બોલે છે મોર
બોલે છે મોર કેશવ હ. શેઠ |
વેગળી વાસન્તના મોંઘા આલાપ) |
બોલે છે મોર
બોલે છે મોર, બાલા ! બોલે છે મોર ;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦
ચમકંતી વીજ, છાયું બાદલ ઘનઘોર ;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦
થનગન નાચે ને ટિહૂ ટિહૂ ટહૂકે;
ટહૂકડે દિગંત ભરે આઠે ય પ્હોર;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦
ગર્જંતો મેઘ, મીઠાં વર્ષંતાં અમૃત;
સૃષ્ટિ એ વૃષ્ટિમાં કરતી અંઘોળ;
આજ કોને બારણે બોલે છે મોર? બોલે છે૦
બોલે છે મોર, વ્હાલા ! બોલે છે મોર ;
નંદજીને પારણે બોલે છે. મોર બોલે છે૦
નયણે સૂરજ, મુખડે ચંદ્ર ચકોર;
બ્રહ્માંડનો નાથ ઝૂલે નવલ-કિશોર;
આંગણે આંગણે એનો કલશોર. બોલે છે૦