બોધકથા:ગરીબ કોણ ?
[[સર્જક:|]]



બોધકથા:ગરીબ કોણ ?


એક સમયે એક ફકીર ગરીબોને ત્રાંબિયા વહેંચતો હતો. નાના છોકરાઓ બાજુ પર ઘૂમતા હતા. ફકીરે સર્વને થોડાં ત્રાંબિયા આપ્યાં. એવામાં એક રાજા હાથી પર આરૂઢ થઈને ત્યાંથી પસાર થયો. રાજાને જોઈને ફકીરે અમુક ત્રાંબિયા તેની તરફ ફેંક્યાં. રાજાએ આશ્ચર્ય પામી પૂછ્યું : “બાબાજી, આ નાણાં તમારી પાછળ ફરતાં છોકરાંઓને છોડી તમે નાકામાનું મને શામાટે આપો છો ?” ફકીર બોલ્યો “ રાજન, આ નાણું ગરીબમાં ગરીબ માણસોને આપવા માટે છે!” રાજા બોલ્યો “ હું ક્યાં ગરીબ છું?” ફકીરે કહ્યું : “ તારા જેવો ગરીબ કોઈ નથી. તારા વૈભવ અને ધન સામગ્રી એ જ તને ગરીબ બનાવ્યો છે; આટલી સંપત્તિનો સ્વામી હોવા છતાં હજુ તું ક્યાં તૃપ્ત થયો છે ? વધારે ને વધારે મેળવવા માટે તું ફાંફાં મારે છે, માટે ગરીબમાં ગરીબ તું જ છે. તારી તૃષ્ણાએ તને ગરીબ કરી દીધો છે. એ તૃષ્ણાને પોષવા માટે તું અનેક માણસોના ગળાં કાપે છે, ગરીબ ખેડૂતો પાસે કરા વસૂલે છે, એટલે ભવિષ્યમાં મહાન દુઃખી અને ગરીબ અવસ્થામાં તારે જવું પડશે.” રાજા સાચી વાત સમજ્યો, તેથી તે શરમાઈ ગયો. ત્યારા બાદ તે પોતાના ધનને પરોપકાર ના કાર્યમાં વાપરવા લાગ્યો.