બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારડોલી
મહાદેવભાઈ દેસાઈ
ભક્ષણનીતિ →


બારડોલી

“આપણે જગબત્રીસીએ ચડી ગયેલા છીએ, પણ એ તો રામના પાસથી પથ્થર પાવન થાય તેમ એક મહાન પુરુષના નામથી આપણું નામ ચડી ગયું છે. હવે આપણી કસોટી થશે.”

પુરુષનું નસીબ પાંદડે ઢાંકેલું કહેવાય છે, તેમ પ્રાંત અને પ્રદેશનું પણ પાંદડે ઢાંકેલું હશે ? ગુજરાતને ૧૫ વર્ષ ઉપર કોણ જાણતું હતું ? ગુજરાતના વેપારીઓએ અને સાહસિક વર્ગોએ મહાગુજરાત વસાવ્યું અને સાગર મહાસાગરને કિનારે સંસ્થાનો જમાવેલાં; ગુજરાતના દાનવીરોએ દેશના બધા પ્રાંતોમાં ગુજરાતની કીર્તિ ફેલાવેલી; પણ શૂરાતન માટે ગુજરાતનું નામ ઇતિહાસને પાને ચડયું જાણ્યું નહોતું. ગાંધીજીએ ગુજરાતને ઇતિહાસને પાને ચડાવ્યું. દશ વર્ષ ઉપર બારડોલીને પણ કોણ જાણતું હતું ? પણ આજે બારડોલીને જગત જાણે છે — જોકે બારડોલીને હજી એ વાત ગળે ઊતરવી અઘરી પડે છે.

સુરત જિલ્લાને પૂર્વ ખૂણે આવેલો એ તાલુકો રરર વર્ગમાઇલના ક્ષેત્રફળનો છે, અને એમાં ૧૩૭ ગામડાં છે. એની ઉત્તરે તાપી નદી વહે છે, પૂર્વ અને પશ્ચિમે ગાયકવાડ સરકારની હદ છે, અને દક્ષિણે પણ થોડી ગાયકવાડી હદ અને જલાલપુર તાલુકો આવેલા છે. ગાયકવાડી હદ આમ ત્રણ દિશામાં આવેલી છે એ નોંધવાજેવી વસ્તુ છે એમ સત્યાગ્રહના ઇતિહાસમાં ગાયકવાડી હદનાં ગામોએ આપેલો હિસ્સો જોવાથી વાચકને સમજાશે. મિઢોળા, વાલ્મીકિ અને પૂર્ણા નદીઓ આ તાલુકામાંથી વહી અરબી સમુદ્રને મળે છે. એકેના ઉપર પુલ નથી કે ચોમાસામાં એકે એાળંગાય એવી નથી. તાલુકાના પશ્ચિમના ભાગમાં ઉત્તમ પ્રકારની કાળી જમીન છે, અને તેમાં કપાસ, જુવાર, ભાત વગેરે  પાકો થાય છે; ઉત્તરનો ભાગ ભાતની ખેતીને માટે સારો છે; પણ પશ્ચિમનો ભાગ જંગલી અને ‘દાદરિયા’ છે, જમીન નબળી છે અને હવાપાણી પણ નબળાં છે. તાલુકાની એકંદર સ્થિતિનો વિચાર કરતાં પડોસના જલાલપુર તાલુકો જેવો એ રસાળ ન કહી શકાય, પણ ક્યારીન પાક અને જરાયત પાક બંને ઠીકઠીક પ્રમાણમાં કરવાની અનુકૂળતાવાળા ગુજરાતના ઘણા ઓછા તાલુકાઓમાં આ એક હશે.

વસ્તી ૮૭,૦૦૦ માણસની છે, અને આમાંનો ઘણો મોટો ભાગ ખેડૂતો છે. આમાં મોટા ભાગની વસ્તી કણબી, અનાવલા, બ્રાહ્મણ, વાણિયા અને કાળીપરજ અથવા રાનીપરજ લોકોની છે. જૂજજાજ પારસી કુટુંબો તાલુકાનાં ગામોમાં પથરાયેલાં છે, અને વસ્તીનો નાનકડો ભાગ મુસલમાનોનો છે. આ બધી કોમની કોમવાર વસ્તીના વિશ્વાસપાત્ર આંકડા સેટલમેંટ રિપોર્ટોમાં મળવા જોઈએ પણ મળતા નથી. પણ ૧૧,૦૦૦ ઉપરાંત વસ્તી રાનીપરજની અને બાકીના ૭૬,૦૦૦ માંથી અર્ધામાં અનાવલા, કણબી, વાણિયા, મુસલમાન વગેરે આવે છે, અને અર્ધા દૂબળા છે એવી લોકિયા ગણત્રી છે. કણબી અને અનાવલા જમીનની માલકી ધરાવનારા અને જાતે ખેતી કરનારા છે; વાણિયાએાના હાથમાં જમીન ઘણી છે, પણ તેઓ જાતે ખેતી કરનારા નથી; રાનીપરજ લોકો, જેમના હાથમાં એકવાર ઘણી જમીન હતી અને જેઓ પૂર્વ ભાગના પહેલા એકલા જ વતની હતા તેઓ ઘણીખરી જમીન ખોઈ બેઠા છે અને ખેતીની મજૂરી કરીને ગુજરાન કરે છે. રાનીપરજ વર્ગમાં ચોધરા, ઢોડિયા અને ગામિત આવી જાય છે. એ ઉપરાંત ખેતીની મજૂરી કરનાર વર્ગમાં દૂબળાઓ તો છે જ, પણ તે છૂટક મજૂરી કરનારા નથી હોતા. તે ઉજળિયાત ‘ધણિયામા’ (શેઠ )નું કરજ કરી, પરણી, તેને ત્યાં કામ કરવા બંધાય છે અને જિંદગીભર એવી અર્ધગુલામીમાં કામ કરે છે; જોકે હવે તેનામાં પણ જાગૃતિ આવી છે, અને દૂબળાની પ્રથા જ આખી તૂટી પડશે કે શું એવો ભય ઘણાને પેઠો છે. મુસલમાનો પણ ખેતી કરનારા છે, જોકે તેમાંના કેટલાક વેપારવણજ કરે છે. અને ગાડાં ભાડે ફેરવે છે, અને પારસીઓ ઘણાખરા દારૂતાડીની દુકાનોવાળા છે અને ઘણી જમીનના માલિક છે.

ખેડા જિલ્લાનાં ગામડાંની સરખામણીમાં બારડોલીનું ગામડું વસ્તીમાં ઘણું નાનું કહેવાય. ખેડામાં કેટલાંક ગામ ૧૦,૦૦૦ સુધી વસ્તીવાળાં છે, જ્યારે બારડોલીમાં કસબાનાં ગામ સિવાય એવું મોટું એકે ગામ નથી, અને કેટલાંક ગામોમાં તો પચીસત્રીસ કે પાંચદશ ઘરો જ હશે. બારડોલીના પશ્ચિમ વિભાગનાં ગામડાંમાં વસ્તી કંઈક ઘીચ છે, પણ ખેડાના જેટલી ઘીચ વસ્તી તો ક્યાંય નથી. વાણિયા, બ્રાહ્મણ અને કણબીઓનાં ઘરોમોટાં નળિયેરી, આગલાં, અને પાછલાં બારણાંવાળાં અને મોટા વાડાવાળાં હોય છે. રાનીપરજ લોકો છૂટાછવાયાં ખેતરોમાં છાપરાં નાંખીને રહે છે. કણબીઓનાં ઘરો મોટાં માળ અને ઓટલાવાળાં હોય છે, પણ અંદર જુઓ તો ઉપર અને નીચે સળંગ ખંડો, માળ ઉપર ઘાસચારો, ગોતર અને દાણાનાં પાલાં ભરેલાં, અને નીચે ઘરના અરધા ભાગમાં ઢોરોનો વાસો. ગુજરાતમાં બીજે ક્યાંય આ પ્રથા જોવામાં આવતી નથી. જ્યાં લૂટફાટ અને ઢોરઢાંખરની ચોરી થતી હોય ત્યાં ઢોરને ઘરમાં રાખવાનું સમજી શકાય — જોકે જુદાં કોઢારાં રાખવાથી એ ગરજ તો સરે છે જ — પણ બારડોલી જ્યાં લૂટફાટ કે ચોરીનું નામ નથી ત્યાં મોટી હવેલી જેવાં દેખાતાં ઘરોમાં માણસો ઢોરની સાથે રહેવાનું કેમ પસંદ કરતાં હશે એ વાત અજાણ્યા માણસને આશ્ચર્ય પમાડે છે. સત્યાગ્રહની લડતમાં તો ઢોરોએ પણ અગત્યનો ભાગ ભજવ્યેા હતો, અને સ્વાસ્થ્ય અને સ્વછતાની વિરુદ્ધ લાગતી આ પ્રથા અણધારી રીતે સત્યાગ્રહને મદદ કરનારી થઈ પડી હતી એ જુદી વાત છે.

તાલુકાના આ બાહ્ય વર્ણનમાં એવી એકે વસ્તુ નથી કે જે એ તાલુકાને ગુજરાતમાં વિશેષ સ્થાન આપવાને કારણરૂપ ગણાય. પણ એ કારણો જોવાને માટે જરા અંતરમાં ઊતરવું પડશે.

બારડોલીને ભલે કોઈ જાણતું ન હોય, પણ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહી સેનામાં અનેક કણબી, અનાવલા અને મુસલમાનો બારડોલીના હતા. આ બધા ગયા હતા તો ત્યાં કમાવાના હેતુથી; પણ લડત જાગતાં તેમાંના ઘણા ધંધો છોડીને લડતમાં જોડાયા હતા અને પોતાની વીરતા અને આપભોગની શક્તિનો ગાંધીજીને પરિચય આપ્યો હતો. ૧૯ર૧–૨૨માં સવિનય ભંગનો પ્રથમ પ્રયોગ બારડોલીમાં કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ત્યારે બારડોલીના લોકોનો તેમનો દક્ષિણ આફ્રિકાનો પરિચય પણ ઘણે અંશે તેમાં કારણરૂપ હતો. એ પ્રયોગ તે વેળા કેમ ન થયો તેના કારણમાં અહીં ઊતરવાની જરૂર નથી. પણ એ મહાપ્રયોગને માટે બારડોલી તાલુકો પસંદ કરવામાં આવ્યો હતો એ વાતને કોઈ મિથ્યા કરી શકે એમ નહોતું; અને તે વેળા તે મહાપ્રયોગમાં બારડોલી સાંગોપાંગ ઊતરત કે એ પ્રયોગની નીચે ચૂરાઈ જાત એ કહેવું અશક્ય છે, છતાં તે વેળા કેટલીક તૈયારીની તો બારડોલીને ટેવ પડેલી હતી એ સ્પષ્ટ છે. તે વેળા બધા પટેલોએ રાજીનામાં લખીને ગાંધીજીને આપી રાખ્યાં હતાં, અનેક ગામોમાં ‘રાસ્તી’ (રાષ્ટ્રીય શાળા) ખોલાયેલી હતી, અનેક સ્ત્રીપુરુષોએ લડતમાં સ્વયંસેવક તરીકે પોતાનાં નામ આપ્યાં હતાં, અને ખાદીનો પ્રચાર પણ ઠીક થયો હતો. રાનીપરજ લોકોમાં આત્મશુદ્ધિનો જબરદસ્ત પવન વાયો હતો, અને તેમાંના ઘણાએ દારૂતાડી વગેરે છોડ્યાં હતાં. ગાંધીજીના પકડાયા પછી શ્રી. વલ્લભભાઈએ પોતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્યક્રમ જોસથી ચાલુ રાખી કોક દિવસ બારડોલીને સત્યાગ્રહને માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. તાલુકાના જુદાજુદા ભાગમાં પાંચ થાણાં સ્થપાયાં હતાં — બારડોલી, સરભોણ, વરાડ, મઢી અને વાંકાનેર અને પાંચે ઠેકાણે કસાયેલા સેવકો આસપાસના વાતાવરણની નિરાશાજનકતાનો વિચાર કર્યા વિના અડંગો નાંખીને પડ્યા હતા. બારડોલીમાં સ્વ. મગનલાલ ગાંધીની દેખરેખ નીચે રાનીપરજ છોકરાઓને વણાટ શીખવવાની શાળા ચાલતી, તેમજ બીજા થાણાં દ્વારા ખાદીની પ્રવૃત્તિ ધીમેધીમે ચાલતી. ‘રાનીપરજ’ નામનો જન્મ ’ર૧ પછી થયેલો. સરકારી દફતરે અને લોકોને મોઢે એ લોકો ‘કાળીપરજ’ તરીકે ચડેલા હતા. ૧૯ર૬ માં એ લોકોની એક પરિષદ ખાનપુર નામના ગામડામાં ભરાઈ ત્યારથી તેમના નામમાં રહેલી કાળી ટીલી ભુંસાઈ, અને તેમને ‘રાનીપરજ’ નું તેમનું સ્થાનસૂચક નામ મળ્યું. ત્યારથી દારૂનિષેધ અને ખાદીપ્રવૃત્તિનું કામ એ લોકોમાં વધતું જ ગયું છે. શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની તો એ લોકોમાં જ દટાઈને બેઠાં હતાં, અને તેમના સહવાસને પરિણામે અનેક ‘કાળીપરજ’ના લોકો ઉજળીપરજ કરતાંયે ચોખ્ખા થઈને બેઠા છે. ભાઈ લક્ષ્મીદાસ પુરુષોત્તમ અને ભાઈ જુગતરામે બારડોલીની ઉદ્યોગશાળામાં કેળવેલા અનેક રાનીપરજ યુવાનો પોતાની કોમની સેવાને માટે તૈયાર થતા ગયા છે. સરભોણ અને વરાડ થાણામાં ધારેલું કામ ન થઈ શક્યું છતાં કાર્યકર્તાઓ તો ત્યાં વળગી જ રહેલા. ભાઈ ઝવેરભાઈ પટેલ વરાડમાં રાષ્ટ્રીય શાળા ચલાવતા, અને એ શાળા ચલાવતાં ચલાવતાં વર્ષમાં ૧૨ લાખ વાર સૂતર કાંતવાનો યજ્ઞ તેમણે પૂરો કરેલો. ભાઈ નરહરિ પરીખ, જેમણે ૧૯ર૬માં શ્રી. જયકરના રિપોર્ટની સારી રીતે ખબર લઈને બારડોલીના ખેડૂતોની ખરી સ્થિતિ ગુજરાતની આગળ મૂકી તેઓ સરભોણ આશ્રમમાં બેસી ‘બેઠા બળવા’ની તૈયારીનાં બીજ રોપવામાં રોકાયા હતા, અને બીજ રોપવામાં તેમણે શ્રી. શંકરલાલ બૅંકર જેવાને પણ એક વર્ષ માટે ત્યાં ખેંચ્યા હતા. આ તૈયારીમાં એકવાર તેમને સાત દિવસના ઉપવાસ કરીને જેમની સેવા કરતા હતા તેમની સામે સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવ્યો હતો. આમ અનેક રીતે કાર્યકર્તાઓ આ લોકોની સાથે પોતાના સંબંધ જાળવી રહ્યા હતા, અને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરેલી ભૂમિ બારડોલી હતી એ સ્મરણ લોકોમાં જાગૃત રાખતા હતા.

હવે લોકોનું થોડું સ્વભાવવર્ણન આપવું જરૂર છે, કારણ તેમની કેટલીક ખાસિયતો જાણે તેઓ સત્યાગ્રહને માટે સરજાયા હોય એવી લાગે છે. તાલુકાના કણબીઓમાં લેઉવા, કડવા, મતિયા,ભક્ત પાટીદાર, ચરોતરિયા એવા વિભાગ છે, પણ દરેક કોમનું બંધારણ આજના સુધારાના જમાનામાં પણ એવું ટકી રહ્યું છે કે તેની મારફતે કાંઈ સારું કામ કરાવવાની કોઈનામાં શક્તિ હોય તો કરાવી શકે. બહિષ્કારનું શસ્ત્ર એ લોકોને અજાણ્યું નથી. સમાજની સામા થઈ દુરાચાર કરનારને અને તેના વંશને વર્ષોનાં વર્ષો સુધી બહિષ્કૃત કર્યાના દાખલા આ કોમોમાં મળે છે. શ્રી. વલ્લભભાઈ ને આ બંધારણ પોતાના પ્રયોગને માટે સારાં સાધન તરીકે કામ આવ્યાં. એ કોમની સ્ત્રીઓની કેટલીક વિશિષ્ટતા તેમને ગુજરાતની સ્ત્રીઓમાં વિશિષ્ટ સ્થાન આપે એવી છે. સવારથી સાંજ સુધી ઘરમાં અને ખેતરમાં પુરુષોની સાથે કામ કરનારી એ બહેનોમાં એક પ્રકારની નિર્મળતા અને વીરતા છે જે બીજી કોમોમાં ઓછી જોવામાં આવે છે. આખી કોમને વિષે એમ કહી શકાય કે એ ધર્મભીરુ કોમ છે, કદાચ વહેમી પણ હશે, પણ એ વહેમમિશ્રિત ધર્મભીરુતામાં પણ પ્રતિજ્ઞાને પવિત્ર સમજીને તેને ગમે તે ભોગે પાળવાની શક્તિ ભરેલી છે. રાનીપરજ લોકોના જેવી ભોળી અને નિષ્કપટ કોમ તો ભાગ્યે જ બીજી કોઈ હશે. આ બે મોટી કોમના સહવાસમાં રહીને બીજી કોમોમાં પણ તેમના કેટલાક ગુણો ઊતર્યા છે, અને પરિણામે આખી પ્રજા શાંતિપ્રિય, અને ‘કાયદો અને વ્યવસ્થા’ ને સ્વાભાવિક રીતે માનનારી છે. આ તાલુકામાં ફોજદારી ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે, અને દીવાની દાવાઓને માટે મુનસફની કોર્ટ તો તાલુકામાં છે જ નહિ.

આવા લોકોમાં સત્યાગ્રહનું બીજ ઊગી નીકળે અને ફળે એમાં આશ્ચર્ય નથી. ગાંધીજી કે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ’ના ઇતિહાસની પ્રસ્તાવનામાં કહે છે : “જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહિ, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે, અને ધર્મી તેને સારુ હમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે યુદ્ધ નથી. ધર્મ- યુદ્ધનો રચનાર ને ચલાવનાર ઇશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે, અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે ત્યારે જ ઈશ્વર તેને સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પોતાને નીચો માને છે ત્યારે ઈશ્વર તેને સહાય કરે છે. નિર્બળને જ બળ રામ આપે છે.” બારડોલીના લોકોની નિર્બળતાએ જ જાણે તેમને સત્યાગ્રહને માટે લાયક બનાવ્યા.