો જ હોય. તા. ૧પ મી ફેબ્રુઆરીએ સરકારે પહેલો ભડાકો કર્યો. જે તાલુકામાં મહેસૂલ ન ભરવાને માટે ચેાથાઈ દંડની નોટિસો ભાગ્યે જ આપવામાં આવતી હતી ત્યાં વાલોડ અને બાજીપરાના પંદર પ્રતિષ્ઠિત વણિક સજ્જનો ઉપર દશ દિવસમાં નવું મહેસૂલ ભરી દેવાની નોટિસ પહોંચાડવામાં આવી. આ પછી પચાસસાઠ વણિકો ઉપર આવી નોટિસોનો સામટો મારો થયો. આ આરંભકાળની કેટલીક પત્રિકાઓ જોવા જેવી છે :

“વાલોડના પચાસસાઠ વાણિયા ખાતેદારો ઉપર નોટિસ છૂટી છે. સરકારે વાણિયાને પોચા માની ઠીક શરૂઆત કરી છે.

સરભણ વિભાગમાં કોઈ ગામમાં મહેસૂલ ભરાયું નથી.

કડોદના કેટલાક વાણિયાએ ખોટી સમજથી રાનીપરજ ભાગમાંની થોડી જમીનના પૈસા ભર્યા છે, પણ તા. ૧૪ મીએ શ્રી. વલ્લભભાઈ અને અબ્બાસસાહેબ ગયા બાદ અસર ઠીક થઈ છે, અને બે દિવસથી મહેસૂલ ભરાતું નથી.

ટીંબરવામાં તલાટીએ વગરમાગ્યો ઉપદેશ લોકોને આપવાની મહેરબાની કરી છે, તે સંવાદરૂપે :

તલાટી — તાલુકો તૂટશે ત્યારે ભરશો તેના કરતાં આજે જ ભરો ને ?

લોકો — એ વાત જ ન કરો. તાલુકો તૂટે તો ભલે, પણ આ ગામ થૂક્યું નહિ ગળે.

તલાટી — અમારું માન ન રાખો પણ મોટો અમલદાર આવે ત્યારે તેમનું માન રાખી ચાર છ આની તો ભરજો.

લોકો — મોટા અમલદારની મોટાઈ અમારે શા ખપની ? હવે તો વલ્લભભાઈસાહેબનો હુકમ થાય ત્યારે જ ભરાય.

બુહારીના અગિયાર વણિક ભાઈઓએ પેતાના ખાતામાંના રૂ. ૫૧૫ મહેસૂલ ભરેલું. તેઓ શ્રી. અબ્બાસસાહેબના ઉપદેશ પછી પસ્તાય છે. ત્યાંના એક વણિક અગ્રેસર કહે છે, હવે વલ્લભભાઈસાહેબને મોઢું બતાવતાં મને શરમ થશે.”

આમ રોજરોજ લડતના વાતાવરણના પારામાપક યંત્રની જેમ પત્રિકાઓ લોકોની પાસે પડતી હતી. સરકારના સામ, દામ, ભેદ, દંડ બધા ઉપાયો એમાં પ્રગટ કરવામાં આવતા હતા, કોઈ મહેસૂલ ભરી આવે તો તે હકીકત પણ ગુપ્ત રાખવામાં આવતી નહોતી.

શ્રી. વલ્લભભાઈનો હજી બારડોલીમાં કાયમનો મુકામ નથી થયો. અવારનવાર તેઓ આવજા કરે છે. લડતની કળાનું જ્ઞાન ધરાવનારા રવિશંકરભાઈ અને મોહનલાલ પંડ્યા જ્યાં ત્યાં પહોંચી જઈ લોકોને શૂર ચડાવી રહ્યા છે. પહેલા જ મહિનામાં બે ‘ઈગતપુરી કનસેશન’ના હુકમ સરકારે કાઢ્યા હતા, જેથી પચીસ ટકાથી વધારે જેમનું મહેસૂલ વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ વધારો ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. ભોળા ખેડૂતો આ કનસેશનને શું સમજે ? એ ખેડૂતોને આવી લાલચમાં ન ફસાવવાનો ઉપદેશ આપતાં રવિશંકરભાઈએ વાલોડની એક સભામાં પોતાની રમૂજી ભાષામાં આ પ્રમાણે સમજ આપી હતી :

“એ સરકારના કાયદા આપણે ન સમજીએ. આપણો તો સત અને ધર્મનો કાયદો. સતને પંથે ચાલીએ અને અનીતિ અને અન્યાયની સામા થઈએ. કાયદા સરકારી અમલદારો માટે; તે તેને સમજે અને અમલ કરે. અક રાક્ષસે કાયદો કર્યો હતો કે મારે રોજ આટલા મણ આહાર જોઈએ. આટલાં બકરાં, આટલાં ઘેટાં, આટલાં માણસો જોઈએ. એ બક રાક્ષસનો કાયદો હતો. એ તેને માટે હતો. એ જુલમી કાયદાને જે વશ થતા હતા તેમને માટે હતો. ભીમને માટે એ કાયદો થોડો જ હતો ?”

લોકો પણ સરકારથી ઝટ ભોળવાય એમ નહોતું. બારડોલીના થાણામાં અનેક જણ કંઈક નહિ તો કંઈક સલાહ માટે આવ્યા જ હોય. ‘મારી જમીન ખેતીની નથી. મેં તો મકાન બાંધવા થોડી જમીન સરકાર પાસે ભાડે લીધી હતી. એનું એક રૂપિયો ત્રણ આના ભાડું છે એ ભરાય ?’ એમ પૂછતો એક ભાઈ આવે છે. તો બીજો પૂછે છે : ‘મારી વાવલાતી જમીન છે. ફલાણો કહે છે કે એનું ભરાય. મને લાગે છે ન ભરાય. એની સલાહ આપશો ?’ ત્રીજો એક માતબર પટેલ આવીને કહે : ‘આ જમીનનાં કાગળિયાં જુઓ. હાઈકોર્ટમાં એને માટે ત્રણ વર્ષ લડ્યો અને જમીન મેળવેલી છે. એનું ભરવું જોઈએ ?’ આવાને વલ્લભભાઈ સલાહ આપે છે, સાંત્વન આપે છે, ધીરજ અને હિંમત આપે છે. લોકો એકબીજાને પણ હિંમત આપી રહ્યા છે. બાજીપરાના એક મક્કમ ખેડૂત કહે : ‘જમીન ખાલસા થશે ખાલસા, શું કરશો ? આ શરીર એક દહાડો ખાલસા થઈ જવાનું ને ! આ લડત તો આપણા સવારથની છે. વલ્લભભાઈને શો સવારથ છે ? ગાંધી ડોસા તો અઘરી લડત લડાવતા હતા. તે તો સ્વરાજ લેવા માટે લડવાનું કહેતા હતા. તે આપણને અઘરું પડતું. આ વેળા આપણે સમજીએ તો સહેલી બાજી છે. વલ્લભભાઈનું નાક ન કાપશો.’

બીજી તરફ સરકારના અમલદારો પણ પોતાના કામમાં આગળ વધ્યા જાય છે. બેડકૂવા નામના ગામમાં તલાટીએ એક રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારીને પૈસા કઢાવ્યા. મોટા અમલદારો વધારે કુશળતાભરેલી રીતો વાપરવા લાગ્યા. એક ગામના શેઠને પોતાને મુકામે બોલાવી જુવાન ડેપ્યુટી કલેક્ટર કહે છે :

‘મારા માનની ખાતર તો કંઈ આપો. કાંઈ નહિ તો એક રૂપિયો આપો.’

ડોસા કહે : ‘ના સાહેબ, તમારે માટે માન તો ઘણું છે પણ શું કરીએ ? ગામમાં રહેવું ખરુંને !’

‘પણ તમને જેલમાં પૂરું તો ?’

‘શા સારુ ? મેં શો ગુનો કીધો છે ? મેં કંઈ રાજદ્રોહ તો નથી કર્યો.’

એટલે ડોસાને સતાવ્યા બદલ અમલદારસાહેબ સભ્યતાથી માફી માગે છે, અને ડોસાને રજા આપે છે. કોઈ ઠેકાણે ઊંધુંચતું સમજાવવાની પ્રપંચજાળ પથરાય છે, તો કોઈ ઠેકાણે વાણિયાઓ મારફતે ગરીબ રાનીપરજના પૈસા ભરાવી દેવડાવવામાં આવે છે.

પણ લોકો આ પ્રપંચ સામે ઠીક ટક્કર ઝીલી રહ્યા છે. પોચા કહેવાતા વાણિયા પણ સરકારી અમલદારોને જડબાતોડ જવાબ વાળે છે, અને બુજરગ ડોસાઓને પણ લડતનો રંગ ચઢતો જાય છે. એક ગામે અમે સાંજે સભા પૂરી કરીને બેઠા હતા, ત્યાં તો બે ડોસાઓ ગાડીમાંથી ઊતરીને વલ્લભભાઈ પાસે આવ્યા. આવીને કહે : ‘કાલે ખબર સાંભળી કે આપનું ભાષણ આ ગામે છે. આજે સાંજ પડી ગઈ પણ તકદીરમાં મળવાનું એટલે તમે જાઓ તે પહેલાં અમે પહોંચી ગયા.’ શ્રી. વલ્લભભાઈએ પૂછ્યું : ‘કેમ જોર છે ને ?’ એટલે ડોસા કહે : ‘અમારું તો જેટલું તેજ પહોંચે તેટલું અજવાળું રહેવાનું. પણ હવે તમારા જેવા ગુરુ મળ્યા એટલે અમારો ભો ભાંગી ગયો. આટલું જોર અમારામાં નહોતું તે હવે તમે પડખે ઊભા એટલે આવ્યું. હવે સરકારને મનમાં આવે તે કરે. જે ડગી જાય તેને અમે તો નાતબહાર મૂકશું.’

કોઈ ગામના વાણિયાએ પૈસા ભરી દીધા એમ સાંભળ્યાથી લોકોના ઉપર કશી માઠી અસર થતી નથી. સ્વયંસેવકો પ્રતિજ્ઞાપત્રો ઉપર સહી કરાવવા ફરી રહ્યા છે, અને દરરોજ નવાનવાં ગામ જોડાયાની ખબર આવ્યે જાય છે. આ પ્રતિજ્ઞાપત્ર ઉપર સહેલાઈથી સહીઓ થતી નહોતી એ અહીં જણાવવું જોઈએ. પહેલી માર્ચ સુધી બેત્રણ ગામો એવાં રહ્યાં હતાં કે જે આગ્રહપૂર્વક સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરતાં નહોતાં, તેમજ પૈસા પણ ભરતાં નહોતાં. નાના જમીનદારો તો માગી માગીને સહીઓ કરે, મોટાઓ ડરતા ફરે.

શ્રી. વલ્લભભાઈનાં ભાષણોનો રસ હવે લોકોને લાગવા માંડ્યો હતો. ખેડૂતોની બુદ્ધિ અને હૈયામાં સોંસરી પેસી જાય એવી તળપદી ભાષામાં તેઓ તેમને પ્રેરવા લાગ્યા. એક ગામે તેઓ કહે :

“હું તાલુકાનાં ગામો ફરતો જાઉં છું તેમ જોતો જોઉં છું કે આ પંદર દિવસમાં લડતનું રૂપ સમજાતાં લોકોની ભડક ભાંગી ગઈ છે. હજી બે આની ચાર આની રહી હોય તો તે કાઢી નાંખજો, ને ડર કૂવામાં ફેંકી દેજો. ડરવાનું તમારે નથી, સરકારને છે. કોઈ સુધરેલી સરકાર પ્રજાની સંમતિ સિવાય રાજ કરી શકે નહિ. અત્યારે તો તે તમારી આંખે પાટા બાંધી રાજ કરવા માગે છે. સરકાર કહે છે : તમે સુખી છો. મને તો તમારા ઘરમાં નજર નાંખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો. તમને તકરારટંટો આવડતાં નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે. આ તાલુકામાં રાતના બાર એકેક વાગે હું ફરું છું, પણ મને કોઈ ‘કોણ’ કરીને પૂછતું નથી ! રવિશંકર કહે છે : આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ કરડતું નથી, કે કોઈ ભેંશ શિંગડું મારતી નથી ! તમારી શાહુકારી જ તમને નડી છે, માટે આંખમાં ખુમારી આવવા દ્યો ને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખો.’

આ પ્રથમના દિવસોનાં બધાં ભાષણોને ‘ખુમારીના પાઠ’ તરીકે વર્ણવી શકાય. તાલુકાની સુંવાળી કોમને લડતને માટે તૈયાર કરવાની હતી. લડતને માટે તૈયાર કર્યા પછી, તેમનું નવું પ્રગટેલું જોમ અવળે માર્ગે ન ચડી જાય એ જોવાનું હતું. બારડોલી સત્યાગ્રહનાં શ્રી. વલ્લભભાઈનાં ભાષણો તારીખવાર કોઈ લઈને બેસે તો તેને ખબર પડે કે શ્રી. વલ્લભભાઈ કેવી રીતે લોકોની નાડ પારખતા ગયા, અને તેમને પચે એવી દવા વખતોવખત આપતા ગયા અને બદલતા ગયા.

રાનીપરજ લોકો, જેમના ઉપર નાના નાના સરકારી નોકરો પોતાનાં પ્રપંચ અને ધમકી ખૂબ અજમાવતા હતા અને જેમને તેમના શાહુકારો પણ ઠગતાં પાછા ન હઠતા તેમનામાં પણ તેજ આવતું જતું હતું. જ્યાં ખાદીનાં પગલાં થઈ ચૂક્યાં હતાં ત્યાં તો તેજ હતું જ, પણ જેમને ખાદી અને દારૂનિષેધનો સ્પર્શ નહોતો થયો તેમને પણ ખાદીવાળાઓની સંગાથે જોડાવામાં લાભ દેખાવા લાગ્યો. વેડછી ગામમાં આ લોકોની એક સભા થઈ હતી. ગાંધીજીની આગળ ચાર વર્ષ ઉપર ખાદીની પ્રતિજ્ઞા લેનાર અને પોતાનાં કાચ અને પિત્તળનાં અનેક ઘરેણાં ઉતારનાર બાળાઓ અને સ્ત્રીઓ પોતાની સ્વચ્છ જાડી ખાદીની સાડી પહેરી સભ્ય સ્ત્રીઓને આંજે એવી સ્વચ્છતા અને સરળતાભરી સભામાં બેઠી હતી. આ બધી સ્વયંસેવિકાઓ હતી. સત્યાગ્રહનાં ગીતો લલકારતી ગામેગામ ફરવા લાગી, અને લોકોને શૂર ચડાવવા લાગી.

પણ સત્યાગ્રહનાં ગીતોની વાત કરતાં આ પ્રથમ માસમાં જ બનેલી એકબે ઘટનાઓ લખવાનું પ્રાપ્ત થાય છે. સ્થાનિક સ્વયંસેવકો તો વધતા જતા જ હતા, પણ કાઠિયાવાડ અને બીજે સ્થળેથી પણ સ્વયંસેવકોની અરજીઓ આવતી જતી હતી. કાઠિયાવાડથી પહેલી જ ટુકડી એવી આવી કે જેને શ્રી. વલ્લભભાઈ એ પ્રેમથી વધાવી લીધી. એ ટુકડીમાં મૂળ સત્યાગ્રહાશ્રમના અને પછી વઢવાણમાં રાષ્ટ્રીય શિક્ષણનું કામ કરનારા ફૂલચંદભાઈ અને તેમનાં પત્ની ઘેલીબહેન, ભાઈ શિવાનંદ અને રામનારાયણ હતાં. ભાઈ ફૂલચંદે બારડોલી પહોંચતાં પહેલાં જ પોતાનું કામ નક્કી કરી લીધું હતું. રસ્તે આવતાં જ તેમણે ગામઠી ભાષામાં ટૂંકા અને ટચ, તરત મોઢે ચડે એવાં સત્યાગ્રહગીતો તૈયાર કરી રાખ્યાં હતાં. તાલુકામાં આવીને તેમને બીજા ઘણાં બનાવવાની પ્રેરણા થઈ. બસ પછી તો ફૂલચંદભાઈની ભજનમંડળીની દરેક ઠેકાણે માગણી જ થાય. આબાલવૃદ્ધ સૌને એ ભજનોની ધૂન ગમી ગઈ અને ચૌટે અને ચકલે, ખેતરોમાં અને શેરીમાં બાળકો અને બાળાઓ એ ધૂન લલકારવા લાગ્યાં :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
ભલે કાયાના કટકા થાય — અમે૦

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે — ડંકો૦

માથું મેલો સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે, સાચી ટેકને રે — માથું૦

ધીમેધીમે અળગા રહેલાઓ સૌ પાસે આવતા જતા હતા. સરભોણ એ પોતાને કેળવાયેલા અને મુત્સદ્દી માનનારા અનાવલાઓનો કિલ્લો. એ હજી જોડાયા નહોતા. શ્રી. વલ્લભભાઈના ભાષણને પરિણામે ત્યાં ચમત્કારિક અસર થઈ. પહેલા બધા નાના ખાતેદારો આવ્યા અને એક પછી એક સહીઓ કરી ગયા, મોટાઓ જે થોડો વખત રાહ જોવામાં ડહાપણ સમજતા હતા તેઓ પાછળ પાછળ આવ્યા અને તેમણે પણ સહી આપી. આખરે રહી ગયા માત્ર એક બે પેન્શનરો — જેઓ પણ આખર સુધી તાલુકા સાથે જ રહ્યા એમ આગળ ઉપર જોશું.

મુસલમાન વર્ગમાંના કેટલાક પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવામાં ધર્મનો વાંધો કાઢતા હતા. બાર વર્ષની ઉમરથી એક પણ રોજો ચૂક્યા નહોતા એવા પાક મુસલમાન ઇમામસાહેબ બારડોલીમાં રોજા કરતા બેઠા, રોજા છતાં પણ વાલોડ સુધી જતા અને મસ્જિદમાં જઈને વાઝ આપી આવતા, એની કાંઈ જેવી તેવી અસર નહોતી થઈ. તેમની જ સમજૂતીથી વાલોડના મુસલમાન ભાઈઓએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી આપી.

સ્ત્રીઓ પણ હવે સભામાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા લાગી. આજ સુધી તેમને શૂર ચડાવનાર નેત્રીઓ હજી આવી નહોતી. હવે બહેન મીઠુબહેન, ભક્તિબહેન, ઘેલીબહેન, અને સૂરજબહેને એ કામ ઉપાડી લીધું. મીઠુબહેનની પાસે લડત ઉપરાંત ખાદીનો  મંત્ર તો હતો જ. જ્યાં જાય ત્યાં તેઓ ખાદી લઈને જાય અને ખાદી વેચતાં વેચતાં પણ બધે નિર્ભયતાનો ઉપદેશ આપતાં જાય. મુંબઈના મહાધનાઢ્ય પારસી કુટુંબની આ બહેન પોતાના નાજુક શરીર છતાં જ્યારે આ ગામોમાં ફરવા લાગી ત્યારે લોકોને થઈ ગયું કે આ લડત એકબે કુસ્તીઓમાં નહિ પતે, સરકાર પણ હઠે ચડશે અને લોકોએ પણ બરાબર કમર કસવી જોઈશે.

દરમ્યાન સરકારના અમલદારની પ્રપંચજાળમાં ક્યાંક ક્યાંક લોકો ફસાતા જતા હતા. વાલોડના કિલ્લામાં તેમણે પહેલું નોંધવાજેવું ગાબડું પાડ્યું. બે વાણિયાઓને તેમણે સાધ્યા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાની તેમણે બતાવેલી તરકીબને પણ તેઓ વશ થયા. ઘરમાં સહેજે હાથ લાગે એવી રીતે નાણાં રાખીને જપ્તી થવા દેવાની સલાહ તેમણે માની, અને મહાલકરી જ્યારે જપ્તીહુકમ લઈને તેમને ત્યાં ગયા ત્યારે રૂ. ૧૫૦૦ અને રૂ. ૭૮૫ ની નોટો તેમને સહેજે મળી રહી. લોકોને આ બાજીની ગંધ મળી ગઈ હતી. આવા બે જબરદસ્ત સ્થંભો ભાંગવાની ખબર વાયુવેગે ગામેગામ ફરી વળી. વાલોડમાં તો લોકોના પ્રકોપનો પાર ન રહ્યો. બંને જણનો આકરો બહિષ્કાર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. શ્રી. વલ્લભભાઈને ખબર પડી કે મોડી રાત્રે તેઓ વાલોડ પહોંચ્યા અને લોકોને તેમણે શાંત પાડ્યા :

“તમને આ કૃત્યથી બહુ રોષ ચડ્યો છે એ સ્વાભાવિક છે, પણ રોષના આવેશમાં કશું કરશો નહિ. ટેકો દઈ ને તમે જેમને ઊભા રાખવા મથશો તે ઠેઠ સુધી કેમ ચાલશે ? … આપણે સરકાર જોડે લડવા નીકળ્યા છીએ, આપણા જ નબળા માણસો સાથે અત્યારે આપણે લડવું નથી. એમની સાથે લડીને તમે શું કરશો ? … હું સાંભળું છું કે હજી બીજા બેચાર આવા નબળા છે. તેમને તમે સંભળાવી દો કે પ્રતિજ્ઞા તોડી ભરવું હોય તો સીધી રીતે ભરી દો, આ ભાઈઓ જેવા પ્રપંચ કરશો તેમાં તો સરકાર પાસે પણ તમારી આબરૂ જવાની.

છેવટમાં મારી તમને એટલી જ વિનંતિ છે કે આ કિસ્સાથી આપણે ધડો લઈએ અને આપણી પોતાની જાતને વિષે વધારે જાગૃત રહીએ; આપણા ભાઈઓ માટે વધારે કાળજી રાખીએ. આ કિસ્સાને ચેરચેર કરવામાં કંઈ સાર નથી. ગંદી ચીજને ચૂંથીએ તો તેમાંથી બદબો જ છૂટ્યા કરે.  ડાહ્યો માણસ તેના ઉપર ધોબો ભરી ધૂળ નાંખે ને આગળ જાય. એમાંથી ફરી સારું પરિણામ નીપજે. કોઈ બૂરું કામ કરે તેના તરફ ભલા થશો તો એ ભવિષ્યમાં સુધરશે. માટે આપણે બૂરાને મૂઠી માટી આપી ભૂલીએ ને ઈશ્વર આપણે માથે આ વખત ન આણે, ને આવતાં પહેલાં મોત આપે એવું માગીએ. લડાઈમાં તો સિપાઈ હોય છે, મરનારા હોય છે ને ભાગી જનારા પણ હોય છે. એમનાં નામ પણ ઇતિહાસમાં લખાય છે. ને મરનારાનાં, ફાંસી જનારાનાં પણ લખાય છે. પણ બેઉનાં કઈ રીતે લખાય છે તે તમે જાણો છો. માટે આ બનાવ ઉપર તમે મૂઠી મૂઠી ધૂળ નાંખી ઢાંકી દ્યો ને એની બદબોને ફેલાવા ન દ્યો.”

લોકો શાંત તો પડ્યા પણ પડેલાઓની સાથે તેઓ સમાધાન કરવાને માટે તૈયાર નહોતા. ‘આમને આવી રીતે જવા દઈએ તો બીજાના ઉપર ખોટી અસર પડે અને બંધારણ નબળું પડે. એ લોકોએ પ્રાયશ્ચિત્ત કર્યે જ છુટકો છે.’ આ પ્રાયશ્ચિત્ત કરાવવાની વાત લોકોને જ સૂઝી હતી. શ્રી. વલ્લભભાઈ તો તેમને ભૂલી જવાનું કહીને નીકળ્યા હતા. જોકે પેલાઓ પાસે ગયા, તેમને ખૂબ સમજાવ્યા, જાહેર માફી માગી ને બાકીનું મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા કરીને પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું. બેમાંથી એકને વાત ગળે ઊતરી ગઈ, તેમને શુદ્ધ પશ્ચાત્તાપ થયો અને તેમણે એ શુદ્ધતાના પ્રમાણ તરીકે રૂ. ૮૦૦નું સત્યાગ્રહ લડતને માટે પ્રાયશ્ચિત્તરૂપે દાન કર્યું. બારડોલી સત્યાગ્રહફાળાનો મંગળ આરંભ આ દાનથી થયો.

આમ અશુભમાંથી શુભ પરિણામ આવ્યું. અશુભ ઉપર ધૂળ નંખાઈ ગઈ, અને શુભની સુવાસ ગામેગામ ફેલાવા લાગી. આખા મહિનામાં આવી રીતે ખરી પડનારાઓની સંખ્યા આંગળીને વઢે ગણી શકાય એટલી હશે. એ વાતથી પણ લોકોનું બળ વધ્યું. અને નાતનાં બંધારણો મજબૂત થવા લાગ્યાં.

પટેલ, તલાટી, વેઠિયાને પણ પ્રસંગે પ્રસંગે શ્રી. વલ્લભભાઈ સંભળાવી લેતા હતા. જપ્તીની નોટિસની મુદ્દત પૂરી થઈ હતી, અને જપ્તી કરવાનું કામ તેમના ઉપર ઝઝૂમી રહ્યું હતું. આ ટાણે શું કરવું ? જેમજેમ લોકોમાં જોર આવતું જતું હતું તેમતેમ તેમનો અમલદારોનો ભય ભાગતો જતો હતો. શ્રી. વલ્લભભાઈની આરંભની આકરી વાણી પોતાનું કામ કર્યે જતી હતી. “તમારા આસિસ્ટંટ કલેક્ટર ગામબહાર મુકામ કરે છે અને ચિઠ્ઠી લખીને લોકોને બોલાવે છે. તેની પાસે જવાની તમારે શી મતલબ ? તેને જવાબ લખી આપો કે ભૂખ્યા હો તો જુવારનો રોટલો તૈયાર છે, અમારા ગામને પાદરથી કોઈ ભૂખ્યો ન જાય. એ અમલદાર તમને કહે છે : ‘મારી ખાતર તો એક રૂપિયો ભરો.’ એને તમે કહોની કે ‘અમારી ખાતર તુંયે રાજીનામું આપી દેની. દુઃખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર.’”

આમ જ્યાં ડેપ્યુટી કલેક્ટર હવાલદાર ઠરતા હતા ત્યાં પટેલતલાટીનાં તો ગજા શાં ? “પટેલ તો ગામનો ધણી છે, ગામનું મુખ છે, એ સરકારને લોકો તરફથી સંભળાવનાર છે. પટેલ કાંઈ સરકારનો વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી. સાત રૂપિયા ખાતર જે માણસ પોતાના કુટુંબીઓનાં ઘરનાં ગોદડાં ચૂંથવા જાય એને દૂબળો ન કહીએ તો શું કહીએ ? અરે, દૂબળો પણ પોતાના ધણિયામાના ઘરમાં એવું કામ કરવા ન પેસે. પટેલ વેઠિયો નથી. અને એવાં કામ કરાવે એ પટલાઈ ઉપર પૂળો મૂકોની. તમારા કરતાં તો મજૂરી કરનારને મજૂરી વધારે મળે છે.’ તલાટીઓ વિષે બોલતાં : ‘તમારું વાલોડ તલાટીઓ પેદા કરનારી એક ખાણ છે. તમે પૈસા ખરચી ખરચીને છોકરાઓને ભણાવો છે તેના આવા તલાટી પાકે છે. એવા ભણ્યા કરતાં આ રવિશંકર જેવો વગર ભણ્યો બ્રાહ્મણ શો ખોટો ? તમને મનમાં મોટાઈ આવે છે કે અમારો છોકરો ભણીને પછી તલાટી થશે, બજારમાં નીકળે તો પાછળ વેઠિયા ચાલતા હશે. પણ એ જ છોકરાને સરકારનો હુકમ થશે ત્યારે સગા બાપને ઘેર જપ્તી કરવા જવું પડશે. આ બધી સરકારની અને તેની કેળવણીની માયાના ખેલ છે.”

લગભગ ૬૦ પટેલોએ બારડોલીમાં ભેગા થઈ શ્રી. વલ્લભભાઈ આગળ પ્રતિજ્ઞા કરી કે જપ્તીના મેલા કામમાં ભાગ ન લઈએ. ઢેડ લોકો અને બીજાઓ વેઠિયા તરીકે જપ્તીની વસ્તુ ન ઉપાડવાની પ્રતિજ્ઞાના ઠરાવો કરવા લાગ્યા.

આમ માસને અંતે તાલુકો સારી રીતે સંગઠિત થઈ ગયો હતો, તાલુકાના લોકોમાં પોતાના બળનું ભાન આવતું જતું હતું, પોતાના નાયકની સાથે તેમનો નેહ વધતો જતો હતો. બીજા તાલુકાઓ આ તાલુકાની સહાનુભૂતિના ઠરાવો કરવા લાગ્યા હતા, તાલુકાની મદદમાં ફાળા ઉઘરાવવાના વિચાર કરવા લાગ્યા હતા. જલાલપુર તાલુકામાં મળનારી આવી એક પરિષદમાં શ્રી. વલ્લભભાઈએ જવાની ના પાડી, અને સંદેશો મોકલ્યો કે હજી અમે અભિનંદનને લાયક નથી થયાં, અમને કંઈક કામ કરવા દો, તાવણીમાં તવાવા દો, પછી જેટલી મદદ થાય તેટલી કરજો. સુરત જિલ્લાની એક પરિષદ ભરવાનો ઠરાવ થયો હતો તે ઠરાવને પણ શ્રી. વલભભાઈએ રદ્દ કરાવ્યો, અને લોકો ઉપર જપ્તીખાલસાની નવાજેશ થાય નહિ ત્યાં સુધી એ પરિષદ ન ભરવાની સલાહ આપી.